મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ તથા બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું કરાયું લોકાર્પણ

પરવાડીયા હોસ્પિટલના માધ્યમથી છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ તબીબી સેવાઓ ઉપલબ્ધ થઈ છે:સી.એમ.

ગ્રામ પંચાયત સ્તરે અદ્યતન સુવિધાઓથી સજજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ઉભી થઇ રહી છે. તે છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોચાડવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિને આભારી છે. ગુજરાતના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવા માટે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. તેમ આટકોટ ખાતે કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના કેથલેબના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આજ રોજ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે  કે.ડી. પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ તથા બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કે.ડી. પરવાડીયા હોસ્પિટલના માધ્યમથી છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ તબીબી સેવાઓ પહોંચાડી શકાઈ છે. ગ્રામ પંચાયત સ્તરે અદ્યતન સુવિધાસભર હોસ્પિટલ ઉભી થઈ છે, તે છેવાડાના માનવી સુધી વિકાસનાં ફળો પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને આભારી છે.  ગ્રામ્ય સ્તરે પાણી, રસ્તા, વિજળી સહિતની આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ હોય ત્યારે જ આવી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ આકાર લઈ શકે છે, જે ગુજરાતમાં છેવાડાનાં માનવી સુધી દરેક-દરેક સુવિધા અને વ્યવસ્થા પહોંચી છે, તેની સાબિતી છે.

Screenshot 3 12

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજે વિશ્વમાં કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે તેના નિરાકરણ માટે વિશ્વ નરેન્દ્રભાઇ મોદી તરફ જુએ છે.  ઓસ્ટ્રેલિયા સહિતના અગ્રણી દેશો જ્યારે વડાપ્રધાનના વૈશ્વિક નેતૃત્ત્વ અને કાર્યશૈલીની પ્રસંશા કરે તે આપણા દેશ માટે ગૌરવની બાબત છે. વિશ્વભરમાં તેમની વિકાસની રાજનીતિનો આવકાર થયાની સાબિતી છે.

નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે.

વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મેડિકલ ક્ષેત્રને સશક્ત કરવાના આયોજન અંતર્ગત મેડિકલ કોલેજમાં બેઠકોની સંખ્યા આજે 1200થી વધારીને 8000 જેટલી કરવામાં આવી છે અને હજુ પણ વધારવાનું આયોજન છે. દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે.

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ભારત અમૃત કાળમાં પ્રવેશ્યું છે ત્યારે છેવાડાના માનવી સુધી દરેક સુવિધા વ્યવસ્થા પહોંચે અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વડાપ્રધાનનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે કટિબદ્ધ થવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો તેમજ દાતાઓના પૈસાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અંતરિયાળ વિસ્તારમાં અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવા બદલ ડો. ભરત બોઘરાને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે આટકોટની કે.ડી. પરવાડીયા હોસ્પિટલની કામગીરીને બિરદાવતા ડો. ભરતભાઈ બોઘરા અને તમામ ટ્રસ્ટીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, અહીંની અદ્યતન હોસ્પિટલમાં તબીબોની શ્રેષ્ઠ ટીમ દ્વારા ઉત્કૃષ્ટ સારવાર સાથે એક વર્ષમાં પ8 હજાર થી વધુ ઓ.પી.ડી. અને 4 હજારથી વધુ ઓપરેશન કરવામાં આવ્યા છે.

આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા  સી. આર. પાટીલે તમામ દાતાઓનું સન્માન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ સી. આર. પાટીલ વિન્ટેજ કારમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલતાં ઝીલતાં કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા હતા.

હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરત બોઘરાએ સ્વાગત પ્રવચનમાં પરવાડીયા હોસ્પિટલની કાર્ય પદ્ધતિ અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે ટૂંકી રૂપરેખા આપી હતી. આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મહાનુભાવોનું  પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે હોસ્પિટલની કામગીરી રજૂ કરતી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રસારણ પણ કરાયું હતું.

