ઉપરવાસથી 354242 કયુસેક પાણીની આવક: ડેમ ઓવરફલો થવામાં 9.57 મીટર છેટું
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (નર્મદા ડેમ)ની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં વરસી રહેલા વરસાદ અને ઉપરવાસના તમામ જળાશયો ઓવરફલો થઈ રહ્યા હોવાના કારણે નર્મદા ડેમમાં પાણીની ધીંગી આવક થઈ રહી છે. 138.68 મીટરે ઓવરફલો થતા સરદાર ડેમની સપાટી આજે સવારે 129.11 મીટરે પહોચી જવા પામી છે. હજી ડેમ છલકાવમાં 9.57 મીટર બાકી છે.
મધ્યપ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત મેઘકૃપા વરસી રહી છે. જેના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે નર્મદાડેમની સપાટી 129.11 મીટરે પહોચી જવા પામી છે. ડેમ 70 ટકાથી વધુ ભરાય ચૂકયો છે. ઉપરવાસમાંથી 3,54,242 કયુસેક પાણીની આવક થઈ રહી છે. આ વર્ષ પણ ડેમ ઓવર ફલો થઈ જાય તેવા સુખદ એંધાણ મળી રહ્યા છે. જોકે હજી ડેમને ઓવર ફલો થવામાં 9.57 મીટર બાકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની સપાટી 121.68 મીટરની હતી દરમિયાન 2014માં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર રચાયાના 17માં દિવસે જ નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપવામાં આવતા સરદાર સરોવર ડેમની ઉંચાઈ 138.68 મીટર થવા પામી છે. ઉંચાઈ વધ્યા બાદ લગભગ દરેક વર્ષ સરદાર ડેમ ઓવરફલો થયો છે. સરદાર સરોવર ડેમને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે.