છુટાછેડા નહી આપો તો આખા પરિવારને સળગાવી નાખવાની ધમકી દીધાની સાત મહિલા સહિત 11 સામે નોંધાતો ગુનો
પશ્ર્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના વીજપાસરા ગામના યુવક-યુવતીએ કરેલા પ્રેમ લગ્નના કારણે રોષે ભરાયેલા યુવતીના પરિવારની સાત મહિલા સહિત 11 શખ્સોએ યુવકના ઘરે આવી યુવકની વૃધ્ધ માતા પર પેટ્રોલ અને કેરોસીન છાંટી દિવસાળી ચાંપી જીવતા સળગાવી ભાગી ગયાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. પોલીસે યુવતીના પરિવારના સભ્યો સામે કાવતરુ રચી હત્યાની કોશિષ કર્યાની અને મોબાઇલની લૂંટ ચલાવ્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નખત્રાણા ગામના હેમંત પરબતભાઇ માણેક નામના યુવાને પાડોશમાં રહેતા બાબુલાલ શેખાની પુત્રી રિધ્ધી સામે પ્રેમ લગ્ન કર્યા હતા અને યુવતીના પરિવાર દ્વારા પોતાના પર હુમલો થશે તેવી દહેશત સાથે હેમત અને તેની પત્ની રિધ્ધી નખત્રાણા પોલીસ મથકે જાણ કરવા ગયા હતા. તે દરમિયાન વીજપાસાર ગામના રતનબેન કાનજીભાઇ શેખા, નાના કડીયા ગામના નર્મદાબેન આશિષભાઇ ઉફેર્ઈ બાબુલાલ શેખા, હાર્દિક આશિષ શેખા, જાનવી આશિષ શેખા, જાગૃતિ આશિષ શેખા, જયશ્રીબેન કાનજી શેખા, હેતલબેન રુપાણી, કરણ રુપાણી, મંગેશ રુપાણી અને પંકજ રુપાણી નામના શખ્સોએ અગાઉથી કાવતરુ રચી ેએક સંપ કરી ઇક્કો કારમાં હેમત માધડના ઘરે આવી બઘડાટી બોલાવી હતી.
આ સમયે હેંમતના ભાભી અંજનાબેન સચિનભાઇ માધડ, હેમતના દાદા મેઘજીભાઇ, દાદી લક્ષ્મીબેન, માતા રાધાબેન અને નાની બાળકી વૈદિક ઘરે હાજર હતા તેઓને ધમકાવી રાધાબેન માધડને માર મારી તેના પર પેટ્રોલ અને કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા રાધાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. રિધ્ધીના પરિવારજનોએ છુટાછેડા નહી આપો તો આખા પરિવારને જીવતા સળગાવી મારી નાખશુ તેવી ધમકી દઇ રુા. 500ની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવી ભાગી ગયાની અંજનાબેન સચિનભાઇ માધડે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગંભીર રીતે દાઝેલા રાધાબેન માધડને સારવાર માટે ભૂજની ખાનગી હોસિપ્ટિલમાં દાખલ કરાયા છે. પોલીસે સાત મહિલા સહિત 11 સામે કાવતરુ રચી હત્યાની કોશિષ કર્યાનો અને લૂંટનો ગુનો નોંધી પી.આઇ.આર.જે.ઠુમ્મર સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.