- દ્વાદશ જ્યતિર્લિંગમાં નાગેશ્વરમાં ભક્તો ઉમટ્યા
- મહાશિવરાત્રીના પાવન પર્વે હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું
- બીલીપત્ર તેમજ દૂધ-જલનો અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી
ભારતના બાર જ્યોતિર્લીંગમાંનું એક દ્વારકા તાલુકાના નાગેશ્વરમાં આવેલું છે. અહી રોજના હજારો યાત્રિકો દર્શન કરવા આવે છે. અહી ગુજરાત અને ભારતભરમાંથી લોકો પોતાની મનોકામના અને આશાઓ લઇ ને અહી આવે છે. ત્યારે મહાશિવરાત્રી પર્વને લઈ શિવભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. બીલીપત્ર તેમજ દૂધનો જલાભિષેક કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. દ્વારકા થી સોળ કિમી દુર આવેલું નાગેશ્વર મહાદેવની આરતીનું પણ વિશેષ મહત્વ છે.
અજર અમર એવા ભગવાન શિવજીની આરાધના અને મહિમાના પર્વ શિવરાત્રી ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ આવેલા છે જેમાં સોમનાથ અને બીજું દ્વારકામાં આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ. દ્વારકાની ધરતી પર નાગેશ્વર અને નાગેશ્વરી તરીકે શિવજી અને પાર્વતીજી બિરાજે છે. જેની માન્યતા અનુસાર તેમના દર્શન કરવાથી જાણીએ અજાણ્ય થયેલા પાપો દૂર થઈ શકે છે. શિવરાત્રી નિમિત્તે આ શિવ મંદિરમાં વિશેષ આરતી ઉપરાંત શણગાર દર્શન યોજાશે.
હાલારની ધરતી પર અનેક ધાર્મિક સ્થાનો આવેલ છે. જેમાંથી દ્વારકા ધામથી લગભગ 16 કિમી દૂર આવેલ નાગેશ્વર મંદિર પણ એક છે. માન્યતા એવી છે કે ભગવાન મહાદેવના આ મંદિરોને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર ભગવાન શિવજીએ સ્વયં તેમના ભક્તોની ભક્તિ પૂજાથી પ્રસન્ન થઈને આ સ્થાનો પર જન્મ્યા હતા. વર્ષો જૂના આ મંદિરમાં ભક્તો દર્શન અર્થે આવતા હોય છે. એવું કહેવાય છે કે અહી દર્શન માત્રથી ભક્તો પાપોમાંથી મુક્ત બને છે.
ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રુદ્રાક્ષ સ્વરૂપમાં બિરાજમાન ભગવાન નાગેશ્વર મંદિરના દર્શન સમયની વાત કરવામાં આવે તો સવારે 5 વાગ્યે મહાદેવની આરતી કરવામાં આવે છે. ત્યારબાદ 6 વાગ્યે મંદિર ભક્તો માટે દર્શન આંગે ખુલ્લું મૂકવામાં આવે છે. જે બપોરે 12-30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે જ્યોતિર્લિંગનો શ્રૃંગાર થાય છે અને સાંજે 5 વાગ્યાથી રાતે 9-30 વાગ્યા સુધી મંદિર શ્રૃંગાર દર્શન માટે ખૂલે છે. સાથે જ સાંજે 7 વાગ્યે આરતી કરવામાં આવે છે.ચાંદીના આવરણ અને ચાંદીના નાગની આકૃતિ સાથેના નાગેશ્વર શિવલિંગ પાછળ પાર્વતીની પા મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મંદિર બહાર 125 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા છે. જે ભક્તોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. અને ગુલશનકુમાર ટ્રસ્ટે આ ભગવાન શિવની મૂર્તિ બનાવી હતી. આ મનમોહક મૂર્તિના નાગેશ્વર પહોંચતા પહેલા જ દર્શન થઈ જાય છે. 125 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી પ્રતિમા પદ્માસન મુદ્રામાં શિવજી બિરાજે છે. એટલું જ નહિ મંદિર આસપાસ વૃક્ષો અને પક્ષીઓનો કલરવ દર્શનાર્થી માટે સ્વર્ગ સમાન બને છે.જ્યાં પક્ષીઓ માટે અનાજના દાણા પણ નાખે છે. વધુમાં મંદિર સંકુલની નજીકનું ગોપીતળાવ આવેલ છે. અહીં કરાયેલા ઉત્ખનન દરમિયાન પાંચ હજાર વર્ષ અગાઉનાં નગરો અહીં મળી આવ્યાં હોવાનું ઇતિહાસ સાક્ષી પૂરે છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગમાં દર્શન અર્થે જવા માટે દ્વારકાથી રિક્ષા મળી રહે છે. જે લગભગ દ્વારકાથી 16 કિમી દૂર આવેલ છે. જો હવાઈ માર્ગે જવું હોય તો જામનગર કે પોરબંદર પહોચવું પડે છે. જ્યાંથી કેબ મારફતે જવાઈ છે. જે મંદિર જામનગરની 145 કિલોમીટર અને પોરબંદરથી 125 કિલોમીટર દૂર આવેલ છે. સાથે જ જો રેલ માર્ગેથી નાગેશ્વર જવું હોય તો દ્વારકા કે ઓખા રેલવે સ્ટેશન અને ત્યારબાદ રીક્ષામાં પહોંચી શકાય છે.