મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે રૂા.૫.૨૭ કરોડનાં ખર્ચે બનેલી લાયબ્રેરીનું લોકાર્પણ: રૂા.૮.૫૧ કરોડનાં ખર્ચે નિર્માણાધીન કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત લાયબ્રેરી લોકોની વાંચનભૂખ સંતોષીને આત્મચેતના જગાવે છે: વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટની મુલાકાત દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાનાં વિવિધ રૂપિયા ૨૨૨.૬૦ કરોડનાં પ્રોજેકટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શહેરનાં વોર્ડ નં.૯માં પેરેડાઈઝ હોલ સામે રૂા.૫.૨૭ કરોડનાં ખર્ચે બનેલી અત્યાધુનિક સુવિધાથી સજજ લાયબ્રેરીનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીએ આ લાયબ્રેરીનું બાબુભાઈ વૈદ્ય નામ આપ્યું હતું જયારે મવડી ચોકડી ખાતેનાં બ્રિજને અટલ બિહારી બાજપાઈ બ્રિજ નામકરણ કરવામાં આવ્યું હતું. રાજકોટવાસીઓને પાણી પ્રશ્ર્ને રતિભાર પણ ચિંતા ન કરવાની પાણીદાર ખાતરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી છે.
વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરી મખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પુસ્તકો માણસોની માનસિક ભૂખ સંતોષી આત્મચેતાના જગાવે છે. પુસ્તકો જીવન ઘડતરના રાહબર બની યુવાનોના મિત્ર બને છે. રાજકોટ મહાનગરપાલીકાના વોર્ડ નં. ૯માં શહેરીજનોની સર્વ સમાવેશક સુખાકારીના અવિરત વિકાસ કાર્યો અને સમગ્ર રાજકોટ શહેરને ગ્રીન સીટી , સ્માર્ટ સીટી અને સોલાર સીટિ બનાવવાના મહાપાલીકાના પ્રયાસોને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રી કહયું હતું કે રાજકોટમાં મવડી ચોક ખાતેના બ્રીજનું અટલ બિહારી બાજપાઇ નામકરણ કરાશે. વોર્ડ નં.૯ની અદ્યતન લાઇબ્રેરીનું નામ બાબુભાઇ વૈધ લાઇબ્રેરી રખાશે.આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહયું હતું કે બાબુભાઇ ૬૦ ના દાયકામાં શિક્ષકોના માર્ગદર્શક અને પ્રખર સાહિત્યકાર હતા મુખ્યમંત્રીએ રાજકોટમાં તેમણે લીધેલા પ્રાથમિક શિક્ષણના સંસ્મરણો વાગોળી કહયું હતું કે આજે મને જે શાળા અને શિક્ષકોએ શિક્ષણ આપ્યુ હતું તે શાળાનું ઋણ ચુકવવાની તક મળી છે. શિક્ષણને ફલેગશીપ પ્રોગ્રામ અંતર્ગત લઇ વર્ચ્યુલ કલાસરૂમ, આધુનીક શાળાઓ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપી રાજયનો એક પણ બાળક શિક્ષણમાં પાછળ ન રહી જાય તે માટે આ વર્ષે બજેટમાં રૂ. ૩૦,૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ પ્રવર્તમાન સમયમાં વરસાદ ખેચાયાના સંદર્ભમાં કહયુ હતું કે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીના દીર્ઘકાલીન આયોજન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બતાવેલ પથ પર આપણે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમને નર્મદાના પાણીથી ભરી દેવાનું બીડુ ઝડપ્યું છે. સૌરાષ્ટ્રમાં પીવાના પાણીનો દુકાળ ભૂતકાળ બની રહયો છે. લોકો ચિંતા ન કરે.પીવાના પાણીનો પ્રશ્ન રહેશે નહી. જો નર્મદા આધારીત આ પ્રોજેકટ હાથ ધર્યા ન હોત તો સૌરાષ્ટ્રમાંથી લોકોને હીજરત કરવી પડે તેવી સ્થિતી ઉભી થઇ હોત તેમ જણાવી હજુ પણ જળસંચયના કામોમાં લોકોને સહભાગી થવા, પાણીની બચત કરવા, અગાસી પર સૌર પેનલ ગોઠવવા અપીલ કરી હતી.
રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં વરદ હસ્તે આજરોજ રાજકોટ મહાનગરપાલિકા આયોજિત પેરેડાઇઝ હોલ ખાતે લોકાર્પણ અને ખાત મુહુર્તનાં સંયુકત ડાયસ કાર્યક્રમમાં રૂા.૧૭.૧૨ કરોડનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેકટસનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કર્યુ હતું જેમાં રૂા.પ.૨૭ કરોડનાં ખર્ચે નિમાર્ણાધિન અધતન લાયબ્રેરી તથા રૂા.૮૦ લાખનાં ખર્ચે તૈયાર થયેલ શ્રી સમ્રાટ પ્રાથમિક શાળા નં.૪૯ તથા રૂા.૭૫ લાખનાં ખર્ચ બનાવવામાં આવેલ શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા નં. ૮૮ નું લોકાર્પણ કર્યુ હતું. આ તકે મુખ્યમંત્રીનાં હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવેલા જેમાં રૂા.૮.૫૧ કરોડનાં ખર્ચે નિમાર્ણ થનારા કોમ્યુનિટી હોલનું અને રૂા.૧૩૯ લાખનાં ખર્ચે તૈયાર થનાર કસ્તુરબા ગાંધી વિધાલય અને રૂા.૪૨.૦૭ લાખનાં ખર્ચથી તૈયાર થનાર જે.જે.પાઠક શાળાનાં બિલડીંગનો સમાવેશ થાય છે. સમારોહનાં ડાયસ ઉપર આવતા પહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોએ નિર્માણાધિન અધતન લાયબ્રેરીની મુલાકાત લીધી હતી અને જરૂરી નિરીક્ષણ અને માહિતી મેળવી હતી.
