- શહેરીજનોની અપેક્ષાઓ સંતોષાય અને સુખાકારી વધે તેવા પ્રયાસો કરાશે: સ્ટે. ચેરમેન
- કોર્પોરેશનનું વર્ષ 2025-2026 નું રૂ. 3118.07 કરોડનું બજેટ મંજુર કર્યા બાદ ખડી સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ લિવેબલ સિટી તરીકે દેશમાં પ્રથમ હરોળમાં સ્થાન પામે તેવી ભાજપના શાસકોની નેમ છે.
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને વધુમાં ઉમર્યુ હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનની વર્ષ 2021-26ની બીજી ટર્મ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીએ નાણાંકીય વર્ષ 2025-26ના અંદાજપત્રનો પુરતો અભ્યાસ અને ગહન વિચાર વિમર્શ કરી, મહાનગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી જાહેર સેવાઓ અને સુવિધાઓ સામે આવકના સ્ત્રોત સહિતના મુદ્દાઓ ધ્યાને લઈ, પુખ્ત ચર્ચા વિચારણા કરી, આજે કમિટીની બેઠકમાં જરૂરી સુધારાવધારા સહ અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે. શહેરીજનો માટે દર વર્ષે લોકભોગ્ય યોજનાઓ સાથેનું બજેટ અમલમાં મુકવામાં આવે છે, જેમાં રસ્તાના કામો, સ્ટ્રી્ટલાઇટ, ડ્રેનેજ, પીવાનું પાણી, સફાઈ, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ તો ખરી જ, સાથોસાથ રમત-ગમતની સુવિધા, હરવા-ફરવાના સ્થળો, બાગ-બગીચા, ઘનિષ્ઠ વૃક્ષારોપણ, સિટી બસ, નવી પ્રાથમિક શાળાઓ, નવા કોમ્યુનિટી હોલ, નવી લાયબ્રેરીઓની સુવિધા થકી શહેરીજનોને ઉપલબ્ધ સગવડમાં વધારો કરી, ‘લિવેબીલીટી ઇન્ડેક્ષ’માં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
મહાપાલિકા શહેરીજનોને પર્વો-તહેવારો પર બોલીવુડ નાઇટ, સંગીત-સંધ્યા, હસાયરો, કવિ સંમેલન, લોક ડાયરો સહિતના વિવિધ સાંસ્કૃસતિક કાર્યક્રમો દ્વારા મનોરંજન આપવાની દિશામાં પણ સતત કાર્યરત છે. રાજકોટ આજે ખરા અર્થમાં ‘લિવેબલ સિટી’ બન્યું છે. શહેરને સ્માર્ટ, સ્વચ્છો તેમજ હરિયાળુ બનાવવા માટે મિયાવાકી પધ્ધલતિ દ્વારા નવા અર્બન ફોરેસ્ટહ વિકસાવી, તેમજ મહત્તમ સ્થછળોએ ઘનિષ્ઠા વૃક્ષારોપણ કરી, વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેનાથી ‘ગ્રીન કવર’માં પણ સતત વધારો થઇ રહ્યો છે અને પ્રદુષણ પર નિયંત્રણ આવી રહ્યું છે. ‘સૌની યોજના’ અંતર્ગત માઁ નર્મદાના નીર પ્રાપ્ય થવાથી શહેરીજનોએ અગાઉ અનુભવેલ પાણીની ગંભીર સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી ભૂતકાળ બની છે. છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર સેવા-સુવિધાઓ પહોંચે અને પ્રજાજનોની સુખાકારીમાં સતત વધારો થતા, આપણું શહેર વધુ ને વધુ રહેવાલાયક અને વસવાટપાત્ર બને, અને શહેરને ‘લિવેબલ સીટી’ તરીકે અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત થાય, તે દિશામાં પ્રામાણિક પ્રયત્નો હાથ ધરવાની વર્તમાન શાસકોની નેમ છે.
શાસકો દ્વારા શહેરીજનોના વિશાળ હિતમાં ખૂબ જ મહત્વ ના નિર્ણયો કરવામાં આવેલ છે. ટ્રાફિકથી સતત ધમધમતા હોસ્પિટલ ચોક, નાના મવા ચોક, રામાપીર ચોક, જડ્ડુસ ચોકમાં ફ્લાય ઓવરબ્રિજ તેમજ કે.કે.વી. હોલ ચોકમાં મલ્ટીલેવલ “શ્રી રામ બ્રિજ”નું નિર્માણ કરી, રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પ્રયત્નો કર્યા છે. કાલાવડ રોડ પર નવા રિંગ રોડ પાસે ‘આઈકોનિક બ્રિજ’ નિર્માણ થનાર છે તેમજ સાંઢીયા પુલ પર નવા ફોરલેન બ્રિજના નિર્માણની કામગીરી હાલ ગતિમાં છે.
સાથોસાથ, નવા ભળેલ વિસ્તારોમાં પાયાની તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે વિકાસ કામો તબક્કાવાર શરૂ કરવામાં આવેલ છે. શહેરના નવા ભળેલ વિસ્તારોમાં પણ નવી આંગણવાડીઓ, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, બાગ બગીચા, લાઈબ્રેરી, કોમ્યુનિટી હોલ, રોડ રસ્તાઓ, ડ્રેનેજ લાઈનો, પીવાના પાણીની સુવિધા માટે હાઈ પ્રેસર વોટર પાઈપલાઈન, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટીંગ, સોલાર પેનલ સહિતની જરૂરિયાત મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે શાસકો કટીબદ્ધ છે.
રાજ્ય સરકાર દ્વારા 19 નવેમ્બસર, 1973ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ, વર્ષ 1998માં રૈયા, નાના મવા, મવડી વર્ષ 2015માં કોઠારિયા, વાવડી અને છેલ્લે વર્ષ 2020માં ઘંટેશ્વર, માધાપર, મુંજકા, મોટા મવા, મનહરપુર-1 ગ્રામ્યે વિસ્તામરોનો રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ સાથે મહાનગરનો વિસ્તાર 161 ચો. કિમી. થયેલ છે. શહેરના 18 વોર્ડની અંદાજીત 18 લાખથી પણ વધુ જેટલી માનવ વસતિને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની પડકારજનક ફરજ રાજકોટ મહાનગરપાલિકા સુપેરે નિભાવી રહી છે,
અડધી સદીની આ સુવર્ણ સફરમાં રાજકોટ મહાનગર પાલિકાએ સમયાંતરે ઘણા પડકારોનો સામનો કર્યો છે. ભારતીય જનતા પક્ષના પુરોગામીઓએ પહેલા ‘જ્યાં માનવી, ત્યાં સુવિધા’નું સુત્ર સાર્થક કર્યું. આગામી વર્ષોમાં નાગરિકોની અપેક્ષાઓ સંતોષાય અને શહેરીજનોની સુખાકારી પણ વધે તેવા શુભ આશયથી શાસક પક્ષ દ્વારા મેયર, શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ધારાસભ્યોા, કોર્પોરેટરઓ સાથે સંકલન કરી હાલના તથા પૂર્વ હોદ્દેદારોનું માર્ગદર્શન મેળવી મહાનગર પાલિકાના અંદાજપત્રમાં આ વર્ષે વહીવટી સુધારણા તેમજ અનેકવિધ નવી લોકભોગ્ય યોજનાઓનું અમલીકરણ શરુ કરવામાં આવનાર છે, તેઓએ ઉમેર્યુ હતું કે, મ્યુનિ. કમિશનરએ રૂ 3112.28 કરોડનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી અર્થે રજુ કર્યુ હતું. જે બજેટમાં મહેસુલ ખર્ચને પહોંચી વળવા કુલ અંદાજીત રૂ. 150 કરોડનો કરબોજ સૂચવેલો હતો. પરંતુ, સ્થાયી સમિતિ દ્વારા ગહન વિચાર વિમર્શને અંતે, શહેરીજનો પર વધારાનો એક પણ રૂપિયાનો કરબોજ નાખવાને બદલે, મહાપાલિકાના હાલના આવકના સ્ત્રોતોને વધુ મજબૂત કરવા, આવકના નવા સ્ત્રોતો ઊભા કરવા, મૂડી તથા મહેસૂલી ખર્ચમાં જરૂરી કાપ મૂકવો વિગેરે આયામો લક્ષમાં લઈ, મ્યુનિસિપલ કમિશનરએ સુચવેલ નવા કરબોજ તથા કરબોજમાં વધારા અંગેની તમામ દરખાસ્તો સ્થાયી સમિતિ દ્વારા સર્વાનુમતે નામંજુર કરવામાં આવે છે. સ્થાયી સમિતિ દ્વારા કમિશનરએ રજુ કરેલ બજેટના કુલ કદમાં આશરે રૂ.6 કરોડનો વધારો કરી, રૂ.55.92 કરોડની 20 નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવેલ છે. જે માટે જુદા જુદા મહેસૂલી ખર્ચમાં કરકસરના ભાગરૂપે જરૂરી કાપ મુકી, કુલ રૂ.3118.07 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કર્યુ છે.