સરકાર તમામ મહાપાલિકાઓને બોર્ડ બોલાવવા સુચના આપે ત્યારબાદ બોર્ડની તારીખ નક્કી કરાશે: મ્યુનિસિપલ કમિશનર
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો પરથી ચૂંટાયેલા જન પ્રતિનિધિના નામ ગઈકાલે સાંજે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગેજેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન હવે મેયર, ડે.મેયરની ચૂંટણી અને સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની વરણી કરવા માટે બોર્ડ બોલાવવા અંગે રાજ્ય સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, મહાપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો પરથી ચૂંટાયેલા નગરસેવકોના નામ ગઈકાલે ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે.
રાજકોટ સહિત તમામ છ મહાપાલિકાઓમાં પદાધિકારી ઓની નિમણૂંક કરવા માટે ક્યારે બોર્ડ બોલાવવું તે અંગે રાજ્ય સરકાર દ્વારા સુચના આપવામાં આવશે. જેને ધ્યાનમાં રાખી બોર્ડની તારીખ નક્કી કરવામાં આવશે. સંભવત: આવતા સપ્તાહે મેયર, ડે.મેયરની ચૂંટણી તથા સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની નિમણૂંક કરવા માટે બોર્ડ બોલાવવામાં આવે તેવી સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જો જનરલ બોર્ડ બોલાવવામાં આવશે તો મ્યુનિ.કમિશનર દ્વારા 7 દિવસ અગાઉ બોર્ડનો એજન્ડા પ્રસિધ્ધ કરવો પડશે અને ખાસ બોર્ડ બોલાવવાનું થશે તો ત્રણ દિવસની મર્યાદામાં બોર્ડનો એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવશે.
ટૂંકમાં આવતા સપ્તાહે મહાપાલિકામાં નવી બોડી કાર્યરત થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે. ચૂંટાયેલા નગરસેવકોના નામ આજે ગેજેટમાં પ્રસિધ્ધ થતાંની સાથે જ હવે બોર્ડ બોલાવાની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.