કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, પુષ્કર પટેલ અને કશ્યપ શુકલનાં નામની ચર્ચા: આવતા સપ્તાહે રાજકોટ શહેર અને જિલ્લાનાં પ્રમુખનાં નામની જાહેરાત થઈ જશે
ભાજપ દ્વારા તાલુકા અને મંડળોમાં નવા હોદેદારોની વરણીની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે શહેર ભાજપ દ્વારા ૧૮ વોર્ડનાં પ્રમુખ અને મહામંત્રીનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. જયારે જિલ્લા ભાજપ દ્વારા ૧૭ પૈકી ૧૪ તાલુકા-ગ્રામ્યનાં પ્રમુખ, મહામંત્રીનાં નામની જાહેરાત કરાઈ છે. આવતા સપ્તાહે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપનાં પ્રમુખનાં નામની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. શહેર ભાજપ માટે હાલ ૪ નામોની ચર્ચા થઈ રહી છે જોકે વર્તમાન પ્રમુખ કમલેશ મિરાણીને રીપીટ કરવામાં આવે તેવી સંભાવના વધુ દેખાઈ રહી છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખપદ માટે વર્તમાન પ્રમુખ કમલેશભાઈ મિરાણી ઉપરાંત મહામંત્રી દેવાંગભાઈ માંકડ, સ્ટેન્ડિંગ કમિટીનાં પૂર્વ ચેરમેન અને સિનિયર કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલ અને કશ્યપભાઈ શુકલનાં નામની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કમલેશભાઈ મીરાણી વિધાનસભા અને લોકસભાની ચુંટણીમાં પક્ષને સફળતા અપાવવા માટે કરેલી કામગીરી અને સંગઠન માળખું મજબુત બનાવવા માટે સર્જી દીધેલી પરીશ્રમની પરાકાષ્ઠાને ધ્યાનમાં લઈ તેઓને ફરી એક વખત પ્રમુખપદનો તાજ પહેરાવવામાં આવે તેવી સંભાવના વધુ જણાઈ રહી છે. જો આવું ન કરવામાં આવે તો શહેર ભાજપનાં વર્તમાન મહામંત્રી દેવાંગ માંકડને પણ પ્રમુખની ખુરશીએ બેસાડવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન તરીકેની કામગીરી અને ત્યારબાદ સંગઠન પર્વનાં સહઈન્ચાર્જ તરીકે કરેલી નોંધપાત્ર કામગીરીને ધ્યાનમાં રાખી સિનિયર કોર્પોરેટર પુષ્કર પટેલનું નામ પણ હાલ પ્રમુખપદની રેસમાં સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જયારે ગત ટર્મમાં શહેર ભાજપ મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચુકેલા અને સંગઠનનો બહોળો અનુભવ ધરાવતા કશ્યપ શુકલનું નામ પણ ચર્ચામાં છે. આવતા સપ્તાહે નવા પ્રમુખનાં નામની સતાવાર ઘોષણા કરી દેવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. સ્થાનિક કક્ષાએથી પ્રમુખપદ માટે આ ચાર નામો પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે જોકે કાર્યકરોનાં મોઢે થતી ચર્ચાઓ મુજબ મિરાણીને મોટાભાગે રીપીટ કરવામાં આવશે. નવા સંગઠન માળખામાં ત્રણેય મહામંત્રીઓને ફેરફાર કરવામાં આવે તેવું પણ મનાઈ રહ્યું છે. ભાજપમાં કોઈ વાત નિશ્ર્ચિત હોતી નથી. છેલ્લી ઘડીએ નામોમાં ફેરફાર કરવા માટે પણ પક્ષ જાણીતો છે. આવામાં બની શકે કે ચારેય નામોનાં બદલે કોઈ નવું જ નામ આવે તો પણ નવાઈ નહીં.
બીજી તરફ જિલ્લા ભાજપની ચર્ચા કરવામાં આવે તો જિલ્લા ભાજપનાં પ્રમુખપદ માટે પણ ચાર નામો ચર્ચામાં છે. જેમાં વર્તમાન પ્રમુખ ડી.કે.સખીયા ઉપરાંત મહામંત્રી ડો.ભરત બોઘરા, પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા અને વિજય કોરાટનાં નામો ચાલી રહ્યા છે. એક જુથ એવું પણ માની રહ્યું છે કે, રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીને જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવે. આવતા સપ્તાહે પ્રદેશ દ્વારા શહેર અને જિલ્લાનાં પ્રમુખનાં નામની ઘોષણા કરી દેવામાં આવશે.