ઉત્તર ભારતના રાજયમાં હિમવર્ષા: આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે
જમ્મુ-કાશ્મીર સહીત ઉત્તર ભારતના રાજયોમાં હિમ વર્ષાના કારણે આજે રાજયભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. કચ્છનું નલીયા આજે ૧૩ ડીગ્રી સેલ્સીયસ સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહેવા પામ્યું હતું.દિવાળીના ર૩ દિવસ બાદ પણ શિયાળાની જમાવટ ન થતા લોકો ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન ઉત્તર ભારતના રાજયોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજયના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૧૬ ડીગ્રી સેલ્સીયસથી નીચે પહોંચી ગયો હતો કચ્છના નલીયાનું લધુત્તમ તાપમાન આજે ૧૩ ડીગ્રી નોંધાયું હતું. નલીયા આજે રાજયનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું છે.
નલીયામાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા અને પવનની ગતિ શાંતિ રહેવા પામી હતી. રાજકોટનું લધુત્તમ તાપમાન ૧૭ ડીગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. જે ચાલુ સાલ શિયાળાની સીઝનનું સૌથી ઓછું તાપમાન છે. ભેજનું પ્રમાણ ૫૬ ટકા અને પવનની ગતિ ૮ કી.મી પ્રતિ કલાક રહેવા પામી હતી. ઉત્તર ભારતના રાજયોમાં હિમવર્ષાના કારણે આગામી દિવસોમાં રાજયભરમાં ઠંડીનું જોર વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.