સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા.૧૮ થી ૨૦ ફેબ્રુઆરીના રોજ નેક કમીટીનું ઈન્ફેકશન આવી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાની તમામ બાબતો નેક સમક્ષ સારી લગાડવા પુરતી મહેનત કરી રહી છે. જે કામ પાંચ વર્ષમાં નહોતુ કરવામાં આવ્યું તે છેલ્લા એક સપ્તાહમાં કરવામાં આવી રહ્યું છે. નામ બડે ઔર દર્શન છોટેનું સુત્ર અહીં સાર્થક થાય છે કેમ કે, અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કબડ્ડી માટેનું કોઈ સ્પેશિયલ ગ્રાઉન્ડ હતું નહીં પરંતુ નેકની ટીમ આવી રહી છે. ત્યારે તાત્કાલીક ઈન્ડોર સ્ટેડિયમની બાજુમાં કબડ્ડી ગ્રાઉન્ડનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. જો કે, હજુ આ કબડ્ડી ગ્રાઉન્ડમાં ખેલાડીઓ રમી શકે તેવી કોઈ સુવિધા કરવામાં આવી નથી પણ આ ગ્રાઉન્ડમાં શ્ર્વાનો ચોક્કસથી આરામ કરી શકે તેવી વ્યવસ્થા છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ૨ થી ૩ વર્ષમાં વિવિધ ગ્રાઉન્ડો વિકસાવવામાં આવ્યા છે. જો કે, આ ગ્રાઉન્ડનો હજુ સુધી પુરતો ઉપયોગ પણ થતો નથી. તેમાં પણ ખાસ કરીને કબડ્ડી અને આર્ચરી માટેનું કોઈ ખાસ ગ્રાઉન્ડ હતું નહીં પરંતુ નેકની ટીમ જ્યારે પાંચ વર્ષ બાદ યુનિવર્સિટીમાં ઈન્સ્પેકશન માટે આવી ગઈ ત્યારે સાફ સુથરી યુનિવર્સિટી અને તમામ વસ્તુઓથી સજ્જ બતાવવા આવા ખોટા મોટા બેનરો લગાવી દેવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં તો આ ગ્રાઉન્ડનો ઉપયોગ જ થતો નથી.
અત્યાર સુધી યુનિવર્સિટીમાં કબડ્ડીના ગ્રાઉન્ડ માટે કોઈ સ્પેશિયલ જગ્યા ફાળવવામાં આવી ન હતી. ત્યારે ઈન્ડોર સ્ટેડિયમની બાજુમાં પડેલ ખાલી જગ્યામાં કબડ્ડી ગ્રાઉન્ડનું નામ દર્શાવી દેવામાં આવ્યું છે. જો કે, અહીં ખેલાડીઓ કબડ્ડી રમી શકે તેવી કોઈ સ્થિતિ છે જ નહીં. ઉપરાંત ગ્રાઉન્ડો તો ઠીક પરંતુ યુનિવર્સિટીના મેઈન ગેઈટમાં છેલ્લા પાંચ વર્ષથી ખંઢેર હાલતમાં સિક્યુરીટી રૂમ પડ્યો હતો. જો કે તેને પણ નવા વાઘા પહેરાવામાં આવ્યા છે અને સાજ સણગાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે અહીં સવાલ એ ઉભો થાય કે, યુનિવર્સિટી નેક કમીટી ગયા બાદ પણ શું આવી જ રીતે તમામ બાબતોનું મેન્ટેન્સ કરશે કે કેમ ?
કચરા પેટી લેવા માટે હજ્જારોનો ધુમાડો
યુનિવર્સિટીમાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીએશન કાઉન્સીલની ટીમ ઈન્સ્પેકશન માટે આવી રહી છે ત્યારે વ્યર્થ ખરીદી પાછળ યુનિવર્સિટી વિકાસ ફંડમાંથી લાખોનો ધુમાડો કરી નાખ્યો છે. માત્ર કચરા પેટીની ખરીદી માટે જ હજ્જારો રૂપિયા યુનિવર્સિટીએ વેડફી નાખ્યા છે. આવી નાની અને વ્યર્થ વસ્તુઓ માટે યુનિવર્સિટી મોટા-મોટા ખર્ચાઓ કરે છે. ખરેખર જે બાબત વિકસાવવી જોઈએ અને જેના માટે રૂપિયા ખર્ચ કરવા જોઈએ તેના પર ધ્યાન દેવાને બદલે યુનિવર્સિટી માત્રને માત્ર દેખાવા માટે આવા વ્યર્થ ખર્ચાઓ કરી રહી છે તે કોના ભોગે.