વર્તમાન પાંચ પદાધિકારીઓ અને નીતિન ભારદ્વાજે હોદો ન આપવા કરી આજીજી: ૩૩ નામો બોર્ડ સમક્ષ રજુ
રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન પદાધિકારીઓની મુદત ગુરુવારે પૂર્ણ થઈ રહી છે ત્યારે રાજયની ૬ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ નકકી કરવા ગઈકાલે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં સ્થાનિક સંગઠન દ્વારા બોર્ડ સમક્ષ સીનીયોરીટી મુજબ નામો મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વર્તમાન પાંચ પદાધિકારીઓ અને ભાજપના સિનીયર કોર્પોરેટર નીતિનભાઈ ભારદ્વાજે બોર્ડ સમક્ષ પોતાને હવે હોદો ન આપવા માટે આજીજી કરી છે.
પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય પાંચ હોદાઓ માટે પેનલના બદલે સ્થાનિક સંગઠન દ્વારા ભાજપના ચુંટાયેલા ૩૯ કોર્પોરેટરોના નામો રજુ કરી દેવામાં આવ્યા છે. મેયર સહિતના વર્તમાન પાંચ હોદેદારો તથા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજે હવે પોતાને કોઈ હોદો ન ફાળવવા માટે પણ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુઆત કરી છે. આ ઉપરાંત સ્થાનિક સંગઠન દ્વારા સિનીયોરીટી મુજબ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નામો રજુ કરવામાં આવ્યા છે જેમાં કયાં કોર્પોરેટર કેટલી ટર્મથી ચુંટાય રહ્યા છે અને ભુતકાળમાં તેઓએ કઈ જવાબદારી નિભાવી ચુકયા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હાલ મેયરપદ માટે જાગૃતિબેન ઘાડિયા, ડો.દર્શિતાબેન શાહ, બીનાબેન આચાર્ય, કિરણબેન સોરઠીયા અને જયોત્સનાબેન ટીલાળાના નામો ચર્ચાઈ રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ માટે કશ્યપ શુકલ, ઉદયભાઈ કાનગડ અને કમલેશ મિરાણીના નામો ચર્ચામાં છે ત્યારે ડે.મેયરપદ માટે મનીષ રાડીયા, અશ્ર્વિન મોલીયા અને બાબુભાઈ આહિર સહિતના નામો ચર્ચામાં છે. નવા પદાધિકારીઓની નિમણુક કરવા માટે આગામી ૧૫મી જુનના રોજ મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં પદાધિકારીઓની નિમણુક કરવામાં આવશે.