ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની બીજી માર્ચે એક સાથે મતગણતરી
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તારીખનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી માટે 16મી ફેબ્રુઆરીના રોજ જ્યારે મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ત્રણેય રાજ્યોની મતગણતરી એકસાથે બીજી માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. આજથી ત્રણેય રાજ્યોમાં આદર્શ આચાર સંહિતા લાગૂ પડી જવા પામી છે.
2024માં લોકસભાની ચૂંટણી પૂર્વે ચાલુ સાલ યોજાનારી અલગ-અલગ નવ રાજ્યોની ચૂંટણીને સત્તાના સેમિફાઇનલ જંગ તરીકે માનવામાં આવે છે. આજે બપોરે કેન્દ્રીય ચૂંટણી પંચના કમિશનર દ્વારા ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું હતું. ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો માટે આગામી 16મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની 60-60 બેઠકો માટે 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે.
ગુજરાતની માફક ચૂંટણી પંચે બંને રાજ્યોમાં ખૂબ જ ઓછો સમયમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી લેવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્રણેય રાજ્યોના પરિણામ બીજી માર્ચે આવી જશે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની બેઠકો ખૂબ જ ઓછી હોવાના કારણે આમ બહુ મહત્વ નથી. પરંતુ આ રાજ્યોમાં ભાજપ પ્રમાણમાં ખૂબ જ નબળું છે. અહિં સંગઠનને મજબૂત કરવા માટે પક્ષ દ્વારા મહા મહેનત કરવામાં આવી છે. હવે ભાજપ આ ત્રણ રાજ્યોમાં પણ મજબૂત પગ પેસારો કરવા ઇચ્છી રહ્યું છે.
ચૂંટણી પંચ દ્વારા ત્રણ રાજ્યોની સામાન્ય ચૂંટણી જાહેર કરાતાની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. તમામ સરકારી કાર્યક્રમો પર બ્રેક લાગી જવા પામી છે. આજથી જ રાજકીય પક્ષો ચૂંટણીના મૂડમાં આવી ગયા છે. આગામી દિવસોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના અલગ-અલગ છ રાજ્યોની ચૂંટણી માટે પણ તારીખોનું એલાન કરવામાં આવશે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સમાપન અવસરે કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર રહેવા માટે તાકીદ કરવામાં આવી હતી.
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પૂર્ણ થયાના દોઢ માસ બાદ ફરી દેશમાં ચૂંટણીની જમાવટ જામશે. આજે ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર કર્યા બાદ ચૂંટણી પંચે મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. તેવી ઘોષણા કરી હતી. આ રાજ્યોમાં પ્રાદેશીક પક્ષોની સ્થિતિ ખૂબ જ મજબૂત છે. અહિં રાષ્ટ્રીય પક્ષોએ પોતાનું સ્થાન મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે તેમ છે. પ્રમાણ ઓછી બેઠકો હોવા છતાં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ રાજ્યો ભારતની રાજનીતીમાં અલગ જ મહત્વ ધરાવે છે.