‘બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ સાથે રાજ્યમાં પ્લાસ્ટીક પ્રદૂષણ નિયંત્રણ માટે મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વપરાશયુકત બધા જ પ્લાસ્ટીકનું રિસાયકલીંગ કરીને પ્લાસ્ટીકથી થતું પ્રદૂષણ નિવારવાની દિશામાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યકત કરી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્લાસ્ટીક વેસ્ટમાંથી રિસાયકલ દ્વારા પર્યાવરણ બગડે નહિ તેમજ વિકાસની ગતિવિધિ સાથે પ્રદૂષણ નિયંત્રણનું પણ સંતુલન રાખવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતીમાં મહાત્મા મંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસે યોજાયેલ ‘બીટ ધ પ્લાસ્ટીક પોલ્યુશન’ થીમ આધારિત પરિસંવાદને ખૂલ્લો મૂકયો હતો.મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિએ સમષ્ટિના કલ્યાણ અને સૃષ્ટિના તમામ જીવો, વ્યવસ્થાનો વિચાર કરીને જીવન પધ્ધતિ વિકસાવી છે તેની છણાવટ કરી હતી.
તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિમાં ધરતીને માતા, નદીને લોકમાતા, દરિયાને દેવ તરીકે પૂજીને વહેવારો-તહેવારોને પર્યાવરણ સાથે જોડીને ઉજવવાની પરંપરાથી બેલેન્સ જળવાયું છે.
વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી ગાંધીનગર
મુખ્યમંત્રીશ્રીએ આમ છતાં વિકાસના વધતા વ્યાપ સાથે પર્યાવરણ જાળવણી નિતાંત આવશ્યકતા બની છે તેમ જણાવતાં પ્લાસ્ટીકથી થતા પ્રદૂષણને નાથવાના ઉપાયો આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે તેની પણ ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું યજમાન ભારત બન્યું છે ત્યારે ગુજરાત પણ પ્લાસ્ટીકના પ્રદૂષણને દૂર કરવાના અનેક ઉપાયો નવિન અભિગમો સાથે અગ્રેસર રહેવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અંગેની રાજ્ય સરકારની કેટલીક નક્કર યોજનાઓની પણ આ તકે ઘોષણા કરી હતી.
- પ્લાસ્ટીક બોટલ્સના રિસાયકલીંગ માટે રિવર્સ વેન્ડીગ મશીન:-
મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ જાળવણીથી સમૃધ્ધિ યોજના અંતર્ગત રાજ્યમાં પાણી, ઠંડા પીણા વગેરેની PET-પ્લાસ્ટીક બોટલ્સના રિસાયકલીંગ માટે રાજ્યભરમાં મોટાપાયે રિવર્સ વેન્ડીગ મશીન RVM લગાવવાની જાહેરાત કરી હતી.
તેમણે ઉમેર્યુ કે, આવા મશીન મૂકવાને પરિણામે રેગ-પીકર્સ પ્લાસ્ટીક કચરો વીણનારા દરિદ્રનારાયણો, ભિક્ષુકો અને સમાજના અતિ આર્થિક પછાત લોકોને આર્થિક આધાર મળશે.
હાલ આવી બોટલ માટે બોટલ દીઠ ૩૦ પૈસા વળતર તેમને મળે છે તેમાં વધારો થઇને ૧ રૂપિયો મળતો થશે.
મુખ્યમંત્રીશ્રીએ આવા RVMમાં બોટલ્સ નાખનારી વ્યકિતને પણ રૂ. ૧ નું વળતર મળશે તેમ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, આ યોજના માટેના ટેન્ડરીંગ અને વહિવટી પ્રક્રિયા એક સપ્તાહમાં કરી દેવાશે. આ નવતર અભિગમને પરિણામે પ્લાસ્ટિક પ્રદૂષણ નિયંત્રીત થશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
- પ૦ માઇક્રોનથી ઓછી જાડાઇની પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ-વપરાશ સદંતર બંધ થાય તે માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ આ માટે ઉત્પાદકોને વિશ્વાસમાં લઇ વિન-વિન સ્થિતી નિર્માણ કરવાના હેતુસર તલસ્પર્શી અભ્યાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરીને નિર્ણય કરવાનો સંકેત આપ્યો હતો.
