સોનારીયા હેડવર્કથી ‘નીર’ સોમનાથ પહોંચતા પૂજાવિધિ સાથે ‘નર્મદે’નું સ્વાગત
‘દાદા’ના જળાભિષેક માટે હરિદ્વારથી ગંગાજળ મંગાવાતું
સોમનાથ ટ્રસ્ટને હવે પ્રતિદિન ૩૦ લાખ લીટર નર્મદાનીર આપવાની સુંદર વ્યવસ્થા કાર્યરત બની છે. આ કાર્યની શરૂઆતથી વર્ષોની આતુરતાનો અંત આવતા ખુશીની લહેર પ્રસરી ગઈ છે. ‘દાદા’ના જળાભિષેક માટે ૧૦૦૦ વર્ષ પૂર્વે હરિદ્વારથી ગંગાજળ મંગાવવામાં આવતું હતુ. ત્યારબાદ આ પરંપરા ૭૦ વર્ષ પૂર્વે થયેલી પ્રાણ પ્રતિષ્ઠા બાદ પણ નિભાવવામાં આવતી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશ-વિદેશની મહત્વની નદીઓ અને મહાસાગરનાં જળથી ’દાદા’નો અભિષેક થયો હતો. ત્યારે હવે દાદાને ‘નમામિ નર્મદે સમર્પયામિ:’ સાથે અભિષેક થશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળ્યાના ગણતરીનાં દિવસોમાં જ વર્ષોથી જેની પ્રતિક્ષા હતી તે નર્મદાના નીર સોમનાથ ટ્રસ્ટને પ્રતિદિન ૩૦ લાખ લીટર પૂરા પાડવાની વ્યવસ્થા કાર્યરત બની છે. આજે સમી સાંજે સોનારીયા હેડવર્કથી નર્મદાનું જળ સોમનાથ પહોચ્યું તેની ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરીએ પૂજાવિધિ સહિત આવકાર્યું હતુ.
ટ્રસ્ટના અને પાણી પૂરવઠા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સાદા સમારંભમાં નર્મદા જળ ચાલુ થતા સોમનાથ તીર્થનાં વિકાસ માટેની એક મહત્વની જરૂરીયાત પૂર્ણ થઈ છે.