દરેક લોકસભા બેઠક માટે ભાજપના ત્રણ લોકપ્રિય નેતા માટેનો સર્વે નમો એપ દ્વારા હાથ ધરાયો: વડાપ્રધાન મોદી અને અમિત શાહે વધારેમાં વધારે મતદારોને સર્વેમાં ભાગ લેવા અપીલ કરી
આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી આડે હજૂ ચારથી પાંચ માસ જેવો સમય છે. ત્યારે ભાજપ દ્વારા અત્યારથી જ ઉમેદવારોની પેનલની પસંદગી કરવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નમો એપ દ્વારા દેશના દરેક મત વિસ્તારમાં એક સર્વે હાથ ધરીને પાર્ટીના ત્રણ સૌથી લોકપ્રિય નેતાઓ અંગે પ્રતિક્રિયા લેવાનું શરૂ કર્યુ છે. નમો એપના આ સર્વેથી ભાજપના સાંસદોની ઉંઘ ઉડી જવા પામી છે.
નમો એપ દ્વારા થઈ રહેલા ‘લોકોની ધડકન’ નામના એપ સર્વે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષી શકે તેવા ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે તજવીજ હાથ ધરાય છે. વડાપ્રધાન મોદીએ તેમના સાંસદોને સરકારી કાર્યક્રમો સાથે સક્રિય પણે જોડાઈ રહેવા માટે અપીલો કરી છે સાથે સાથે નમો એપ દ્વારા દ્વારા સરકારી કાર્યક્રમો અંગેની માહિતી મેળવીને તેનો વધારેમાં વધારે ઉપયોગ અને પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું છે.
નમો એપ દ્વારા થઈ રહેલા સર્વેમાં ઘણા પ્રશ્નો પૈકીએ પ્રશ્ન એ પણ છે કે ‘તમારા મત વિસ્તારમાં સૌથી વધારે લોકપ્રિય ભાજપના નેતાનું નામ આપો’ જેનાથી ભાજપના ૨૬૮ લોકસભામાં સાંસદોની ઉંઘ ઉડી જવા પામી છે. આ સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબજ અંગત રસ જોવા મળે છે. કારણ કે તેમને દરેક મતદારોને આ સર્વેમાં ભાગ લેવા એપ પર વિડિટો મેસેજ પણ મૂકયો હતો. આ વિડિયો શેર કરતી વખતે વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને જણાવ્યું હતુ કે ‘હું નમો એપ પરનો સર્વેક્ષણમાં ભાગ લઈને વિવિધ મુદાઓ પર તમારો સીધો પ્રતિસાદ માંગું છું.
આ ટવીટરમાં વિડીયો મેસેજ દ્વારા અપીલ કરતા નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુંં હતુ કે તમારો પ્રતિસાદ મહત્વપૂર્ણ છે. વિવિધ મુદાઓ પરના તમારા પ્રતિસાદથી અમને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ મળશે. આ સર્વે માટે બીજા મતદારોને પણ માહિતી આપવા અપીલ કરી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ટિવટર હેન્ડલ પર નમો એપના આ સર્વેમાં ભાગ લેવા મતદારોને અપીલ કરી છે.
જેમાં શાહે જણાવ્યું છેકે નરેન્દ્ર મોદી સરકારે કરેલા કાર્યો અંગે તમારા મત વિસ્તારમાં થયેલા કામો અને સમસ્યાઓ અંગેની વિગતો તમો સર્વેમાં આપી શકો છો.ભાજપના મોટાભાગના સાંસદો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, સહિતના હિન્દી રાજયોનાં છે.
જેમાંથી ત્રણ રાજયોમાં તાજેતરમાં યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી હતી. મધ્ય પ્રદેશની તાજેતરની ચૂંટણીમાં ૧૫ જેટલા વિધાનસભ્યોની પસંદગીમાં ભાજપે થાપ ખાધી હતી જેથી આ સર્વે દ્વારા ભાજપ લોકપ્રિય ઉમેદવારોની પસંદગી કરવા માંગે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષોના મહાગઠ્ઠબંધન, ઉત્તર પ્રદેશમાં સપા-બસપાના ગઠ્ઠબંધન અને કર્ણાટકના કોંગ્રેસ જેડી (એસ)ના ગઠ્ઠબંધન બાદ ભાજપ ઉમેદવારની પસંદગીમાં કોઈ કચાશ રાખવા માંગતુ નથી.