- અમદાવાદ મહાનગરને એર પોલ્યુશનથી મૂકત કરવા આ હવા પ્રદૂષણના કારણો એક ઉચ્ચકક્ષાની સમિતી બનાવી એક મહિનામાં અહેવાલ આપવા પણ તેમણે સુચવ્યું હતું.
- મુખ્યમંત્રીશ્રીએ પ્લાસ્ટિક હટાવ-પર્યાવરણ સ્વચ્છતા અભિયાન સમગ્ર રાજ્યમાં પાંચમી જૂનથી ૧૧મી જૂન સુધી યોજવાની જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્યના તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા મથકો સહિત ૪૦૦ ઉપરાંત નગરોમાં અને તેની ર કિલો મીટરની પેરીફેરીમાં આ અભિયાન વ્યાપક સ્વરૂપે હાથ ધરાશે.
આ સપ્તાહ દરમ્યાન પ્લાસ્ટીક સહિતનો કચરો ઉપાડી લઇ હેલ્ધી ગુજરાતનું નિર્માણ કરવા સાથે આ કચરો વરસાદી પાણી સાથે ભળીને ગટર-નાળા-નદીઓ બ્લોક ન કરે તેની પણ તકેદારી રાખવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે, આવા કચરાનું યોગ્ય રિસાયકલીંગ, રિયુઝ અને જે પૂન:વપરાશ યુકત ન હોય તેનો નિકાલ એમ ત્રિવિધ વિષયો પર ફોકસ કરવામાં આવશે.
- શ્રી વિજયભાઇ રૂપાણીએ અન્ય એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું કે, ગુજરાતે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન લોકભાગીદારીથી ઉપાડીને રાજ્યભરમાં તળાવો ઊંડા કરવાની જે સફળ મૂહિમ ઉપાડી હતી તેને પ્રોત્સાહિત કરવા પર્યાવરણ જતન સાથે જોડી છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આ અભિયાન અંતર્ગત ગામો, નગરો, શહેરોમાં જે તળાવો ઊંડા કરવામાં આવ્યા છે તે તળાવોમાં શુધ્ધતા જળવાઇ રહે તે માટે રાજ્યવ્યાપી સ્પર્ધા યોજાશે.
જે ગામો-નગરોના તળાવો શુધ્ધતાની એરણે અગ્રતા પ્રાપ્ત કરશે તેમને પ્રોત્સાહક ઇનામો અને વિકાસકામોની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાની પણ જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
- શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના દરિયાકિનારાના બીચને ક્રીસ્ટલ કિલયર બીચ તરીકે વિકસાવી પ્લાસ્ટીક અને અન્ય કચરાના પ્રદૂષણથી મુકત રાખવાની પણ પ્રતિબધ્ધતા દર્શાવી હતી.
રાજ્યમાં શિવરાજપૂર અને અહેમદપૂર માંડવી બીચને આવા ક્રિસ્ટલ કિલયર બીચ તરીકે વિકસાવાશે એમ તેમણે જણાવ્યું હતું.
- મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ઊદ્યોગો ચુસ્તતાપૂર્વક પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરે તેની હિમાયત કરતાં સ્પષ્ટપણે કહ્યું કે, પ્રદૂષણ ફેલાવતા ઊદ્યોગો સામે રાજ્ય સરકાર કલોઝર નોટિસ સહિતના પગલાં લઇ રહી છે અને ભવિષ્યમાં પણ પ્રદૂષણ નિયંત્રણ માટે કડક કાર્યવાહી કરવા સરકાર પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વ પર્યાવરણ દિવસે સૌના સહિયારા સંકલ્પથી ગુજરાતને પ્રદૂષણમુકત હેલ્ધી ગુજરાત બનાવવાનું પ્રેરક આહવાન પણ કર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પર્યાવરણની જાળવણી માટે સંકલ્પબદ્ધ બનવા આહવાન કરીને જણાવ્યું કે, પ્લાસ્ટિક એ જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. આ વર્ષના પર્યાવરણ દિનની થીમ ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ નક્કી થઇ છે ત્યારે આ ક્ષેત્રે ગુજરાતે ઘણું કર્યું છે અને ઘણું કરવાનું બાકી છે ત્યારે આપણે સૌ એ પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ તેમજ વૈજ્ઞાનિક ઢબે તેના રીયુઝ માટે સંકલ્પબદ્ધ બનવું પડશે.
