લાંબા સમયથી નાગેશ્વર રોડ પરની આ પાવન ભૂમિ પર નંદી શાળા– નંદી ઘરનું નિર્માણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું હોય જે હાલમાં જ પરિપૂર્ણ થયેલ હોય થોડા જ દિવસોમાં શ્રાવણ મહિનો આવતો હોય શિવજીના પ્રિય એવા શ્રાવણ માસમાં આ ભૂમિ પર અગિયાર કરોડ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી તેના પૂજન બાદ આ ભૂમિ પર ઓખા મંડળના નંદીઓને પ્રવેશ આપવામાં આવશે.
આ ઉપરાંત શ્રાવણ માસમાં જ પ.પૂ.કનકેશ્વરી દેવીજીના વ્યાસાસને દિવ્ય શિવકથાનું પણ આયોજન કરવામાં આવેલ છે. હાલમાં નંદી શાળાનું નિર્માણ થયેલ છે તેની સામે જ ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવનાર છે જયાં આશરે એક લાખ ગાયોને કાયમી ધોરણે રાખવામાં આવશે.
ધારાસભ્ય પબુભા માણેકે આ શુભ અવસરે એવો સંકલ્પ કર્યો હતો કે ગૌશાળાનું કામ પૂર્ણ થયા બાદ ભગવાન દ્વારકાધીશ તેમજ શિવજીના આશીર્વાદથી તેઓ દ્વારા જે રીતે પહેલાના વખતમાં ઠાકોરજીનું મંદિર સોનાનું હતું અને તેથી આ નગરી સોનાની દ્વારિકા કહેવાતી તે જ રીતે દ્વારકાના દ્વારકાધીશના મંદિરને ફરીથી સુવર્ણનું હોવું જોઈએ તેવી લાગણી સાથે દ્વારકાધીશ મંદિરને સોનાથી મઢવાનો તેમણે સંકલ્પ લીધો હતો. ધારાસભ્યના સુવર્ણ સંકલ્પને ઉપસ્થિત સ્થાનીય અગ્રણીઓ દ્વારા આવકારી સહૃદય વધાવી લેવાયો હતો.