કુલ 18 હજાર જેટલા ગામડાઓમાંથી 14 હજારથી વધુ ગામો નર્મદા નીર ઉપર નિર્ભર, જ્યારે 8 હજારથી વધુ ગામો સ્થાનિક સોર્સ મારફત મેળવે છે પાણી
પ્રાચીન સમયમાં નદી કિનારે જ તમામ સંસ્કૃતિ વસતી હતી. પણ હવે આધુનિક જમાનો છે જ્યાં વસતી વસે છે ત્યાં સુધી પાણી પહોંચાડી દેવામાં આવે છે. ખાસ કરીને અત્યારે રાજ્યના અડધાથી વધુ ગામડાઓ નર્મદા મૈયા ઉપર નિર્ભર છે.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, રાજ્યના 18 હજારથી વધુ ગામડાઓ પૈકી 10,000 થી વધુ ગામડાઓ નર્મદા કેનાલ નેટવર્ક દ્વારા પાણી મેળવી રહ્યાં છે અને અન્ય 4,000 ગામો સપાટી પરનું પાણી અને અન્ય સ્ત્રોતોમાંથી પાણી મેળવી રહ્યાં છે.
લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે જળાશયોમાં પૂરતું પાણી હોવાનું જણાવતા રાજ્ય સરકારના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કેટલીક જગ્યાએ નવા બોરવેલ ખોદવાની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે દરિયાકાંઠાના ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે પાણીના ટેન્કરોને સેવામાં ઉતારાયા છે.
નિવેદન મુજબ, 10,040 ગામો નર્મદા પ્રોજેક્ટ નેટવર્ક દ્વારા પાણી મેળવે છે અને 4,420 ગામો અન્ય સપાટીના સ્ત્રોતોમાંથી પાણી મેળવે છે. “બાકીના ગામોને ટ્યુબવેલ, હેન્ડપમ્પ અને અન્ય માધ્યમો દ્વારા આવરી લેવામાં આવી રહ્યા છે. જ્યાં જરૂર હોય ત્યાં નવા બોરવેલ ખોદવા માટે નિર્દેશો જારી કરવામાં આવ્યા છે, તેમ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર – કચ્છને દરરોજ 2,100 મિલિયન લિટર અપાઈ છે
સૌની યોજના હેઠળ આજે છેવાડાના વિસ્તારો સુધી પણ પાણી પહોંચી રહ્યા છે. તેમાંય હાલ ઉનાળો ચાલી રહ્યો છે. તેમ છતાં નર્મદા નીર દૂરના ગામડાઓની પણ તરસ બુઝાવી રહ્યા છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં બ્લોક વોટર સપ્લાય યોજના હેઠળ દરરોજ 2,100 મિલિયન લિટર આપવામાં આવી રહ્યું છે.
બોરવેલ રીપેર કરવા 14 જિલ્લામાં 187 ટિમો કાર્યરત
હાલ ઉનાળો ચાલી રહ્યો છે. તેવામાં દરેક ગામડાઓમાં અત્યારે બોરવેલનો ઉપયોગ મોટાપાયે થઈ રહ્યો છે. ઉનાળામાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા લોકોને સરળતા રહે તે માટે સરકાર દ્વારા બોરવેલ રિપેર કરવા માટે 14 જિલ્લામાં 187 ટીમો મૂકવામાં આવી છે. આ ટિમો જે બોરવેલને મરામતની જરૂર છે ત્યાં પોતાની કામગીરી હાથ ધરે છે.
અંદાજે 9 જિલ્લામાં ટેન્કરો દ્વારા પણ પાણી વિતરણ
દેવભૂમિ દ્વારકા, કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લાના અમુક ભાગોમાં ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે, જ્યાં વીજ નિષ્ફળતા, પાઇપલાઇનમાં લીકેજ, કનેક્ટિવિટીનો અભાવ જેવા કારણોસર પાણી ઉપલબ્ધ નથી. ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી કરવા પણ આદેશો આપ્યા છે.