ડેમને ૧૩૮.૬૮ મીટરની ઉંચાઈ સુધી ભરવા ઐતિહાસીક મંજુરી: અઢળક જળરાશીનો સંગ્રહ થશે, ગેટ બંધ કરાતા ઓવરફલો જોવા નહીં મળે
નર્મદા ડેમને તેની સંપૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટરની ઉંચાઈ સુધી ભરવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની મંજુરી મળી છે. પરિણામે ડેમ ઓકટોબર સુધીમાં તબકકાવાર ફુલ ભરાઈ જશે. જો કે ગેટ બંધ કરાતા ઓવરફલો જોવા નહી મળે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા બંધ પરના ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને સરદાર સરોવર બંધ હવે જે ઓવરફ્લો થતો જોવા મળતો હતો તે હાલ મળી શકશે નહીં. ગુજરાતને આ નિર્ણયના કારણે પાણીના સંગ્રહમાં ખૂબ મોટો ફાયદો થશે. બનાસકાંઠામાં પૂરના કારણે નર્મદાની મુખ્ય કેનાલને જે નુકસાન થયું છે તેની નવેસરથી વધુ મજબૂત ડિઝાઇન સાથે મરામતનું કામ હાથ ધરવામાં આવશે.
નર્મદા વિભાગનો પણ હવાલો સંભાળતા નીતિનભાઇએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ૧૨૧.૯૨ મીટરે નર્મદા બંધ ઓવરફ્લો થતો હતો પરંતુ એનસીએ અને પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી મળી જવા પામી છે જેથી બંધની ઉપરથી જે વધારાનું પાણી વહી જતું હતું તે ઉપયોગમાં લેવા માટે ભરી શકાશે. ૪ ઓગસ્ટે ૧૨૧.૪૫ મીટરની ઊંચાઇથી પાણી વહી રહ્યું છે અને રોજ ૧૫ સેમી વધે તે રીતે પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. તે જોતા ૧૦ ઓગસ્ટ સુધી ડેમમાં ૧૨૭.૩૦ મીટરની ઊંચાઇ સુધી પાણી ભરવા માટે મંજૂરી મળેલી છે તે પ્રમાણે સંગ્રહ થતો જશે. જેનો આધાર મધ્યપ્રદેશમાં થતા વરસાદ અને નર્મદામાં આવતા પૂર પર છે.
તે પછી ઓગસ્ટના અંત સુધીમાં ૧૩૦.૫૯ મીટર સુધી પાણી ભરવા માટે એનસીએની મંજૂરી મળી છે. છેલ્લે બંધની સંપૂર્ણ ઊંચાઇ ૧૩૮.૬૮ મીટરની ઊંચાઇ છે ૨૦ ઓકટોબર સુધીમાં પાણીની તેટલી આવક થશે તો ત્યાં સુધી ભરવામાં આવશે. જેના કારણે બંધ છલોછલ ભરાઇ જશે અને વિશાળ જળરાશિનો સંગ્રહ થતા સમગ્ર રાજયને પાણીનો જંગી લાભ મળી શકશે.બનાસકાંઠા અને પાટણમાં નર્મદાની મુખ્ય કેનાલમાં પૂરના પાણીના કારણે નુકસાન થતા ભંગાણના કારણે વિગેરે કેનાલમાં ઠલવાઇ ગયા છે. જો કે જે ભંગાણ છે તે ૩૫૮ કિલોમીટર પછીનું છે અને બાકીના વિસ્તારમાં સારો વરસાદ થયો હોવાથી ખેડૂતોની પણ વધારાના પાણી માટે માગ નથી. તેથી કેનાલની સફાઇ માટે ૮૦ મશીન મૂકવામાં આવ્યા છે. તે સાથે સાયફનની ક્ષમતા વધે તે માટે પહોળાઇ વધારવામાં આવશે જેથી ભવિષ્યમાં પૂરના પાણી આવે તો કોઇ નુકસાન ના થાય. જેમાં તેના રીપેરીંગ સાથે જ નવી ડિઝાઇન પણ બનાવી દેવાશે.