“કોરોનાની મહામારીમાં માનસિક સ્વસ્થતાને નિખારતા યોગાસનો”
કહેવાય છે કે,”અતિની ગતિ નથી હોતી એનો મતલબ એમ કે, સુખમય અને સંતુષ્ટતાભર્યું જીવન વ્યતિત કરવા માટે જીવનમાં દરેક બાબતોને લઈને સમતુલા હોવી જરૂરી છે. ભૌતિક સુખ-સુવિધાની પાછળ ભાગતો માણસ જ્યારે મનની હતાશાથી પીડાઈ છે ત્યારે સમજાઈ છે કે મનની ખુશીઓનો ભંડાર તો ખાલી જ રહી ગયો! જેની વધુ અનુભૂતિ આપણને કોરોનાની મહામારી અને લોકડાઉનના સમયગાળાએ કરાવી છે. તો ચાલો આજે મનની સ્વસ્થતા અને ખુશીઓના ભંડારને ઘર બેઠા જ કેવી રીતે ભરી શકાય તેની ચર્ચા કરીએ.
યોગ, ધ્યાન અને પ્રાણાયામ સંસ્કૃતિની જન્મભુમિ કહેવાતો ભારત દેશ સાચા અર્થમાં મહાન છે. જેની વિવિધ સંસ્કૃતિ, પરંપરાઓ, વૈદિક પુરાણોમાં અનેક સમસ્યાઓનું નિરાકરણ સમાયેલું છે. યોગએ તન અને માનસિક સ્વસ્થતા માટે માનવીના જીવનમાં સંજીવનીનું કામ કરે છે. કહેવત પણ છે કે યોગ ભગાવે રોગ.
યોગાસન અને પ્રાણાયામ કરવાથી આપણું મન અને ઈન્દ્રીયો અંકુશમાં રહે છે. આ ઉપરાંત શારીરિક કસરત કરવાથી આપણા મગજમાં એન્ડ્રોફીન અને ડોપામાઈન જેવા હેલ્ધી બ્રેઈન કેમીકલ ઉત્પન થાય છે. જે આપણા સ્વભાવ ખુશ કરવા અને ડિપ્રેશનને રોકવામાં મદદ કરે છે. માનસિક શાંતિ અને એકાગ્રતાને વઘારવામાં મદદ કરે છે. તેમજ બીપોલર ડીસોર્ડર અને અટેન્શન ડીફીશીટ હાઈપર એક્ટિવીટી ડીસોર્ડર જેવી બિમારીથી પણ બચાવે છે.માનસિક સ્વસ્થતા માટે ખાસ કરીને અનુલોમ-વિલોમ, પદ્માસન, શવાસન, ગરૂડાસન, નટરાજાશન, વીરભદ્રાસન, વજ્રાસન, ચક્રાસન, અંજનેયાશન, અઘોમુખ વક્રાસન ખુબ કારગત નીવડે છે. શરીરને એકસરખા પ્રવાહમાં પ્રાણવાયુ મળી રહે તો અનેક બિમારીઓ મ્હાત આપી શકીએ છીએ.
શરીરમાં ૭૨ હજારથી પણ વધુ નાળીઓ રહેલી હોય છે. જેનું શુધ્ધિકરણ માત્ર નાડી શોધન પ્રાણાયામથી થાય છે. નાડીશોધન આસન ૫ વાર કરવાથી માનસિક તાણ હળવું થાય છે. અને દરેક નાળીઓમાં મહત્વની ઈડા અને પિંગલા નાળી શુધ્ધ થાય છે.વધુમાં માનસિક તાણને દૂર કરવા માટે યોગની સાથે હળવું મ્યુઝીક સાંભળવું, હળવી રમતો રમવી, પુસ્તકોનું વાંચન કરવું, વિટામીન યુક્ત ખોરાક ગ્રહણ કરવો જોઈએ.
આખા દિવસમાં માત્ર ૧ કલાક ઉપરોક્ત પ્રવૃતિ કરવાથી આપણી માનસિક સ્વાસ્થ્યની ખુશીઓના ભંડારને ભરવામાં અને જીવનઆયુને વધારવામાં મહત્વની ભુમિકા ભજવે છે. તો ચાલો, આજથી યોગ શરૂ કરીને રોગને જડમૂળથી ભગાડીએ.