ડુંગળીનો બફર સ્ટોક કરી રૂ.૩૦ સુધીનું ભાવ બાંધણુ રાખવાનો તખતો
દર વર્ષે ડુંગળીના ભાવમાં થતી વધઘટને નિયંત્રણમાં રાખવા નાફેડ દ્વારા ૧ લાખ ટન ડુંગળીની ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે. નાફેડ દ્વારા અત્યાર સુધીમાં ૨૫ હજાર ટન ડુંગળીની ખરીદી વિવિધ સંસ્થાઓ પાસેથી થઈ ચૂકી છે અને બાકીની ૭૫ હજાર ટન ડુંગળીની ખરીદી ટૂંકા સમયમાં થશે. નાફેડ ચાલુ વર્ષે ડુંગળીનો ઐતિહાસિક બફર સ્ટોક એકઠો કરશે જેનાથી આગામી વર્ષમાં ડુંગળીના ભાવનું બાંધણું રૂ૩૦ થઈ જાય તેવી વકી છે.
વર્ષ ૨૦૧૮-૧૯ના શિયાળુ પાક દરમિયાન નાફેડ દ્વારા ૫૭ હજાર ટન ડુંગળીની ખરીદી થઈ હતી. ચાલુ વર્ષે ૧ લાખ ટન ડુંગળીની ખરીદી થશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી સહકારી સંસ્થાઓ તેમજ ફાર્મર પ્રોડ્યુટર ઓર્ગનાઈઝેશન પાસેથી ડુંગળીની ખરીદી થઈ રહી છે. વર્તમાન સમયે ડુંગળીના પર ક્વીન્ટલ દીઠ ભાવ રૂ.૧૦૦૦ થી ૧૪૦૦ના છે. બીજી તરફ રિટેલ ભાવ રૂ.૨૦ થી રૂ.૩૦ના છે.
આગામી સમયમાં પણ આ ભાવ જળવાઈ રહે તેવા હેતુથી નાફેડ દ્વારા ખરીદીનો પ્રારંભ થઈ ચૂકયો છે. નાફેડ ચાલુ વર્ષે ડુંગળીને સ્ટોરેજ કરવાની ક્ષમતા પણ વધારશે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકાર સાથે મળી સ્ટોરેજ ક્ષમતા વધારવાનો પ્રારંભ થઈ ચૂકયો છે. નોંધનીય છે કે, દર વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ચઢાવ-ઉતાર અને તંત્રની વિસંગતતાના કારણે ક્યારેક ડુંગળી ખેડૂતોને રડાવતી હોય છે તો ક્યારેક ગૃહિણીઓને રડાવે છે. ક્યારેક રૂ.૧૦૦ થી વધુ કિલો દીઠ કસ્તુરી વેચાય છે તો ક્યારેક સાવ તળીયાના ભાવે કસ્તુરીને કાઢી નાખવા માટે ખેડૂતોને મજબૂર થવું પડતું હોય છે. આ વિસંગતતાને ધ્યાને રાખીને નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) દ્વારા અત્યારથી જ ડુંગળીનું ખરીદી શરૂ કરાઈ છે.