લોકડાઉનમાં કચેરી સતત બંધ રહેતા નવા વાહનોનું રજીસ્ટ્રેશન ઘટ્યું
વર્ષ 2019માં 91.17 કરોડની આવક સામે 2020માં માત્ર 60.54 કરોડની આવક: એપ્રિલ 2019માં 2817 વાહનોની નોંધણી સામે 2020માં માત્ર 214 વાહનોની નોંધણી: એપ્રિલ 2020 બાદ વાહનોની નોંધણી સતત ઘટતી રહી
કોરોનાને કારણે આરટીઓ કચેરીની આવકમાં મસમોટુ રૂ.30 કરોડનું ગાબડું પડ્યું છે. કોરોનાને કારણે કચેરી બંધ રહેતા ધંધા-રોજગાર બંધ રહેતા વાહનોની ખરીદી પણ ઓછી થતાં આવક ઘટી છે. જામનગરમાં કોરોના કારણે આરટીઓ કચેરીની આવકમાં રૂ.30.63 કરોડનું જંગી ગાબડું પડયું છે. કોરોનાના કારણે લોકડાઉન થતાં આરટીઓ કચેરી બંધ રહી હતી. ઉપરાંત કોરોનાના કારણે ધંધા-રોજગારને નુકશાન થતાં લોકોની વાહનોની ખરીદી શકિત પણ ઘટી હતી. જેના કારણે વર્ષ-2019 ની સરખામણીએ વર્ષ-2020 માં શહેર-જિલ્લામાં 10396 વાહનોની નોંઘણી ઓછી થઇ હતી. આરટીઓ કચેરીને વાહનની ટેકસની આવકમાં સૌથી વધુ રૂ.25,35,99,031નો ફટકો પડયો હોવાનું નોંધાયું છે.
શહેરની વસતી વધતા વાહનોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. જેના કારણે વર્ષ-2019માં જામનગર આરટીઓ કચેરીમાં કુલ 36068 વાહનોની નોંધણી થઇ હતી. જેની સામે વાહનોનો ટેકસ, નોંધણી ફી, માલીકી ફેરફાર, લોન રદ સહીતની ફી પેટે રૂ.91, 17, 97, 166 ની આવક થઇ હતી. પરંતુ વર્ષ-2020માં માર્ચ મહિનાથી કોરોના મહામારીની એન્ટ્રીથી લોકડાઉન થતાં આરટીઓ કચેરી બંધ થઇ હતી.
બીજી બાજુ ધંધા-રોજગાર બંધ થતાં વાહનોનું વેંચાણ ઠપ થઇ ગયું હતું. જેના કારણે વર્ષ-2020માં જામનગર આરટીઓ કચેરીમાં ફકત રૂ.25672 વાહનોની નોંધણી થઇ હતી. જેની સામે રૂ.60, 54, 48,017 ની આવક થતાં આરટીઓની આવકમાં વર્ષ-2019ની સાપેક્ષમાં રૂ.30, 63, 49,149નું માતબર ગાબડું પડયું હતું. રાજયની સાથે જામનગરમાં પણ વર્ષ-2020માં એપ્રિલ મહિનાથી કોરોના મહામારનીના પગપેસારો થતાં અને લોકડાઉન થતાં માર્ચ મહિનાથી આરટીઓ કચેરીની આવક અને વાહનોની નોંધણીમાં 90 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. કારણ કે, વર્ષ-2019 માં એપ્રિલ મહિનામાં 2817 વાહનોની નોંધણી થઇ હતી અને રૂ.12,64,17,110 ની આવક થઇ હતી. જેની સામે 2020 એપ્રિલમાં ફકત 241 વાહનોની નોંધણી અને રૂ.1,21,98,430 ની આવક થઇ હતી. ત્યારબાદ વાહનોની નોંધણી અને આવકમાં ઉતરોતર ઘટાડો નોંધાયો હતો. કોરોના મહામારીના કારણે વર્ષ-2020માં લોકડાઉનના કારણે આરટીઓ કચેરી બંધ રહી હતી. આ કારણોસર આરટીઓ કચેરીની આવકને ફટકો પડયો છે. વર્ષ-2019 ની સરખામણીએ વર્ષ-2020 માં કોરોનાકાળના કારણે આરટીઓ કચેરીની આવકમાં રૂ.30 કરોડ જેટલો ઘટાડો નોંધાયો છે.