આ તકે મંત્રીસર્વે રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને કૌશિકભાઈ વેકરીયા, સંસદ સભ્યો તથા ધારાસભ્યો,  જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, રાજકોટ મેયર પ્રદીપ ડવ, રાજકોટ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, અલ્પેશ ઢોલરીયા, મુકેશભાઈ દોશી, લવજીભાઈ બાદશાહ, મૌલેશ ઉકાણી સહિતના અગ્રણીઓ, કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ, ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ પ્રાંત અધિકારી રાજેશ આલ, સંતો-મહંતો, હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ તથા વિશાળ સંખ્યામાં નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

હોસ્પિટલમાં પાંચ બેડનું આઇસીયુ મુખ્યમંત્રીએ  દર્દીનારાયણના ખબર અંતર પુછયા

Screenshot 2 15

મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી વિવિધ સારવાર તથા સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું તેમજ દાખલ દર્દીઓના ખબર અંતર પુછયા હતા. હોસ્પિટલના મેનેજીગ ટ્રસ્ટ ડો. ભરતભાઇ બોધરાએ હોસ્પિટલની કામગીરી અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ પર દર્દીઓને સારવાર ઉપલબ્ધ છે. અહીં કેથલેબના ઉદધાટનથી આટકોટ, જસદણ પંથકના હ્રદય રોગના દર્દીઓને એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી તેમજ બાયપાસ હાર્ટ સર્જરીની સુવિધા મળી શકશે. કેથલેબમાં પાંચ બેડનું આઇ.સી.યુ. બનાવવામાં આવ્યું છે. હ્રદયના દર્દીઓ માટે અહીં પાંચ કાર્ડિયોલોજીસ્ટ પણ સેવા આપી રહ્યા છે. જયારે દર્દીઓ માટે અહીં બે પુર્ણકાલીન જનરલ સર્જન પણ ઉપલબ્ધ છે.

સી.આર.પાટીલે હોસ્પિટલની કામગીરીની કરી સરાહના

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની શ્રી કે.ડી.પરવડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નવનિર્મિત હૃદય રોગ વિભાગ (કેથલેબ) તેમજ બે નવા મોડ્યુલર ઓપરેશન થીયેટરનાં શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સવિશેષ ઉપસ્થિતિમાં આટકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના દાતાઓનું સન્માન મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા શોલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું.  સી.આર.પાટીલએ જણાવ્યું કે દાતાઓનું દાન ગણી ન શકાય એટલો દાનનો ધોધ વહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ પંથકે, આ સંસ્થાએ જે વધામણાં કર્યા હતા. તે સાર્થક થયા છે અને ભવિષ્યમાં આ હોસ્પિટલનો વિસ્તાર થાય અને પંથક માટે

સરકારી મેડિકલ કોલેજ બને તેવી ટ્રસ્ટીઓને શુભેચ્છા પાઠવી હતી. પાટીલે જણાવ્યું કે વડાપ્રધાને દેશના નાગરિકોના આરોગ્યના પ લાખ સુધીના બીલો ભર્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે યોજનામાં પ લાખનો વધારો કર્યો છે. પહેલાના સમયમાં મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે 2-2 કરોડ રૂપિયાના ડોનેશન આપવા પડતા હતા અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 69000થી વધુ મેડિકલ બેઠકો વધારી અને હવે 6 મહિનાનો ખર્ચ માત્ર 13 હજાર રૂપિયા જ આવે છે. આપણો દેશ વિશ્ર્વમાં સૌથી આગળ ચાલે એની આપણી સૌની સામુહિક જવાબદારી છે.

આટકોટમાં કેન્સર હોસ્પિટલ-મેડિકલ કોલેજ બનાવીશું: ડો.ભરત બોઘરા

દાતાઓએ દાનની સરવાણી વહાવી

ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને આટકોટની શ્રી કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના સર્વેસર્વા ડો.ભરત બોઘરાએ ગઇકાલે કેથલેબના લોકાર્પણ સમયે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આટકોટમાં કેન્સર હોસ્પિટલ તથા મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે. આટકોટની પરવાડિયા હોસ્પિટલ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે આશિર્વાદરૂપ બની છે. કેથલેબના લોકાર્પણ પ્રસંગે દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. બાન લેબવાળા મૌલેશભાઇ ઉકાણી દ્વારા રૂા.2.પ1 કરોડનું દાન, બાલાજી વેફર્સ પરિવારના ચંદુભાઇ વિરાણી દ્વારા રૂા.1.પ1 કરોડનું દાન, ગોકુલ નમકીન વાળા પ્રફૂલભાઇ હદવાણી પરિવાર દ્વારા રૂા.1 કરોડનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.