આ તકે મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આજના ઝડપી યુગમાં નૈતિક મૂલ્યોની જાળવણી થાય તે માટે લાઈબ્રેરીની જરૂરિયાત અગત્યની છે. આપણું શહેર ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે તમામ પ્રકારના ગ્રંથો મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા જુદા જુદા એરિયાઓમાં લાઈબ્રેરીઓ, ફરતા પુસ્તકાલયનું નિર્માણ કરી રહી છે. આજે લોકાર્પણ કરવામાં આવેલ લાઈબ્રેરીમાં વાંચનપ્રેમીઓ વિદ્યાર્થીઓ નોકરી માટેની પરીક્ષાઓના પુસ્તકો વિગેરે સુવિધાઓના કારણે ખૂબ જ ઉપયોગી રહેશે. વિશેષમાં મેયર જણાવેલ કે, રાજ્યમાં માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમા કાર્યરત સરકાર દ્વારા રાજકોટ શહેરને અનેક સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે ત્યારે રાજકોટના શહેરીજનો વતી મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ રાજકોટ શહેર પોલીસને ગ્લોબલ પોલીસ એકસેલન્સ એવોર્ડ પ્રાપ્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ.
આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવયું હતું કે, શહેરની દરેક સમસ્યાનો કાયમી ઉકેલ આવે એવા નિર્ણાયક સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં લોકોપયોગી વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો પ્રત્યેની પ્રાથમિક જવાબદારી ઉપરાંત સાંસ્કૃતિક, રમત ગમત સહિતની વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વાંચે ગુજરાત સુત્રને સાર્થક કરવા રાજકોટ મહાનગરપાલિકાએ નમૂનારૂપ અદ્યતન લાઈબ્રેરી લોકોની સુવિધા માટે ઉપલબ્ધ કરી, વિદ્યાર્થીઓ, વાંચનપ્રેમીઓને સારા લેખકોના પુસ્તકો મળી રહે તેવા માન. મુખ્યમંત્રીના સંકલ્પને ફળીભૂત કર્યો છે. રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાં વરસાદની ખેચ છે. પરંતુ શહેરને તેમજ આસપાસના વિસ્તારોને પીવાનું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદા નદીના નીર શહેરને પાણી પૂરું પાડતા આજી, ન્યારી અને ભાદર સહિતના જળાશયોમાં ઠાલવી, શહેરની પાણીની સમસ્યાને કાયમને માટે ભૂતકાળ બનાવી દીધી છે.
જયારે કાર્યક્રમની રૂપરેખા તેમજ પ્રોજેક્ટસની ટૂંકી વિગત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આપેલ. આ કાર્યક્રમમાં, સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯ અંતર્ગત યોજાયેલ હરીફાઈ અંતર્ગત સ્વચ્છ હોટલ કેટેગરીમાં પ્રથમ ક્રમે આવેલ ફોર્ચ્યુન હોટલ, સ્વચ્છ શાળા રાજકુમાર કોલેજ, સ્વચ્છ હોસ્પિટલ અમૃતા હોસ્પિટલ, સ્વચ્છ સોસાયટી ગ્રીન એવન્યુ ઓનર્સ એસોસિએશન, સ્વચ્છ માર્કેટ બજરંગવાડી માર્કેટ એસોસિએશનને મુખ્યમંત્રીના વરદ્ હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવેલ. તેમજ પોલીસ વિભાગને મળેલ ગ્લોબલ પોલીસ એકસેલન્સ એવોર્ડ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્યો અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઇ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, કોર્પોરેટર વોર્ડ નં.૦૯ શિલ્પાબેન જાવિયા, રૂપાબેન શીલુ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન ભારતીબેન રાવલ તેમજ કોર્પોરેટરો અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
પાણીને પારસમણી સમજીને વાપરવાની અપીલ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
વરસાદ ખેંચાતા રાજયભરમાં ચિંતાનાં વાદળો ઘેરાયા છે ત્યારે આજે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકોને પાણી પ્રશ્ર્ને ચિંતા ન કરવાની ખાતરી આપી હતી સાથો સાથ તેઓએ એવી પણ ટકોર કરી હતી કે, પાણીને પારસમણીની જેમ વાપરવું જોઈએ. તેઓએ રાજકોટ મહાનગરપાલિકાનાં શાસકો અને વહિવટીતંત્રનાં વિવિધ વિકાસ કામો માટે અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, રાજયમાં વરસાદ ખેંચાયો છે જેનાં કારણે સ્થિતિ નબળી બની છે. નર્મદામાં પુરતું પાણી છે. સરકાર પણ પીવાનાં પાણી માટે સરકાર ચિંતિત છે. પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પણ સતત ચિંતિત છે. પીવાનાં પાણીનાં સંગ્રહ માટે પૂર્વ તૈયારીઓ કરાઈ રહી છે. હજુ ચોમાસું બાકી છે ત્યારે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે મેઘરાજા મહેર કરે અને પુરતા પ્રમાણમાં વરસાદ પડે. પાણીને પારસમણીની જેમ વાપરવા તેઓએ લોકોને અપીલ કરી હતી.