પૂ. સંત સેવાદાસ બાપાની 40મી પુણ્ય તિથિ નિમિતે ભવ્યાતીભવ્ય સદગુરૂ વંદના
251 દિકરીઓના સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ, વિષ્ણુયાગ, શતચંડી યજ્ઞ, બારપોરા પાટોત્સવ અને સવરા મંડપ મહોત્સવ યોજાશે
6 લાખથી વધુ લોકો ત્રિ-દિવસીય મહોત્સવમાં સામેલ થશે: પૂ. સંત કરશનદાસ બાપુના સાનિઘ્યમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે: વિગતો આપવા પૂ. રાજેન્દ્રદાસબાપુની ‘અબતક’ના આંગણે પાવન પધારામણી
પૂ. સંત સેવાદાસ બાપાની 40મી પુણ્યતિથિ નિમિતે નકલંક ધામ – તોરણીયામાં 4 એપ્રિલથી ત્રણ દિવસ સેવા અને ભકિતની ધુણી ધખાવવામાં આવશે. જે અંગેની વિસ્તૃત વિગતો આપવા માટે પૂ. રાજેન્દ્રદાસબાપુ ગુરુ કરશનદાસ બાપુએ ‘અબતક’ ના આંગણે પાવન પધરામણી કરી હતી. આ વેળાએ તેઓની સાથે શૈલેષભાઇ ડાંગર, નીરવભાઇ બારોટ, પ્રદિપસિંહ જાડેજા સહિતના સેવક ગણ પણ પધાર્યા હતા.
પૂ. સંત સેવાદાસબાપાની 40મી પુણ્યતિથિ પ્રસંગે ધોરાજી તાલુકાના પ્રસિઘ્ધ એવા નકલંક ધામ – તોરણીયા ખાતે તા. 5, 6, અને 7 ના રોજ ભવ્ય સદગુરુ વંદના મહોત્સવ યોજાનાર છે. જેમાં પૂ. સંત કરશનદાસ બાપુની અઘ્યક્ષતામાં સંત પૂ. રાજેન્દ્રદાસબાપુ દ્વારા ત્રિ-દિવસીય વિષ્ણુયાગ, શત ચંડ યજ્ઞ, 251 દિકરીઓના સમુહલગ્ન, બારોપરા પાટોત્સવ અને સવરા મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ ત્રિ-દિવસીય મહોત્સવમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આખા મહોત્સવમાં અંદાજે 6 થી 7 લાખ ભાવિકો ઉમટી પડશે.
માનવ સેવાનો સૌથી મોટો અખાડો એટલે તોરણીયા ધામ
પૂ. ધર્મભકિત સ્વામીએ જણાવ્યું કે, માનવ સેવાનો સૌથી મોટો અખાડો એટલે તોરણીયા ધામ તેમાંય પૂ. રાજેન્દ્રબાપુનો રોટલો અને ઓટલો બન્ને મોટા છે. ગમે ત્યારે આ સ્થળે આવો તમને ભોજન પણ મળે અને આશરો પણ મળે. જયારે લોકડાઉન વખતે હરીદ્રારમાં લોકો ફસાયા હતા. ત્યારે આપણા દરેક ગુજરાતીઓ ને હરીદ્રાર ખાતેના આશ્રમમાં પૂ. રાજેન્દ્રબાપુએ તમામ વ્યવસ્થા કરી આપી હતી.
સાંજે ધર્મસભા, દેશભરના સંતો-મહંતોની થશે પધરામણી
મહોત્સવમાં દરરોજ સાંજે ધર્મસભા યોજવામાં આવશે.જેમાં દેશભરનાં સંતો મહંતોની પધરામણી થશે પ્રથમ દિવસે કરશનદાસબાપુ, જગદગુરૂ શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજ, વિજયબાપુ, હરિહરાનંદ ભારતીબાપુ, દ્વારકેશલાલજી મહોદય, જીજ્ઞેશદાદા, ઈન્દ્રભારતી બાપુ, રાજેન્દ્રદાસજી મહારાજ, બીજા દિવસે મુકતાનંદબાપુ, મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા, દેવીપ્રસાદ બાપુ, વલકુબાપુ, કણીરામબાપુ, દુર્ગાદાસ બાપુ, હરી ભગત સહિતનાની પાવન પધરામણી થશે.
