ચૂંટાયેલ વ્યક્તિ લોકસેવા માટે શું કરી શકે તેનું ઉમદા ઉદાહરણ એટલે ધારાસભ્ય રમેશભાઈ: મેયર ડો.પ્રદીપ ડવ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિધાનસભા-70 હેઠળના નાગરિકોને સરકારની યોજનાઓના લાભ મળી શકે તે માટે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા નં.63 ખાતે ‘આયુષ્યમાન ભારત કાર્ડ’, ‘પ્રધાનમંત્રી જનધન યોજના’ તથા ‘પ્રધાનમંત્રી વિમા સુરક્ષા યોજના’ માટેનો કેમ્પ આજરોજ યોજાયો હતો, જેનું દિપપ્રાગટ્ય ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદીપ ડવ ઉપસ્થિત રહયાં હતા.
આ પ્રસંગે ઉદ્બોધન કરતા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યુ હતું કે, ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ આ મારો પ્રથમ જાહેર કાર્યક્રમ છે. આપણે ઈશ્વરને પ્રાથના કરીએ કે લોકોને આયુષ્યમાન ભારત કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર ન પડે, પરતું જો કોઈ પણ સંજોગોમાં જરૂર આવી પડે તો આરોગ્યલક્ષી સારવાર માટે તેનો ઉપયોગ કરી શકો છો, જેમાં રૂ.10 લાખ સુધીની મર્યાદામાં લાભ મળે છે. નાનામાં નાના માણસોને વધુને વધુ ઉપયોગી થવાની આ સરકારની નેમ છે. પ્રધાનમંત્રી જનધન યોજના તથા પ્રધાનમંત્રી વિમા સુરક્ષા યોજનાનો વધુને વધુ લોકો લાભ લે તે માટે જાહેર જનતાને અનુરોધ કરું છું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા મેયર ડો.પ્રદીપ ડવે જણાવેલ કે, ચૂંટાયેલ વ્યક્તિ લોકસેવા માટે ઘણુ કરી શકે, તેનું ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉમદા ઉદાહરણ છે અને આ કેમ્પ દ્વારા તેમણે તે પુરવાર કરી બતાવ્યું છે. આ ઉપરાંત તેઓએ પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યાલય ખાતે પણ તમામ સરકાર યોજનાલક્ષી જાણકારી મળે તે માટે ખુબ સારી વ્યવસ્થા કરી છે. રૂ.20 ના પ્રીમિયમમાં રૂ.2 લાખનો વીમો મળે છે અને આમ તેનું 5 વર્ષનું પ્રીમીયમ ધારાસભ્ય ભરવાના છે, તે ખુબ જ આવકારદાયક વાત છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણીય સમતુલા ખોરવાતા લોકોના આરોગ્યલક્ષી પ્રશ્નો ઉભા થાય તે સ્વાભાવિક છે અને આ માટે આયુષ્યમાન ભારત કાર્ડ ખુબ ઉપયોગી નીવડશે. લોકોને આરોગ્ય સારવાર માટે ઓપરેશન કે અન્ય નાની મોટી સારવાર માટે ખર્ચ પોતે ભોગવવો પડતો નથી. આ કાર્ડ દ્વારા માન્ય થયેલ હોસ્પિટલમાં સારવાર ઉપરાંત દવા તથા આવવા જવાનો ખર્ચ પણ આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ખુબજ સારી સગવડતા મળે તેવા કર્યો હાથ ધરાય છે.
રમેશભાઈ ટીલાળાએ આ કાર્યક્રમ યોજી જનતાની ખુબ સારી સેવા કરી છે. કેમ્પના સ્થળ પર લોકોને અગવડતા ન થાય તે માટે યોગ્ય આયોજન કરી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ માટે 10 કાઉન્ટર, પ્રધાનમંત્રી જનધન યોજના માટે 3 કાઉન્ટર તથા પ્રધાનમંત્રી વિમા સુરક્ષા માટે 2 કાઉન્ટર વ્યવસ્થાના ભાગરૂપે રાખવામાં આવેલ. આ કેમ્પનો લાભ 400 થી વધુ લોકોએ લીધેલ.
આ કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ તેમજ જુદા જુદા કોર્પોરેટરો તથા વોર્ડના આગેવાનો દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ તેમજ સ્વાગત પ્રવચન આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાએ કરેલ હતું, જયારે કાર્યક્રમનું સંચાલન તથા આભાર દર્શન ગૌતમભાઈ ગોસ્વામીએ કરેલ હતું. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર ડો.પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ તથા નરેન્દ્રસિંહ ઠાકુર, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશભાઈ વાકાણી ઉપસ્થિત રહ્યા હતા.