અતિથિ પાર્ટી પ્લોટ ખાતે કૃષ્ણની પ્રતિમા પ્રસ્થાપિત કરી મહાઆરતી, મટકી ફોડ, કેક કટીંગ, રાસોત્સવનું સુંદર આયોજન; આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
આગામી તા.૨૪ શનિવાર સમસ્ત સંસારના પાલનહાર અને સમગ્ર વિશ્ર્વને ગીતારૂપી જ્ઞાનબોધ આપનાર ચંદ્રવંશ શિરોમણી જાદવરાય ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટય દિવસ એટલે કે જન્માષ્ટમી છે. જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના વંશજો એવા જાદવ (જાદૌન) રાજપૂતો, ભટ્ટી (ભાટી) રાજપુતો તથા સમસ્ત ક્ષત્રીય રાજપુત સમાજ માટે એક ગર્વ અને હર્ષોલ્લાસનો પર્વ છે. આથી આગામી જન્માષ્ટમી તા.૨૪ શનિવારના રોજ ક્ષત્રીય રાજપૂત સમાજ તથા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ચંદ્રવંશી જાદવ રાજપૂતો, ચંદ્રવંશી ભટ્ટી રાજપૂતોની આગેવાની હેઠળ ભગવાનશ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન અતિથિ પાર્ટી પ્લોટ ૧૫૦ ફૂટ રોડ રાજકોટ ખાતે કરવામાં આવનાર છે. જે અન્વયે આ સ્થળે ભગવાન કૃષ્ણની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે. જન્માષ્ટમીના રાજે અતિથિ પાર્ટી પ્લોટ ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે રાત્રીનાં ૧૨ કલાકે મહાઆરતી મટકી ફોડ, રાસોત્સવ, કેક કાપી કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં જાદવ (જાદૌન) રાજપૂતો, ભટ્ટી (ભાટી)રાજપૂતો સહિતનો ક્ષત્રીય રાજપુત સમાજ, રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના હોદેદારો તથા મેમ્બર્સ, રાજસ્થાન રાજપુત સમાજના આગેવાનો જોડાશે. ચંદ્રવંશી રાજા યયાતિના પુત્ર ‘યદુ’ના વંશજો, યદુવંશી/યાદવ કહેવાયા. જે અપભ્રંશ થઈને યાદૌન અને આગળ જતા જાદૌન , જાદવ કહેવાયા. યદુવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ થયા ભગવાન શ્રી કૃષ્ણની આગળની પેઢીમાં રાજા ભાટી થયા તેમના વંશજો ભટ્ટી (ભાટી) કહેવાયા. સૌરાષ્ટ્રના જાદવ (જાદૌન) રાજપૂતો, જાદવ રાજપૂતો મથુરા, ઉત્તર પ્રદેશથી ૧૧મી સદીમાં ગુજરાત ખાતે વસઈ પ્રદેશમાં આવીને વસ્યા, ત્યારબાદ અનુક્રમે ૧૨મી સદીમાં ઝાલાવાડ પ્રદેશમાં અને ૧૫મી સદીમાં સોરઠ તથા કાઠીયાવાડ પ્રદેશમાં વસ્યા હાલ જાદવ રાજપૂતો, સૌરાષ્ટ્રમાં સોરઠ, ઝાલાવાડ, કાઠીયાવાડ ગુજરાતનાં અન્ય પ્રદેશમાં બહોળી સંખ્યામાં વસવાટ કરે છે.