તેમણે ઉમેર્યું કે, સોલીડ, લીકવીડ અને પ્લાસ્ટિક વેસ્ટના નિરાકરણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે નિર્ધાર કર્યો છે તેમાં પણ ગુજરાત સરકાર અને નાગરિકો ચોક્કસ સહભાગી બનશે. તેમણે કહ્યું કે, સરકાર તો તેનું કામ કરી રહી છે પણ સાથે સાથે નાગરિકો, સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ પણ એક સામાજિક અભિયાન થકી જન-જાગૃતિ કેળવશે તો આપણે આવનારી પેઢીને વધુ સારુ જીવન અને પર્યાવરણ આપી શકીશું.
Ø પ્લાસ્ટીક બોટલ્સના રિસાયકલીંગ માટે રાજ્યમાં રિવર્સ વેન્ડીગ મશીન મૂકવામાં આવશે
Ø પ૦ માઇક્રોનથી ઓછી જાડાઇની પ્લાસ્ટિક થેલીના ઉપયોગ-વપરાશ પર નિયંત્રણના તલસ્પર્શી અભ્યાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના થશે Ø અમદાવાદ મહાનગરમાં એર પોલ્યુશન નિવારવા ઉચ્ચ કક્ષાની કમિટી-૧ મહિનામાં અહેવાલ આપશે
|
Ø પાંચથી અગિયાર જૂન રાજ્યવ્યાપી પ્લાસ્ટિક હટાવ-પર્યાવરણ સ્વછતા અભિયાન યોજાશે
Ø મહાનગરો-નગરો-૪૦૦ ઉપરાંત નગરો – તેની ર કિલો મીટર પેરીફેરીને કચરાથી શુધ્ધ કરાશે Ø સુજલામ-સુફલામ જળ અભિયાનમાં ઊંડા થયેલા તળાવોની શુધ્ધતા જાળવણીની સ્પર્ધા યોજાશે-પ્રોત્સાહક ઇનામો સરકાર આપશે Ø રાજ્યના દરિયા કિનારાના બીચને ક્રિસ્ટલ કિલયર બીચ તરીકે વિકસાવી પ્લાસ્ટિક કચરા મુકત બનાવાશે Ø પ્રદૂષણ નિમંત્રણ નિયમોનું પાલન ન કરનારા ઊદ્યોગો સામે સરકાર કડક કાર્યવાહી માટે પ્રતિબધ્ધ |
તેમણે કહ્યું કે, રાજ્યમાં દૈનિક ૬૦૦ કરોડ લીટર પીવાનું તથા વપરાશ માટેનું પાણી વિવિધ યોજના થકી નાગરિકોને પુરૂ પાડવામાં આવે છે. તે પાણીનો પણ રીયુઝ થાય અને ઉદ્યોગોને આ પાણી ફરજિયાત વાપરવા માટેની પોલીસી પણ રાજ્ય માટે અમલી બનાવી છે. ભૂગર્ભ ગટરના પાણીનો પણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પુન:વપરાશ માટેના પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે. જેનો વ્યાપ પણ વધારવામાં આવશે. તેમણે આજના દિવસે વડાપ્રધાનશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન થકી સ્વચ્છ ભારતના નિર્માણ માટે આહવાન કર્યું છે તેને સાકાર કરવા રોજબરોજ સ્વચ્છતા માટેની કાયમી વ્યવસ્થા ઉભી થાય જેમાં સૌ નાગરિકોના સક્રિય યોગદાન થકી ગુજરાતને વધુ સ્વચ્છ, સુંદર અને પર્યાવરણ યુક્ત બનાવાશે તેવી શુભેચ્છા પાઠવી હતી.
મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહે પર્યાવરણદિનની શુભેચ્છાઓ આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિન ઉજવણીના ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ પર જે અભિયાન હાથ ધરાયું છે તેમાં નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને સ્વૈચ્છિક રીતે સક્રિય થઇ સહભાગી થવા અપીલ કરી હતી. શોપીંગમાં ૫૦ માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગ ન વાપરવા તથા તેના બદલે કાપડ-કાગળની બેગ વધુ વપરાય તે માટે સૂચન કર્યું હતું. પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન નાખવા તથા પ્લાસ્ટિકના કચરામાંથી રીયુઝ દ્વારા બનતી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું.
