નડીયાદ નજીક આવેલા બિલોદરા અને બગડુ ગામના પાંચ યુવાને સસ્તો નશો કરવા આર્યવૈદિક સિરપ ગટગટાવતા મોત નીપજ્યાની ઘટના અંગે તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરી નશા યુક્ત સિરપનું વેચાણ કરતા ભાજપ આગેવાન સહિત ત્રણની અટકાયત કરી છે. સિરપને વધુ સ્ટ્રોગ બનાવવા ઝેરી હાનિકારક કેમિકલની ભેળસેળ થઇ હોવાનું અને અમદાવાદ તેમજ હરિયાણા ખાતે સિરપ બનાવવામાં આવી તે ફેકટરી પણ બોગસ હોવાની ચોકવાનારી વિગતો પ્રકાશમાં આવી છે. સિરપકાંડની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે.

સિરપને વધુ સ્ટ્રોંગ બનાવવા ઝેરી હાનિકારક કેમિકલની ભેળસેળ કર્યાની શંકા: નડીયાદ ભાજપના આગેવાનની દુકાને સિરપનું વેચાણ થતું

ઝેરી કેમિકલ રાજય બહારથી આવ્યુ હતું: સિરપકાંડની તપાસ માટે સીટની રચના કરાઇ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

નડીયાદના બિલોદરા અને બગડુ ગામના મહેમદાવાદ તાલુકાના વડગલા ગામના મિતેશ ચૌહાણ ગત તા.27મીએ બગડુ ગામે પોતાના સાળા અલ્પેશ સોઢા સાથે સિરપનો નશો કર્યો હતો. જ્યારે નડીયાદના બિલોદરા ગામના નટુ સોઢા, અર્જુન સોઢા અને અશોક સોઢા નામના શખ્સોએ સિરપનો નશો કરતા જીવ ગુમાવ્યાનું પોલીસમાં નોંધાયું હતુ.ં મૃતકના પોસ્ટમોર્ટમ દરમિયાન તેને આર્યુવૈદિક સિરપમાં ઝેરી હાનિકારક કેમિકલ મિશ્રિત નશો કર્યો હોવાથી મોત થયાનું તબીબ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

સિરપકાંડમાં સંડોવાયેલા ભાજપના આગેવાન ગણાતા કરિયાણાની દુકાનદાર નારાયણ ઉર્ફે કિશોર સોઢા, ઇશ્ર્વર સોઢા અને સિરપનું હોલસેલ વેચાણ કરતા યોગેશ ઉર્ફે યોગી સીંધીની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા યોગેશ ઉર્ફે યોગીએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અસાવા અરિશતા આર્યુવેદિક સિરપ બનાવવા માટે મંજુરી માગી હોવાનું બહાર આવ્યું છે. તે અમદાવાદના સરખેજ અને હરિયાણાની ફેકટરીમાંથી સિરપ લાવતો હોવાનું પરંતુ બંને ફેકટરી બોગસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

સિરપકાંડમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે સીટની રચના કરવામાં આવી છે. જેમાં નડીયાદ ડીવાય.એસ.પી. વિમલ બાજબાઇ, એસઓજી પી.આઇ., નડીયાદ પી.આઇ. અને મહેમદાવાદના પી.એસ.આઇ.નો સમાવેશ થાય છે. આરોગ્ય સાથે ચેડા કરતા નકલી સિરપના વેચાણ અંગે તંત્ર દ્વારા કોઇને કોઇ પ્રકારની મંજુરી આપવામાં આવી ન હોવાનું અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.