મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી નામકરણની જાહેરાત: રાજકોટવાસીઓને ૧૮માં કોમ્યુનિટી હોલની સુવિધા પ્રાપ્ત
ગઈકાલે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાપાલિકા, રૂડા અને કલેકટર તંત્રનાં અલગ-અલગ રૂા.૫૯૧.૭૩ કરોડનાં વિવિધ પ્રોજેકટનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું. શહેરનાં વોર્ડ નં.૧૦માં ૧૫ કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા અત્યાધુનિક સુવિધાઓથી સજજ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીએ આ હોલનું અમૃત ઘાયલ નામકરણ કરવાની પણ જાહેરાત કરી હતી.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, મેઘરાજાની કૃપાથી માત્ર રાજકોટ જ નહીં ગુજરાતનાં લગભગ તમામ તળાવો ભરાઈ ગયા છે. ગત સાલ ઉનાળામાં જનભાગીદારીથી રાંદરડા તળાવ અને રૈયા સ્માર્ટ સિટી એરીયાનાં ૩ તળાવ ઉંડા ઉતારવાની ઝુંબેશ ચલાવી હતી ત્યારે મેં કહ્યું હતું કે, ઉનાળામાં આ કામ માટે આપણે જે પરસેવો વહાવીએ છીએ તેનું ફળ એક વર્ષ પછી મળશે અને આજે પરીણામ જોઈ શકીએ છીએ. પાણી વિના વિકાસ શકય નથી. રાજય સરકારે જળસંચય અભિયાનની મદદથી ગુજરાતને પાણીદાર બનાવ્યું છે. રાજયનાં ૧૪૦૦૦ તળાવો ઉંડા ઉતાર્યા હતા તે આજે ભરાઈ ગયા છે. સરદાર સરોવર ડેમ હવે ૧ મીટર ભરાવવાનો બાકી છે. ડેમનાં દરવાજા બંધ થયા છે અને ગુજરાતનાં વિકાસનાં દ્વાર ખુલ્લી ગયા છે.
શહેરમાં હાલ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો પોતાના શુભ પ્રસંગો કરી શકે તે માટે મહાપાલિકા દ્વારા ૧૭ કોમ્યુનિટી હોલની સવલત આપવામાં આવી છે. બે વર્ષ પૂર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ એવું સુચન કર્યું હતું કે, રૈયા રોડ અને કાલાવડ રોડ પર રેલવેના પાટા પરથી મહાપાલિકાની માલિકોનો એક જ કોમ્યુનિટી હોલ છે. શહેરનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે તેના પ્રમાણમાં મહાપાલિકાએ ન્યુ રાજકોટમાં વધુ એક કોમ્યુનિટી હોલ બનાવવાની આવશ્યકતા છે જે સુચનનું અમલ કરવામાં આવ્યું હતું અને વોર્ડ નં.૧૦માં એસ.એન.કે. સ્કુલની પાસે ૨૦૧૭માં ૧૫ કરોડનાં ખર્ચે એસી સહિતની અત્યાધુનિક સુવિધાઓથી સજજ કોમ્યુનિટી હોલ બનાવવાનાં કાર્યક્રમનો આરંભ કરાયો હતો જેમાં ૧૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતા બે કોમ્યુનિટી હોલ, ડાયનીંગ હોલ, ૧૦ રૂમ, કીચન, એલઈડી લાઈટ, બે લીફટ, ફાયર સેફટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેને ખ્યાતનામ કવિ અમૃત ઘાયલનું નામ આપવામાં આવ્યું છે.
આ તકે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટવાસીઓની સુખાકારીને નજરમાં રાખી અનેકવિધ પ્રોજેકટની ભેટ આપી છે જેની યાદી ઘણી લાંબી છે અને આ સિલસિલો આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. રાજકોટ ખુબ જ ટુંકાગાળામાં મેટ્રોસીટી બનવા જઈ રહ્યું છે જે વાત ગર્વ લેવા જેવી છે. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટને છેલ્લા બે વર્ષમાં રૂા.૬૯૧.૪૯ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તે ઉમેરવામાં આવે તો આ આંક ૧૨૬૬ કરોડે પહોંચે છે. બે વર્ષનાં ટુંકાગાળામાં ૧૯ ટીપી સ્કીમો પણ મંજુર કરવામાં આવી છે. વોર્ડ નં.૧૩માં કોઠારીયાનાં નવા ભળેલા વિસ્તારોમાં પાણીની સુવિધામાં વધારો કરવા માટે ડીઆઈ પાઈપલાઈનનાં નેટવર્કનાં કામનું આજથી ખાતમુહૂર્ત થયું છે જેનાથી અંદાજે ૧૧૦૦ ઘરોને નવા નળજોડાણ પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રા.શાળા નં.૪૮ના નવા બિલ્ડીંગ તા વોર્ડ નં.૧૩માં ડી.આઈ.પાઈપલાઈન નેટવર્કનુ ખાતમુહૂર્ત તેમજ વોર્ડ નં.૧૦માં નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ, ૬ વેક્યુમ રોડ સ્વિપિંગ મશીન અને ૫૧ મિનિ ટીપરવાનનુ લોકાર્પણ તેમજ રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)ના મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પશ્ચિમ)નુ લોકાર્પણ તા રૂડા દ્વારા ઘનકચરા વ્યવસપન ર્એ ૩ રેફ્યુઝી કોમ્પેકટરનું લોકાર્પણ તેમજ રૂડાના ટી.પી.-૧૦ના ૧૮ મી. અને ૧૨ મી. રોડ, વાવડીી કાંગશિયાળીના બીટયુમિનસ રોડ અને હાઈલેવલ બ્રિજ મળી કુલ રૂ.૫૯૧.૭૩ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાયું હતું.