સી.આઇ.આઇ. વેસ્ટર્ન ઝોનના ચેરમેન શ્રી પિરોઝ ખંભાતાએ જણાવ્યું હતું કે, પર્યાવરણ બચાવવા આપણે ટકાઉ વિકાસ ઉપર ભાર મૂકવો પડશે. પર્યાવરણના જતન અને વિકાસ માટે સરકાર અને ઉદ્યોગોએ અનેક ક્ષેત્રે ભાગદારી કરી છે. ઉદ્યોગકારો રાજ્યમાં શિક્ષણ, રોજગારી અને આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે સરકારને સહયોગ આપી રહ્યા છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ માત્ર પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો ઉપાય નથી પણ આપણે જાતે જ તેનો ઉપયોગ સમજીને મર્યાદામાં કરવો પડશે.
વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ અને જી.પી.સી.બી.ના ચેરમેન શ્રી અરવિંદ અગ્રવાલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષની થીમ ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ છે ત્યારે ગુજરાતમાં ૫૦ ટકાથી વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે તો તેના યોગ્ય નિકાલ તથા રીયુઝ માટે આપણી વિશેષ જવાબદારી છે. કચરામાંથી કંચન બનાવવા માટે જી.પી.સી.બી. દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં છે જેનો મહત્તમ લાભ લઇ જાગૃતિ કેળવવી પડશે.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે મોટા અને નાના ઉદ્યોગકારોને ગુજરાતના કલીનર પ્રોડકશન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વિજેતાને રૂ.૫૦ હજાર રોકડા અને દ્વિતીય ક્રમે આવનારને ૨૫ હજાર રોકડા અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે જી.પી.સી.બી., ગીર ફાઉન્ડેશન, ગેમી દ્વારા પ્રકાશિત વિવિધ પુસ્તકોનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન હેઠળ ગાંધીનગર જિલ્લાની કલોલ, પેથાપુર, માણસા અને દહેગામ નગરપાલિકાને સ્વચ્છતાના સાધનોની ચાવી અર્પણ કરાઇ હતી. રાજ્યભરમાં આવા ૬૮૪ મિનિ ટ્રક અને ૩૬૯ ટ્રેકટરનું વિતરણ કરાયું હતું.
જી.પી.સી.બી. દ્વારા ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ ઉપર દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે જી.પી.સી.બી. દ્વારા રાજયમાં જોખમી કચરાના વહનનું વ્યવસ્થા તંત્ર વધુ સુદ્રઢ બનાવવા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં જોખમી કચરાના વહન દરમિયાન આધુનિક ટેકનોલોજી જેવી કે જીઓ ફેન્સીંગ, જી.પી.એસ. ટ્રેકીંગ ઓટોમેટિક સિસ્ટમ એલર્ટ વગેરે દ્વારા જોખમી કચરાના વહન કરતા ટ્રક, ટેન્કર અને વિવિધ સાધનોનું સતત મોનીટરીંગ થાય તે હેતુસર ઇન્ડિયન કેમિકલ કાઉન્સીલ દ્વારા રીસ્પોન્સીબલ કેર કોડ અંતર્ગત શરૂ કરાવામાં આવેલ નાઇસર ગ્રુપના અમલીકરણ માટે આજે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જી.પી.સી.બી.એ વિવિધ કંપનીઓ સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. જેમાં ‘નાઇસર ગ્લોબ સ્કીમ’ હેઠળ જી.પી.સી.બી.-ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલ-ભરૂચ એનવાયરો ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ સાથે તેમજ જી.પી.સી.બી.-ઈન્ડિયન કેમિકલ કાઉન્સિલ તથા નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ વચ્ચે ત્રિપક્ષીય કરાર કરાયા હતા. આ ઉપરાંત નોલેજ શેરિંગ માટે જી.પી.સી.બી. અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે મહાત્મા મંદીર ખાતે પર્યાવરણના જતનના હેતુથી પ્લાસ્ટિકના ઉપયોગ અંગેનું પ્રદર્શન ખુલ્લું મુકીને તેઓએ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પર્યારવણ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઉચ્ચ સનદી અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આભારવિધિ શહેરીવિકાસ વિભાગ અગ્ર સચિવ શ્રી મુકેશ પુરીએ કરી હતી.