81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની 28મી ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી
આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટેની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું આજે પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂકયો છે. આગામી બેથી ત્રણ દિવસમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દેશે 13મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
રાજયની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે રાજય ચૂંટણી પંચ દ્વારા 23મી જાન્યુઆરીના રોજ ચૂંટણીની તારીખોની સતાવાર ઘોષણા કરવામાં આવી હતી. દરમિયાન ગત 7મી ફેબ્રુઆરીના રોજ મહાપાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતુ આજે મહાપાલિકાની ચૂંટણી લડવા માટે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેના ફોર્મની ચકાસણી ચાલી રહી છે. તો બીજી તરફ આજે પાલિકા અને પંચાયત માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થઈ ચૂકયું છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂકયો છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત, નગરપાલિકા માટે ઉમેદવારો નકકી કરવા ગઈકાલથી ભાજ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આરંભ થયો છે. જે ચાર દિવસ સુધી ચાલશે આ બેઠક આગામી 10મીએ પૂર્ણ થયા બાદ ગૂરૂવારે ભાજપ તબકકાવાર ઉમેદવારોના નામની ઘોષણા થઈ જશે.આગામી 13મી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે 15મીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. અને 16મી એ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે 17મીથી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરાશે. અને બીજી માર્ચનાં રોજ મતગણતરી થશે. મહાપાલિકાની માફક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પણ ઉમેદવારોને પ્રચાર-પ્રસાર માટે ખૂબજ ઓછા દિવસ મળશે આગામી બે ત્રણ દિવસમાં ઉમેદવારોનાં નામની સતાવાર ઘોષણા થતાની સાથે રાજયભરમાં ચૂંટણીનો માહોલ જામશે.
ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર પંચાયતની ચૂંટણી પર જોવા મળી હતી. જેમાં ભાજપને સૌથી વધુ નુકસાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં વેઠવી પડી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઇ હતી જ્યારે અન્ય જિલ્લા પંચાયતોમાં પણ કમળ મુરઝાઇ ગયું હતું.