- સામસામે હથિયારો વડે બઘડાટી: બંને પક્ષોની ફરિયાદ પરથી 13 શખ્સો સામે નોંધાતો ગુનો
- ભેંસો ચરાવવા અને જમીન દબાણની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવા મામલે ધીંગાણું
નખત્રાણા તાલુકાના ગેચડા ગામની સીમમાં જમીન મુદ્ે બે પક્ષો વચ્ચે સશસ્ત્ર અથડામણ થયું હતું. જેમાં સામસામે હથિયારો વડે થયેલા હુમલામાં કુલ 8 લોકો ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ભેંસો ચરાવવા અને જમીન દબાણની તસવીરો સોશિયલ મીડીયામાં વાઇરલ કરવા અંગે બંને પક્ષો વચ્ચે ધીંગાણુ ખેલાયું હતું. પોલીસે સામસામે ફરિયાદ નોંધી 13 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નમરા જખરા જત (ઉ.વ.36)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તલ ગામના ફારૂક જાનમ જત, આશિફ અશરફ જત, અબ્દુલ કરીમ બાબીયા, નૂર મામદ હાજી અગન જત, અલ્હાબક્ષ નૂરમામદ જત, અબ્દુલ કલામ નૂરમામદ જત, ઇબ્રાહીમ હાજી જત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ભેંસો ચારવામાં તકલીફ પડતી હોવાનું જણાવી ખેતર ખાલી કરી દેવાનું કહેતા માથાકૂટ કરી હતી. ક્ષણભરમાં જ માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આરોપીઓ હથિયાર વડે ફરિયાદી નમરા જત તેમજ તેના ભાઇ મજીદ રમઝાન જત, હાસમ ઘોઘા જત, ફરિયાદીના શાળા આયાત સમા સહિતનાઓ ઘવાતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તો સામા પક્ષે નૂર મામદ હાજી અગન જતએ શમા નવાઝ જત, નમરા જખરા જત, મજીદ રમઝાન જત, અબ્બાસ ઇશાક સહિતના સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપીઓએ જમીન બાબતે અગાઉ વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ કરતા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં અલ્લાબક્ષ નૂરમામદ જત, ઇબ્રાહીમ હાજી સુમારખાન જત અને અબ્દુલ કલામ નૂરમામદ જતને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.