૩ ટેસ્ટની સિરીઝમાં ભારતે ૧-૦ની લીડ મેળવી
બેવડી સદી ફટકારનાર કોહલી બન્યો ‘મેન ઓફ ધ મેચ’
ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે પણ ભારતે શ્રીલંકા પર પોતાની બલ્લેબાજીથી વર્ચસ્વ જાળવું રાખ્યું હતું. જેમાં વિરાટ કોહલીએ ૨૦૧૭માં પોતાની શાનદાર બેટિંગનું ફોર્મ જાળવી રાખતા પાંચમી બેવડી સદી લગાવી હતી. એટલું જ પૂરતું ન હતું ત્યારે શ્રીલંકાના ખેલાડીઓના જુસ્સાને તોડવા ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફરતા રોહિત શર્માએ પણ તેની ૩જી ટેસ્ટ સદી ફટકારી હતી.
ભારતની ઝડપથી રન બનાવાની નીતિ બીજા દિવસથી જ શરૂ થઇ ગઇ હતી. જેમાં કોહલીએ ચેતેશ્ર્વર પૂજારા અને ત્યારબાદ રોહિત શર્મા સાથે શતકીય ભાગીદારી નોંધાવી હતી. ત્રીજા દિવસે છેલ્લા સેશનમાં કોહલી અને રોહિતે રનગતિ વધારતા માત્ર ૨૦ ઓવરમાં જ ૧૦૩ રની ખડકી નાખ્યા હતા, અને રોહિતની સદીની સાથે જ ભારતે ૬૧૦ રન પર ૬ વિકેટે દાવ ડિક્લેર કર્યો હતો. શ્રીલંકાને ઇનિંગ્સથી હાર ટાળવા ૪૦૫ રન કરવા જરુરી છે.
શ્રીલંકાની મુસીબતો વધતી જ જતી હોય તે પ્રમાણે બીજી ઇનિંગ્સમાં સદિરા સમરાવિક્રરામાએ ઇશાંતના બીજા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી. તથા ત્રીજા દિવસના અંતે શ્રીલંકાએ ૨૧ રન બનાવી ૧ વિકેટ ગુમાવી હતી.
ચોથા દિવસની શરુઆતથી જ ભારતીય બોલરો શ્રીલંકાના બલ્લેબાજો પર હાવી રહ્યા હતા. તથા પ્રથમ સેશન પૂર્ણ થયો ત્યાં સુધીમાં શ્રીલંકા ૧૪૫ રનમાં ૮ વિકેટ ગુમાવી ચુક્યું હતું. હવે ભારતને આ મેચ પોતાના નામ કરવા માત્ર બે જ વિકેટ જરૂરી હતી. જે પણ બીજા સેશનની રમતમાં ભારતીય બોલરોએ ઝડપી પાડતા, ભારતે શ્રીલંકાને ઇંનિગ્સ અને ૨૩૯ રનથી હરાવ્યું હતું.
ભારતીય બોલિંગથી વાત કરીએ તો અશ્ર્વિને ૪ વિકેટ તથા જાડેજાએ ૨ વિકેટ મેળવી હતી. તથા ઇશાંત શર્મા અને ઉમેશ યાદવે પણ ૨-૨ વિકેટ મેળવી હતી. અશ્ર્ચિને શ્રીલંકાની ૧૦મી વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ કરિયરમાં સૌથી ઝડપી ૩૦૦ વિકેટ મેળવવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. અશ્ર્ચિને માત્ર ૫૪ ટેસ્ટ મેચમાં જ આ સિદ્વિ હાંસિલ કરી છે.
શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં વિજય મેળવ્યા બાદ યજમાન ભારતે આ ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. તથા બેવડી સદી ફટકારનાર વિરાટ કોહલી ‘મેન ઓફ ધી મેચ’ બન્યો હતો.