નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમમાં ફ્રેન્ડ ઓફ સ્કૂલ અંતર્ગત ગીતાજી પર પ.પૂ.જીગ્નેશ દાદાનું વક્તવ્ય
લોકસાહિત્યકાર સાંઇરામ દવેની નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમમાં દર મહિને એક ઇનોવેટીવ હોમવર્ક આપવામાં આવે છે જેમાં તાજેતરમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભાગવત ગીતાજી વિશે એક એમસીક્યુ ટેસ્ટ અને પ્રતિ વિદ્યાર્થી એક શ્ર્લોક કંઠસ્થ કરવા માટેનું ઇનોવેટીવ હોમવર્ક આપવામાં આવ્યું. નચિકેતામાં દર મહિને ફેન્ડ ઓફ સ્કૂલ નામની શ્રેણીમાં કોઇ પ્રખ્યાત સ્પીકર વિદ્યાર્થીઓ સાથે કોઇ વિષયને લઇને ગોષ્ઠી કરે છે.
જે અંતર્ગત પ્રખ્યાત ભાગવત કથાકાર જીગ્નેશ દાદાએ વિદ્યાર્થી કાળમાં ગીતાજી કેટલી મહત્વની છે તે અંગેનું મહત્વ સમજાવ્યું. સૌ પ્રથમ તમામ લોકોએ ભગવત ગીતોની આરતીથી ગીતાજીની પૂજા કરી આ કાર્યક્રમની શરૂઆત કરી. ફાઉન્ડર પ્રેસિડેન્ટ સાંઇરામ દવેએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે જેમને સાંભળવા હજારોની મેદની એકઠી થાય છે તેવા કથાકાર આજ નાના નચિકેતાના માટે ખાસ પધાર્યા છે. તો જીગ્નેશ દાદાએ વિદ્યાર્થીઓ સમક્ષ પહેલી વાર ગીતાજીની વાત કરવાની હોય પોતે હોમવર્ક કરીને આવ્યો છે અને આ હોમવર્ક કરવા માટે તેમને ફરી વિદ્યાર્થી અવસ્થામાં લઇ જવા માટે સાંઇરામ દવેનો આભાર માન્યો. જીગ્નેશ દાદાએ જણાવ્યું કે નચિકેતાએ આજીવિકા મેળવવા માટેના શિક્ષણની સાથે જીવનનું શિક્ષણ આપી રહી છે તે બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા સાથે જ વિદ્યાર્થીઓ ફેશનિઝમ અને ઇગોઇઝમમાં જીવતા હોય છે તેના બદલે હવે ગીતાઇઝમમાં જીવવું જોઇએ. મહત્વનું છે કે ગુજરાત સરકારે પણ આગામી વર્ષોમાં ગીતાજીને શિક્ષણમાં સમાવેશ કરવાનું નક્કી કર્યું છે.