નૈઋત્યનું ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમબંગાળમાં સારા વરસાદની આગાહી જ્યારે ઓડિશાના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી જાહેર કરાઈ હતી. મહારાષ્ટ્રમાં વીજળી પડતાં ચારનાં મોત થયા હતા. પાટનગર દિલ્હીમાં હવામાન ખુબજ સારુ હતું. મહત્તમ તાપમાન ૩૭.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૩ ડિગ્રી નીચું ૨૫.૫ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના વડા કે જે રમેશે જણાવ્યું હતું કે ચોમાસુ સક્રિય થઇને મુંબઈ, મહાબળેશ્વર અને કોંકણના કેટલાક વિસ્તારોમાં પહોંચ્યું હતું. બંગાળના અખાત પર લો પ્રેશર સર્જાયું છે જેને કારણે પશ્ચિમ બંગાળમાં આગામી સપ્તાહમાં ભારે વરસાદ થશે. આ દબાણને કારણે ઓડિશામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વ્યાપક વરસાદ થશે.
પંજાબ અને હરિયાણામાં તાપમાનનો પારો સામાન્ય કરતાં ખુબજ નીચો રહ્યો હતો. ચંડિગઢમાં મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી નોંધાયું હતું. શ્રીગંગાનગરમાં બે સેન્ટીમીટર વરસાદ થયો હતો. બિકાનેર, પદમપુર, સાંગરિયા અને થીલીબંગા સહિતના કેટલાક વિસ્તારોમાં લગભગ એક સેન્ટીમીટર વરસાદ થયો હતો.