જિલ્લા પંચાયતની તમામ બેઠકો કોર્પોરેશન,નગરપાલિકા થતા જિલ્લા મક સહિત ૧૦૦૦૦ સ્થળે ઉત્સવ ઉજવાશે: પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવો હાજરી આપશે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય જતા રાજ્ય સરકાર દ્વારા આગામી ૧૭મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે રાજ્યભરમાં નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન ઉપસ્થિત રહે તેવી પ્રબળ સંભાવના છે.

સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક ૧૩૮ મીટરની સપાટી વટાવતાં આગામી ૧૭મી સપ્ટેમ્બરે ગુજરાતમાં “જન ઉમંગ ઉત્સવ-“નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાશે. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે યોજાશે જેમાં પ્રધાનમંત્રીને વિશેષ ઉપસ્થિત રહેવા મુખ્યમંત્રી અને ગુજરાત સરકારે  નિમંત્રણ પાઠવ્યું છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે,  ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનારી બહુહેતુક નર્મદા યોજનાનો સરદાર સરોવર નર્મદા  ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી પણ વધુએ ભરાતા રાજ્યમાં આગામી ૧૭ સપ્ટેમ્બરે રાજ્ય વ્યાપી ઉત્સવ નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવાશે. ગુજરાતમાં ૧૦૦૦થી વધુ સ્થળોએ,  મહાનગરો, નગરો તેમજ જિલ્લા, તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ નમામિ દેવી નર્મદે મહોત્સવ સાધુ સંતો સામાજિક સેવા સંસ્થાઓ શ્રેષ્ઠીઓ અને નાગરિકો  પ્રજાજનોની સહભાગિતાથી ઉમંગ ઉલ્લાસભેર ઉજવાશે. નમામિ દેવી નર્મદે મહોત્સવનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે ઉજવાશે. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારે ખાસ નિમંત્રણ પાઠવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી અને લોહપુરુષ સરદાર સાહેબની સ્વપ્નસરિતા સમી આ નર્મદા યોજના ભૂતકાળમાં છ-છ દાયકા સુધી વિવાદોમાં અટવાયેલી રહી અને તેમાં અનેક અડચણો તત્કાલિન કેન્દ્રની સરકારોએ નાખી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૪માં ભાજપા સરકારના નેતૃત્વકર્તા તરીકે શાસનદાયિત્વ સંભાળતાની સાથે માત્ર ૧૭ જ દિવસમાં નર્મદા બંધની ઊંચાઇ વધારવાની મંજૂરી આપીને ગુજરાતને વર્ષો સુધી થયેલો અન્યાય દૂર કર્યો એમ તેમણે ઉમેર્યું હતું.

img 91681 vijay rupani

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પહેલાં ઊંચાઇ વધારવાની અને એ પછી ડેમના દરવાજા મૂકવાની નરેન્દ્રભાઇ મોદીએ આપેલી પરવાનગીને કારણે ગુજરાતની સર્વાંગી સમૃદ્ધિના દ્વાર ખૂલ્યાં અને નર્મદા કેનાલ નેટવર્ક, સૌની યોજના તેમજ સુજલામ-સુફલામ યોજના મારફતે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સિંચાઇ, પીવાના પાણી અને ખેતીવાડી માટે નર્મદાજળ પહોંચ્યા છે. ગુજરાતે આના પરિણામે ડબલ ડિજિટ કૃષિ વિકાસદર પણ હાંસલ કર્યો છે.

તેમણે એમ પણ જણાવ્યું છે કે, ડેમના ઇતિહાસમાં પહેલીવાર આ વર્ષે સરદાર સરોવર ડેમ તેની

૧૩૮ મીટરની પૂર્ણ સપાટી કરતાં પણ વધુ છલકાયો છે અને ગુજરાતના જન-જનમાં મા નર્મદાના આ જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો જે ઉમંગ ઉત્સાહ જાગ્યા છે તેમાં સૌ સહભાગી બનીને ગુજરાતની હરિત ક્રાંતિ સહિત સર્વગ્રાહી પ્રગતિમાં પાયારૂપ આ જળના વધામણાં નમામિ દેવી નર્મદે મહોત્સવથી કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.