જય વિરાણી, કેશોદ: ઘણા લોકો પોતાના નામથી નહિ કામથી વખણાતા હોય છે તેઓ ફક્ત વાતો કરીને નહિ પરંતુ કામ કરીને લોકોના દિલ જીતી લેતા હોય છે અને લોક ચાહના મેળવતા હોય છે ત્યારે કેશોદમાં પણ એવા અધિકારી થઈ ગયા જેમણે પોતાના કામના સમયગાળા દરમિયાન બધા જ લોકોના દિલ જીતી લીધા છ. જુનાગઢ જિલ્લાના કેશોદ નગર પાલિકામાં ઈન્ટરનલ ઓડીટર તરીકે ફરજ બજાવતાં ભીખુભાઈ. ઠુબર વયમર્યાદા ને કારણે નિવૃત્ત થયા છે.
સરકારની ગાઈડ લાઈન મુજબ તેમણે વિદાયમાન આપવામાં આવ્યું હતું. કેશોદ નગરપાલિકામાં વર્ષ ૧૯૯૨માં હેડ એકાઉન્ટન્ટ તરીકે જોડાયા હતા. ત્યારબાદ નોકરીમાં જોડાઈને તેર વર્ષ સુધી હિસાબી શાખામાં ફરજ બજાવીને વર્ષ ૨૦૦૫થી સોળ વર્ષ સુધી ઈન્ટરનલ ઓડીટર તરીકે ફરજ બજાવી હતી. તેમણે કેશોદ નગરપાલિકામાં કુલ ૨૯ વર્ષ સુધી કામગીરી કરી હતી. કાર્યકાળમાં પોતાનાં સરળ સ્વભાવ અને મિલનસાર વ્યક્તિત્વને કારણે નગરપાલિકાનાં કર્મચારીઓ અને શહેરીજનોમાં જબ્બર લોકચાહના ધરાવતાં હતાં.
કેશોદના કર્મચારીઓ દ્વારા કોવીડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ તેમનું સન્માન કરી સ્મૃતિ ચિહ્ન આપી વિદાય આપી હતી. બહોળો વહીવટી અનુભવ ધરાવતાં બી એ ઠુબરનાં વિદાય કાર્યક્રમમાં ઓફિસ સુપ્રીટેન્ડ પી એચ વિઠ્ઠલાણી એ જણાવ્યું હતું કે તેઓ દરેક કર્મચારીઓ માટે એક માર્ગદર્શક અધિકારી બનવા ઉપરાંત કોઈપણ પ્રકારના વિવાદોનો ઉકેલ લાવવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે અને ઓફિસને મદદરૂપ બન્યાં છે. તેઓનાં તંદુરસ્ત અને સ્વસ્થ જીવન માટે અમે ભગવાનને પ્રાર્થના કરી છે.
વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં ભીખુભાઈ ઠુબર પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ કચેરીમાં મારી ડ્યૂટી દરમ્યાન સાથ સહકાર આપનાર સૌ કર્મચારીઓ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે કચેરીમાં કોઈપણ પ્રકારના કામ માટે કે માર્ગદર્શન માટે ગમે ત્યારે મને બોલાવી શકે છે. મારાથી શકય હશે એટલો મદદરૂપ બનીશ. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે ભીખુભાઈ ઠુબર પોતાની ફરજ દરમ્યાન કાયમી ધોરણે હકારાત્મક અભિગમ અપનાવીને સંસ્થાનાં હિતમાં નિર્ણય લેવા માટે એક સ્પષ્ટ વક્તા તરીકે જવાબદારી સંભાળતાં હતાં. તેઓનો બહોળો અનુભવ અને વહીવટી પ્રક્રિયાની ચીવટપૂર્વક કામ કરવાની પધ્ધતિ સાથે સાથે અરજદાર ને સંતોષ આપવો તથા ન્યાય આપવાની આદત ધરાવતાં ઠુબર સાહેબ ની કાયમી ધોરણે ખોટ વર્તાશે.