સૌરાષ્ઠમાં કાતીલ ઠાર

રાજકોટમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ૪.૫ ડિગ્રી સુધી નીચો પટકાયો: ગીરનાર પર તાપમાન ૪.૮ ડિગ્રી

ઉતર ભારતમાં જોરદાર બરફવર્ષાના કારણે રાજયમાં ત્રણ દિવસ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળે તેવી આગાહી: ઉતર ગુજરાત અને કચ્છમાં માવઠાની પણ સંભાવના

રાજસ્થાનમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. સાથો સાથ છેલ્લા બે દિવસથી ઉતર ભારતમાં જોરદાર બરફવર્ષા થઈ રહી છે જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. કચ્છનું નલીયા આજે ૭.૪ ડિગ્રી સેલ્શીયસ સાથે ઠંડીમાં થર થર ધ્રુજી ઉઠયું હતું તો રાજકોટનું લઘુતમ તાપમાન એક જ દિવસ ૪.૫ ડિગ્રી સુધી નીચુ પટકાતા શહેરીજનો ધ્રુજી રહ્યા છે. ગીરનાર પર્વત પર લઘુતમ તાપમાન ૪.૮ ડિગ્રી સુધી નીચું રહેવું પામ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી રાજયભરમાં કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. ઉતર ગુજરાત અને કચ્છમાં માવઠાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

રાજયમાં બે દિવસમાં ઠંડીમાં રાહત રહ્યા બાદ ગઈકાલથી ફરી ઠંડીનું જોર વઘ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ, રાજસ્થાનમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન, ઉતર ભારતના રાજયોમાં જોરદાર બરફવર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર વિસ્તારમાં બરફીલા પવનો ફુંકાઈ રહ્યા છે સાથો સાથ લઘુતમ તાપમાનનો પારો પણ સતત નીચો જઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે ઠંડા પવનો જમીન સુધી સરકતા ઠંડીનું જોર વઘ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી હજી કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે.

રવિવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાય તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. રાજયભરમાં લઘુતમ તાપમાનનો પારો હજી ૧ થી ૨ ડિગ્રી સુધી નીચો પટકાશે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. એક જ દિવસમાં તાપમાનનો પારો ૧૪.૫ ડિગ્રી સુધી નીચો પટકાતા લોકો ઠંડીમાં રીતસર થર થર ધ્રુજી ઉઠયા હતા. ગઈકાલનું તાપમાન ૧૪.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૨ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. બરફીલા પવનના કારણે લોકોએ ઠંડી સામે રક્ષણ મેળવવા દિવસભર ગરમ કપડામાં વિંટોળાયેલું રહેવું પડે છે. કચ્છનું નલીયા આજે રાજયનું સૌથી ઠંડુ શહેર રહેવા પામ્યું હતું. નલીયાનું લઘુતમ તાપમાન આજે ૭.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

અહીં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાપમાનનો પારો ૬.૫ ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા રહેવા પામ્યું હતું. જોકે પવનની ઝડપ શાંત હોવાના કારણે લોકોને ઠંડીમાં થોડી રાહત મળી હતી. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પણ આજે થર થર ધ્રુંજી રહ્યું છે. સુરેન્દ્રનગરનું લઘુતમ તાપમાન ૧૦.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જુનાગઢમાં આજે લઘુતમ તાપમાન ૯.૮ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું છે. મહતમ તાપમાન માત્ર ૧૧ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની સરેરાશ ઝડપ પ્રતિ કલાક ૬.૭ ડિગ્રી રહેવા પામી હતી.

અપરએર સાયકલોનીક સરકયુલેશન અને વેસ્ટન ડિસ્ટબન્સની અસરતળે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉતર ભારત અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાંટા કે માવઠાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. ગઈકાલે બપોર બાદ દ્વારકામાં જોરદાર પવન ફુંકાયો હતો. એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે સવારથી રાજયના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચો પટકાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.