વડોદરા, નર્મદા, ડાંગ, પંચમહાલ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડુતોમાં ચિંતા
હવામાન વિભાગનાં પૂર્વાનુમાન પ્રમાણે આ વખતે શિયાળામાં સામાન્ય તાપમાન કરતા એક ડિગ્રી વધુ તાપમાન રહેશે. સામાન્ય રીતે શિયાળો શરૂ થતાની સાથે જ ઉતરનાં પવનો આવતા હોય છે પરંતુ આ વખતે શિયાળાનો અનુભવ ઓછો થયો છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું છે જેના કારણે ગુજરાતનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે જેને લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી ગયો છે અને થોડા દિવસ કમોસમી વરસાદની પણ આગાહી છે. ગઈકાલ સાંજથી રાજયનાં વાતાવરણમાં પલટો આવતા વડોદરા, નર્મદા, ડાંગ, પંચમહાલ સહિતનાં વિસ્તારોમાં શિયાળામાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડુતોની ચિંતા વધી છે જોકે સૌરાષ્ટ્રમાં ઠંડીનો પારો ગગડયો છે અને રાજયભરમાં નલીયા ૮ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. રાજયમાં પણ પારો એક ડિગ્રી ગગડીને ૧૫ ડિગ્રી સેલ્સીયસ નોંધાયો છે.
આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૯.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા સાથે ૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જુનાગઢની વાત કરીએ તો જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સૌથી ઠંડુ શહેર નલીયામાં ૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. આ સાથે પંચમહાલ જિલ્લાનાં ગોધરામાં ૭ મીમી, કાલોલમાં ૧૨ મીમી, હાલોરમાં ૯ મીમી, સહેરામાં ૧ મીમી, વરસાદ નોંધાયો છે અને હજુ આગામી ૪થી ડિસેમ્બર સુધી આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથમાં પણ કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સવારે વડોદરા, પંચમહાલ અને ડાંગ સહિતનાં વિસ્તારોમાં શિયાળામાં કમોસમી વરસાદ શરૂ થયો છે.
રાજયભરનાં શહેરોમાં લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં ૧૯.૨ ડિગ્રી, ડિસામાં ૧૭ ડિગ્રી, વડોદરામાં ૨૦.૪ ડિગ્રી, સુરતમાં ૨૧.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૫ ડિગ્રી, ભાવનગરમાં ૧૯.૫ ડિગ્રી, પોરબંદરમાં ૨૦.૮ ડિગ્રી, વેરાવળમાં ૨૧.૧ ડિગ્રી, દ્વારકામાં ૧૮.૮ ડિગ્રી, ઓખામાં ૨૧.૮ ડિગ્રી, ભુજમાં ૧૪ ડિગ્રી, નલીયામાં ૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૬.૮ ડિગ્રી, કંડલામાં ૧૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૭.૮ ડિગ્રી, મહુવામાં ૧૮.૬ ડિગ્રી, વલસાડમાં ૨૧.૧ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૧૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાના કારણે પવનની ગતી તેજ થઇ છે તેવામાં હવામાન વિભાગની ચેતવણી છે કે માછીમારોએ દરિયો ન ખેડવો અને આજ સવારથી વડોદરા, પંચમહાલ, ડાંગ, નર્મદા સહિતના અનેક વિસ્તારોમાં શિયાળામાં કમોસમી વરસાદની શરૂઆત થઇ છે. દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે શિયાળુ પાકની ખેતી કરવા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.