અબતક, રાજકોટ
રૂ.42.38 કરોડના ખર્ચે બનેલા લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે રૂપિયા 42.38 કરોડના ખર્ચે નિર્મિત લક્ષ્મી નગર અન્ડર બ્રિજનુ ઈ-લોકાર્પણ કર્યું હતું.બ્રિજનું શહીદ સીડીએસ બિપિન રાવત નામકરણ કર્યુ હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાએ કોરોનાની વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિકાસના કાર્યો સમયસર પૂર્ણ કર્યા છે .રાજકોટ મહાનગરને આધુનિકતાનો રંગ આપવા માટે તેમજ લોકોની સુખાકારી માટે હજુ ઘણા પ્રકલ્પો ચાલી રહ્યા છે તે અંગે શુભકામના પાઠવી મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની વિકાસયાત્રામાં શહેરી વિકાસનું મહત્વનું યોગદાન છે .શહેરોમાં કોઈ એક જ બાબત ના કાર્યો કરવાના બદલે રાજ્ય સરકારે સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શહેરી વિકાસની નવી વ્યાખ્યા પ્રસ્થાપિત કરી લોકોની સર્વાંગી સુખાકારી ધ્યાનમાં રાખી કાર્યોનો પ્રારંભ કર્યો છે .
આ સંદર્ભે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે લોકોના પ્રશ્નોની રજૂઆતો માટે અને લોકોના પ્રશ્નો નું નિરાકરણ થાય તે માટે ઝડપી પરિણામ લક્ષી કામગીરી થાય તે માટે સતત દેખરેખ સાથે કાર્ય વ્યવસ્થા સરકારે ઉપલબ્ધ કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત અભિયાન ચાલી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ ની પણ આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતમાં શહેરી વિકાસ સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપણે સિદ્ધ કરવો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં બિન પરંપરાગત ઉર્જાના ઉપયોગના પ્રકલ્પો તેમજ અને ક્લીન એનર્જી ગ્રીન એનર્જી સાથે પર્યાવરણ સુરક્ષા માં પણ ગુજરાતે ભાગીદારી નોંધાવી નવી સિદ્ધિ હાંસલ કરી છે. મહાનગરોના ગંદા પાણીનો નિકાલ તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે, ઉપરાંત શહેરો ટ્રાફિકની સમસ્યાથી મુક્ત થાય એ માટે અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે .
રાજકોટ માટે જરૂરિયાત મુજબના ટી.પી.ડી.પી મંજૂર કરીને આયોજિત વિકાસ આપવાનો પણ આપણો નેમ છે તેમ જણાવી રાજકોટમાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 187 કરોડના 170 કામો કરવાની પણ સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું .સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે રાજ્યના નગરો મહાનગરોને શહેરી વિકાસ સાથે ધબકતા રાખવા નો આપણો સંકલ્પ છે તેમ અંતમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જવાબદારીપૂર્વક નાગરિક સેવાઓનો વ્યાપ વધારી માળખાગત વિકાસના કાર્યો થાય તે માટે પણ કટિબદ્ધ છે.રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ ઘણા પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે . મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજકોટમાં વિકાસના અનેક કાર્યો મંજુર કરવામાં આવ્યા છે. અગાઉ પણ રાજકોટમાં વિકાસના અનેક કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. અને હજુ વધુ વિકાસ કાર્યો હાથ ધરવાનું સરકારનું આયોજન છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ લક્ષ્મી નગર બ્રિજને લીધે હવે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા નહીં નડે તેમ જણાવી શહેરી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર માં જુદા જુદા વિસ્તારમાં લોકોને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે અંડર અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. લક્ષ્મી નગર રેલવે
