- સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત વ્યાપારિક સંસ્થા દ્વારા વ્યાપક પ્રમાણમાં કરાયું વૃક્ષારોપણ
- મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં ગ્રેટર ચેમ્બર દ્વારા વૃક્ષારોપણ અભિયાન
રાજકોટને હરિયાળું બનાવવા અર્થે મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમમાં યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લામાં આશરે 1500થી વધુ વૃક્ષોનું વાવતેર કરવામાં આવશે.
આ તકે મંત્રી મુળુભાઇ બેરાએ 1500 જેટલા વૃક્ષોના વાવેતરના સંકલ્પને સમાજ માટેનું મોટું કાર્ય ગણાવતા કહ્યું હતું કે, આપણું ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં આગળ છે. દેશનું ગ્રોથ એન્જીન છે. ત્યારે ઓદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણના જતન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યનો વન વિસ્તાર હાલ 11 ટકા છે, જેને વિશેષ પ્રયત્નો થકી 30 ટકા સુધી લઈ જવાની ગુજરાત સરકારની નેમ છે.
તેમણે કહ્યું હતું કે, લોકકલ્યાણના કામો કરીને સદ્દભાવના સંસ્થા વિશ્વાસપાત્ર બની છે. જે વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન પણ કરે છે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યારે ગ્રીન ગુજરાત અને ગ્રીન ભારત બનાવીને આવનાર પેઢીને સારું પર્યાવરણ આપવાની જવાબદારી આપણા સૌની છે. આગામી સમયમાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દ્વારકાથી લઈને સોમનાથ સુધીના હાઇવે ઉપર પીપળાના વૃક્ષ વાવવાના સંકલ્પ ઉપર પણ કામ કરવામાં આવશે.
આ તકે સંસદસભ્ય રામભાઈ મોકરિયા, ધારાસભ્ય સર્વે રમેશભાઈ ટીલાળા અને દર્શિતાબેન શાહે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને રાજકોટને હરિયાળું બનાવવાની પ્રેરણા આપી હતી. તેમજ સર્વે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજુભાઈ દોષી, તપનભાઈ વોરા, રમેશભાઈ ઝાલાવાડીયા સહિત એસોસીએશન કારોબારી સમિતિના સભ્યઓ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.