પ્રથમ દિવસે રાત્રે 9 વાગ્યાથી રામદેવપીરનો બાર પહોરા પાટોત્સવ
મહોત્સવના પ્રથમ દિવસે તા.5ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે રામદેવપીરબાપુનો બાર પહોરા પાટોત્સવ શરૂ થશે. જેની પૂર્ણાહુતી તા.7ને શુક્રવારે સવારે 5 કલાકે થશે.
ત્રણેય દિવસ બપોરે અને સાંજે ભોજન પ્રસાદ
ત્રિદિવસીય મહોત્સવમાં ભોજન અને ભજનનો સમન્વય સર્જાશે દરરોજ બપોરે 11 કલાકે અને સાંજે 7.30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં અંદાજે 6 થી 7 લાખ લોકો ભોજન પ્રસાદ લેશે.
કોરોના કાળના મૃતકોની સદગતી અર્થે શત ચંડી યજ્ઞ અને વિષ્ણુયાગ
કોરોના કાળમાં અનેક લોકોના જીવ ગયા હતા. તેઓની આત્માની સદગતિ માટે મહોત્સવમાં શતચંડી યજ્ઞ અને વિષ્ણુયાગ યોજાશે. જેમાં પ્રથમ દિવસે તા.પ એ સવારે 9 કલાકે શતચંડી યજ્ઞ શરુ થશે. આ સાથે બાર પહોરા પાટોત્સવ સ્થાપના અને જયોત પ્રાગટય કરાશે બાદમાં બીજા દિવસે તા.6 એ સવારે 9 કલાકે વિષ્ણુયાગ પ્રારંભ થશે ત્રીજા દિવસે તા.7 ના રોજ સવારે 9 વાગ્યે વિષ્ણુયાગ પ્રારંભ થશે. બપોરે 12.39 કલાકે યજ્ઞની પુર્ણાહુતિ થશે.
ત્રણેય દિવસ સંતવાણી, નામી કલાકારો બોલાવશે ભજનની રમઝટ
ત્રિ-દિવસીય મહોત્સવમાં ત્રણેય દિવસ રાત્રે 9.30 કલાકે સંતવાણી યોજાશે જેમાં પ્રથમ દિવસે તા.5 એપ્રીલે લક્ષમણ બારોટ, રાજભા ગઢવી, નીરંજન પંડયા, બીરજુ બારોટ, પુનશી ગઢવી,રામદાસજી ગોંડલીયા, પરસોતમ પરીબાપુ, ગોપાલ સાધુ, રશ્મીતાબેન રબારી જયારે બીજા દિવસે તા.6એ ભીખુદાન ગઢવી, દેવાયત ખવડ, જીજ્ઞેશ બારોટ, નીલેશ ગઢવી, રામદાસજી ગોંડલીયા, બીરજુ બારોટ, ગોપાલ સાધુ અને વિજય ગઢવી જયારે ત્રીજા દિવસે તા.7એ માયાભાઈ આહિર, કિર્તીદાન ગઢવી, દેવરાજ ગઢવી, શૈલેષમહારાજ, પરષોતમ પરી બાપુ, રામદાસજી ગોંડલીયા, બીરજુ બારોટ અને સાગરદાન ગઢવી ભજનની રમઝટ બોલાવશે.
તોરણીયા 30 વર્ષ સુધી પૂ. સેવાદાસ બાપુનું પ્રસાદી સ્થાન રહ્યું, એટલે આજે ભજન – ભોજનના સમન્વયથી ધમધમે છે
પૂ. રાજેન્દ્રદાસબાપુએ જણાવ્યું કે, તોરણીયા 30 વર્ષ સુધી પૂ. સેવાદાસ બાપુનુ પ્રસાદી સ્થાન રહ્યું હતું. એટલે આજે ભજન – ભોજનના સમન્વયથી ધમધમે છે. અહી જ રણજીતસિંહ જાડેજાને ત્યાં હું સાત ધોરણ ભણ્યો ત્યાં સુધી રહેતો હતો. આજે તોરણીયા ધામ સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલ છે. અહિંથી સેવા અને ધર્મ આ બન્નેની સુવાસ પ્રસરાવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓ અને ગૃહમંત્રી સહિતના મહાનુભાવો મહોત્સવમાં થશે સહભાગી
મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય કૃષીમંત્રી પરસોતમભાઈ રૂપાલા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત મુળુભાઈ બેરા, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, પુનમબેન માડમ, રામભાઈમોકરીયા, મોહનભાઈ કુંડારીયા સહિતના અનેક સાંસદો અને ધારાસભ્યો સહભાગી બનશે.