- ગુજરાતનો વણથંભ્યો વિકાસ એ મોદી સરકારની ગેરેંટી છે
- અટલ સરોવરનું લોકાર્પણ જો કે શહેરીજનોને 1-મેથી ફરવા જવાનું નસીબ થશે: મુખ્યમંત્રીની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં રૂ.705 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં તેમના હસ્તે સ્માર્ટ સિટી એdરીયામાં અટલ સરોવર, અમૃત યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂ.108.47 કરોડના પાંચ પ્રોજેક્ટ અને સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂડાનો રૂ.95.14 કરોડના બલ્ક વોટર સપ્લાય પ્રોજેક્ટ એમ કુલ રૂ.339.61 કરોડના સાત પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને અમૃત યોજના હેઠળ મનપાના રૂ. 291.49 કરોડના 22 વિકાસકામો અને એસજેએમએમએસવીવાય હેઠળ રૂ.74.32 કરોડના સાંઢીયા પૂલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ આવાસ યોજના ડ્રો કાર્યક્રમ એમ મહાપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂ.705.42 કરોડના 30 વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાણાના અભાવે કોઈ વિકાસ કાર્ય ન અટકે તે રીતનું વ્યવસ્થાપન સરકારે કરેલ છે. રાજકોટ વિશ્વ કક્ષાનું શહેર બને તે સરકારની નેમ છે અને તે માટે લાંબા ગાળાનાં આયોજનો પણ છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી વરદ હસ્તે રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આશરે રૂ.48,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતાં. દેશમાં અને ગુજરાતમાં વણથંભ્યો વિકાસ એ મોદી સરકારની ગેરેન્ટી છે. આજે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂ.705 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે, જેમાં રાજકોટને સ્માર્ટ સિટી એરિયામાં હરવાફરવા માટે વધુ એક નવું સ્થળ અટલ સરોવર અને એમ્યુઝમેન્ટ પાર્કની ભેંટ મળી છે એ ખુબ જ ખુશીની વાત છે. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટી મિશન હેઠળ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલ છે. જેમાં શુદ્ધ થનાર પાણીથી અટલ સરોવર બારેમાસ પાણીથી ભરેલું રાખી શકાશે. ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના સંગ્રહથી જ્યારે ઉનાળાના મહિનાઓમાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટ્રીટેડ વોટરથી અટલ સરોવર બારેમાસ ભરેલું રહેશે. આમ, સ્માર્ટ સિટીનો અટલ સરોવર પ્રોજેક્ટ જળસંચય અને ટ્રીટેડ વોટરના બંને મોડેલથી જળસંચય અને જળ વ્યવસ્થાપનનું આગવું ઉદાહરણ બની રહેશે.
મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં સરળ પરિવહન માટે સાંઢીયા પૂલના સ્થાને નવા ફોર લેન ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી લોકોને વધુ સુગમતા રહેશે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની ડબલ એન્જિનની સરકાર વિકાસ ગતિને અવિરત આગળ ધપાવતી રહેશે અને વધુ ને વધુ સુવિધાપૂર્ણ ડેવલપમેન્ટ માટે નવો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવેલ છે. જે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરીએ તેના લોકાર્પણ પણ કરીએ એ મોદી સરકારની ગેરેન્ટી છે. વિશેષમાં સરકાર દ્વારા ગુજરાતના નગરો અને મહાનગરો સ્માર્ટ નગર/મહાનગર બને તે દિશામાં આયોજનો આગળ ધપાવવામાં આવી રહ્યા છે.
આ અવસરે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિષયક પ્રોજેક્ટને રાષ્ટ્રીય કક્ષાએ પસદ કરવામાં આવેલ છે તે બદલ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવું છું. સરકારે ગુજરાતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે મજબૂત આયોજન અમલમાં મુકેલું છે. સંસદમાં 33 ટકા મહિલા અનામત સંબંધી બિલ પસાર કરી સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં તેમજ સામાજિક ન્યાયનાં ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ પગલું લીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના અવિરત વિકાસ માટે ઝડપભેર આયોજન આગળ ધપાવવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજે રાજકોટ શહેરને એક નવું નજરાણું અટલ સરોવરના રૂપમાં પર્યટન સ્થળ મળવા જઈ રહ્યું છે તેમજ ડ્રેનેજ નેટવર્કના કામો, પાણી પુરવઠાના કામો, બ્રિજના કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે ત્યારે શહેરીજનોની સુખ, સુવિધામાં અનેકગણો વધારો થવાનો છે તેમજ 193 લાભાર્થીઓને પોતાના ઘરનું ઘર મળવા જઈ રહ્યું છે ત્યારે શહેરીજનોને તથા આવાસના લાભાર્થીઓનેખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આપણા સૌની સતત ચિંતા કરી સરકારની વિવિધ યોજનાઓ આપણા ઘર આંગણે મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન થકી પ્રથમ તબક્કામાં 60,000 જેટલા તેમજ બીજા તબક્કામાં 45,801 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવેલ છે. રાજ્ય સરકાર પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવા ચોક્કસ દિશામાં નક્કર આયોજન થઈ રહ્યું છે. જેનું આજે આપણે સૌ પરિણામ જોઈ રહ્યા છીએ કે આપણો દેશ વૈશ્ર્વિક સ્તરે ખુબ જ આગળ વધ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ સરકારશ્રીના સહયોગથી જુદી જુદી યોજનાઓ હેઠળ અત્યાર સુધીમાં 26000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ આવાસ કેટેગરી મુજબ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ફાળવણી કરવામાં આવેલ છે. આજે રૂ.631 કરોડના કામો મારફત શહેરીજનોની સુખ સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. સાથોસાથ જે લાભાર્થીઓને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થઈ આવાસ મળવા જઈ રહ્યું છે તેવા તમામ ભાઈઓ-બહેનોને ખુબ ખુબ અભિનંદન અને તમારા નવા મકાનમાં ગૃહ પ્રવેશ કરી સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત કરો, આરોગ્ય સારું રહે તેવી શુભેચ્છા પાઠવું છું.
કાર્યક્રમના પ્રારંભે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે મંચસ્થ મહાનુભાવો તેમજ ઉપસ્થિત જનમેદનીનું શાબ્દિક સ્વાગત કરી આજના કાર્યક્રમમાં જેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર હતા તેની રૂપરેખા આપી હતી. જ્યારે શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયાએ ખાદીના રૂમાલ અને પુષ્પથી મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. જ્યારે આભાર વિધિ વોટર વર્કસ કમિટી ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભરે કરી હતી. દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાના શાસકોના નિર્ણય બદલ સફાઈ કામદારો અને તેઓના આગેવાનો દ્વારા મંચસ્થ મહાનુભાવો પ્રત્યે આભાર વ્યક્ત કરી તેઓનું પુષ્પગુચ્છથી સન્માન પણ કર્યું હતું.
આ પ્રસંગે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, જિલ્લા કલેકટર પ્રભવ જોષી, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રૂડાના સી.ઇ.એ. જી.વી. મિયાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો.માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સભ્યો, શહેર ભાજપના હોદેદારો, વોર્ડ સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.