બ્રિજ ટ્રાફિકને ધ્યાનમાં લઈને જરૂરિયાત મુજબ બનાવવામાં આવ્યો છે. લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું લોકાર્પણ થતા આશરે 5 થી 6 લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે.મેયરે પ્રવર્તમાન કોરોનાની મહામારીમાં મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી આરોગ્ય સેવા અંગેની પણ માહિતી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને ફાટકથી મુકિત આપવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા પણ આ માટે આયોજન કરવામાં આવ્યું છે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ લક્ષ્મી નગર અંડરબ્રીજની ટેકનિકલ માળખાગત વ્યવસ્થા અને લોકોને મળનારી સુવિધાઓ અંગેની માહિતી આપી હતી.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડીપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે. આ બ્રિજની બંને બાજુ 7.50 મીટર પહોળાઈ તથા 4.50 મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સુગમ બનશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવેલ છે. પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
કાર્યક્રમના પ્રારંભે સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેન પુષ્કરભાઇ પટેલે સૌ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી ,શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ, ડેપ્યુટી મેયરડો. દર્શનાબેન શાહ, રાજકોટ રેલવે ડિવિઝન મેનેજર અનિલકુમાર જૈન તેમજ નરેન્દ્રભાઈ ઠાકુર ,સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લક્ષ્મીનગર અન્ડરબ્રિજના લોકાર્પણ પછી ‘અબતક’ લાઇવ નિહાળ્યું 50હજાર લોકોએ
લોકો ખુબ રાજી: તેમના મતે સાડા છ લાખ લોકોને ઉત્તમ સુવિધા મળી: બ્રિજને ચોખ્ખો ચણાક, ટ્રાફિક ન કરવા વાહન ચાલકોને પ્રજાજનોને ‘અબતક’ના માઘ્યમથી આપી સલાહ
અબતક, રાજકોટ
લક્ષ્મીનગરનું નાલું એટલે કે આજે લોકર્પિત થયેલા લક્ષ્મીનગર અંડરબ્રીજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇ-લોકાર્પણ કર્યા બાદ ‘અબતકે’ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ ટેલીકાસ્ટ કરતાં અતિભારે પ્રતિસાદ મળ્યો. 50હજાર લોકોએ લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું. એક સમયનું સાંકળું, અંધારિયું, ગંદુ લક્ષ્મીનગરનું નાલું બે વર્ષ બાદ બની ગયો ‘સીડીએસ બિપીન રાવત’ અંડરબ્રીજ ! આજના લોકાર્પણ બાદ બ્રીજ ખુલ્લો મુકાતાં ‘અબતકે’ સ્થળ પરથી પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ ટેલીકાસ્ટ કર્યુ જે 50હજાર લોકોએ નિહાળ્યું અને સેંકડો કોમેન્ટસ કરી. મોટાભાગના લોકોએ આ બ્રીજ પ્રત્યે પોતાનો રાજીપો વ્યકત કર્યો. વર્ષોની હાડમારીનો અંત આવ્યો હોવાનું અનેક લોકોએ જણાવ્યું પણ અમુક કોમેન્ટમાં એવો પ્રશ્ર્ન પણ ઉઠાવાયો કે ચોમાસે પાણી તો નહીં ભરાય ને? કોઇએ વળી પેટ્રોલ-સમય બચશે એવી કોમેન્ટ કરી તો કોઇએ ‘મોદી હૈ તો મુમકિન હૈ’ એમ પણ કહ્યું.
‘અબતકે’ આખો અંડરબ્રીજ બનાવી ઝીણામાં ઝીણી વિગતો આપી અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ, વાહન ચાલકો સાથે પણ વાત કરી તો અલગ અલગય પણ હકારાત્મક પ્રતિભાવ મળ્યા, કોઇકે કહ્યું કે સાડા છ લાખની વસ્તીને રાહત થયે, લક્ષ્મીનગર, નાના મવા રોડના વાહન ચાલકોને નિરાંત થઇગઇ. કોઇકે જણાવ્યું કે સરકાર વિકાસ કાર્યો કરે છે એ સાબિત થઇ ગયું કોઇને વળી વાહન ચાલકોને સલાહ આપી કે વાહન ધીમે ચલાવવાં, અકસ્માતોનું ઘ્યાન રાખવું, અમુકે જણાવ્યું કે આ કલબ ફૂલ ચોખ્ખા ચણાક બ્રીજમાં ગંદકી ન કરવી, પાન-કાફી ખાઇને થુંકવું નહી. દરેકનો મત એવો હતો કે ખૂબ સુવિધા મળી છે, તે જાળવવી એ લોકોના હાથમાં છે અને ચોમાસે પાણી નહીં ભરાય કેમ કે ભૂતકાળની ભૂલોમાંથી તંત્રએ બોધ લઇને ડીઝાઇન તૈયાર કરી છે.