ચોરેલા બાઇકથી ઇરાદાપૂર્વક અકસ્માત સર્જી નુકસાન વસુલ કરવા અને ટ્રક ચાલકને મજુર શોધી આપવાનું કહી અવાવરૂ જગ્યાએ લઇ જઇ લૂંટ ચલાવ્યાની કબુલાત
લૂંટ, ચોરી અને મારામારી સહિત ૪૫ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા નામચીન ઇમરાન ઉર્ફે ઇમલો ઉર્ફે કાળીયો હાસમમીયા કાદરી બે માસ પૂર્વે ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી ગયા બાદ વાહન ચોરી અને લૂંટના ૧૭ જેટલા ગુના આચરી જૂનાગઢ તરફ જઇ રહ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગોંડલ ચોકડી પાસેથી ઝડપી લીધો છે.
આજી ડેમ પાસે એસઆરપીમેનની રાયફલની લૂંટ ચલાવી સહિત ૪૫ જેટલા ગુનામાં સંડોવાયેલા ઇમરાન ઉર્ફે ઇમલો ઉર્ફે કાળીયો હાસમમીયા કાદરી ઓબ્ઝવેશન હોમમાંથી બે માસ પહેલાં ફરાર થયા બાદ તેને અમદાવાદ અને રાજકોટમાં લૂંટ અને વાહન ચોરીના ૧૭ ગુનામાં ગોંડલ ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લીધો છે.
ગત તા.૩૦ જુલાઇએ ભગવતીપરા પાસે આવેલા જયપ્રકાશનગરમાં અમુલ પાર્લરનું કલેશન કરતા યુવાનને છરી બતાવી રૂા.૯૩,૫૦૦ની લૂંટ ચલાવ્યાની ઇમરાન ઉર્ફે ઇમલાએ કબુલાત આપી છે. ઓબ્ઝર્વેશન હોમથી ભાગીને ઇમરાન ઉર્ફે ઇમલાએ અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તા પાસે જય અંબે હોટલવાળી શેરીમાં એક્ટિવાની લૂંટ ચલાવી, સરખેજ પહોચી ત્યાં હોન્ડા સિટી કાર સાથે એક્ટિવા ભટકાડી હોન્ડા સિટી કાર અને રૂા.૨ હજારની રોકડની લૂંટ ચલાવી સરખેજ પાસે હોન્ડાની લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ માણેકબાગ પાસેથી વર્ના કારની ચોરી કરી રાજકોટ આવી અમુલ સર્કલ પાસેથી બાઇકની ચોરી કરી ભગવતીપરામાં અમુલ પાર્લરનું કલેકશન કરતા યુવાનના રૂા.૯૩ હજારની લૂંટ ચલાવ્યાની તેમજ સાત જેટલા ટ્રક ચાલકને મજુર શોધી આપવાનું કહી મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે.
ઓબ્ઝર્વેશન હોમમાંથી ૧૩ વખત ભાગી ગયો
૧૫૦ ફુટ રીંગ રોડ પર પુનિતનગરમાં રહેતા ઇમરાન ઉર્ફે ઇમલો કાદરી નાની ઉમરે ૪૫ જેટલા ગુના આચરતા તેની પોલીસ દ્વારા ધરપકડ કરી સગીર આરોપી હોવાથી તેને ઓબ્ઝર્વેશન હોમ રાખવામાં આવતા તે ભાગી જતો હોવાથી તેને મહેસાણા ખાતેના ઓબ્ઝેર્વેશન હોમમાં ટ્રાન્સફર કરાયો હતો. રાજકોટ અને મહેસાણાના ઓબ્ઝર્વેશન હોમમાંથી ૧૩ વખત ફરાર થયેલા ઇમરાન ઉર્ફે કાદરી પુકત બન્યા બાદ પણ ભગવતીપરામાં લૂંટ ચલાવતા તેની સામે લૂંટનો પ્રથમ અને ફરાર થયા બાદ બે માસમાં ૧૭ ગુના આચર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. લૂંટ અને ચોરી ઇમરાન ઉર્ફે ઇમલા એકલો જ કરતો હોવાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેઓથી કાર, બાઇક, મોબાઇલ, રોકડ અને છરી કબ્જે કર્યા છે. લૂંટ ચલાવી એકઠી કરેલી રોકડ રકમ મોજ શોખમાં વાપરી નાખ્યાની કબુલાત આપી છે.