ગુજરાતમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં સીઝનનું સૌથી નીચું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ નલિયામાં આઠથી દસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં સવારથી ટાઢોડું અનુભવાયું હતું. હવામાન વિભાગના ચોપડે નોંધાયા મુજબ ન્યૂનતમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્શિયસ જ્યારે મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. હવાની સરેરાશ ગતિ વહેલી સવારે 4, બપોરે 12 અને સાંજે 8 કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહી હતી.રાજ્યના 10 શહેરમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો.
અરબ સાગરનો ભેજ ગુજરાત સુધી પહોંચતા સાતથી દસ જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ભૂજમાં 11.7 ડિગ્રી, અમરેલી,રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને 12.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો પોરબંદરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.સતત છઠ્ઠા દિવસે અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 15.9 ડિગ્રી વધુ નોંધાયો હતો. આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. અરબ સાગરનો ભેજ ગુજરાત સુધી પહોંચતા સાતથી દસ જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ માવઠું પડે તેવી સંભાવના છે. આખા ગુજરાતમાં આ ડિસેમ્બરમાં તાપમાન સામાન્ય કરતા વધારે જ રહ્યું છે. જેનું કારણ એ છે કે, અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી ભેજ આવ્યો છે જેથી તાપમાનમાં ઘટાડો થયો નથી.આ સાથે સવારે અનેક જગ્યાઓ પર ધુમ્મ્સ રહેવાનું પણ કારણ દર્શાવતા તેમણે જણાવ્યું છે કે, હાલ ભેજ નીચેના લેવલ પર રહે છે. જેથી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ થઇ જાય છે.
આગામી પાંચ દિવસમાં તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. આજે નલિયાનું તાપમાન 8.4 ડિગ્રી સુધી પહોંચી જતા નલિયાવાસીઓ ઠુંઠવાયા હતા. જ્યારે રાજ્યના અન્ય શહેરના તાપમાન 28 ડિગ્રીની આસપાસ નોંધાતા બપોરના સમયે સામાન્ય ગરમી વર્તાઇ હતી.