ગાંધીનગરમાં મુખ્યમંત્રીની નાબાર્ડના ચેરમેન સાથે બેઠક સંપન્ન
નાબાર્ડે અત્યાર સુધીમાં સૌની યોજના માટે રૂ.૯ હજાર કરોડ ફાળવ્યા: આત્મનિર્ભર ભારત-આત્મનિર્ભર ગુજરાતની નેમ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે નાબાર્ડના ચેરમેન ચિંતાલાએ ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં ગુજરાત સરકાર અને નાબાર્ડના સંબંધો ભારતભરમાં શ્રેષ્ઠ છે તેવો મત વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રએ ગુજરાત વિકાસમાં અગ્રીમ રાજ્ય છે ત્યારે નાબાર્ડ પણ આર.આઇ.ડી.એફ, વેરહાઉસ ઇન્ફ્રાસ્ટ્રકચર, એગ્રી ઇન્ફ્રાસ્ટ્રકચર, માઇક્રો ઇરીગેશન જેવી મહત્વપૂર્ણ યોજનાઓ માટે રાજ્ય સરકારને માતબર નાણાં ભંડોળથી સહાય આપે છે તે માટે આભાર દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ કૃષિ, સિંચાઇ, ફિશરીઝ અને મહિલા ઉત્કર્ષની યોજનાઓમાં નાબાર્ડની સક્રિય ભાગીદારીથી આત્મનિર્ભર ભારત-આત્મનિર્ભર ગુજરાત સાકાર કરવાની નેમ આ અવસરે વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને કૃષિ અને સિંચાઇ ક્ષેત્રમાં તેમજ મહિલા સશકિતકરણની પહેલરુપ એવી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં નાબાર્ડની વધુ સહભાગીતા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.
કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર, સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવ અનિલ મૂકીમ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને નાબાર્ડના ગુજરાતના ચીફ જનરલ મેનેજર મિશ્રા અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાના આ સંક્રમણ દરમ્યાન પણ નાણાંના અભાવે વિકાસના કોઇ કામ અટકે નહિ અને નિર્ધારિત લક્ષ્યાંક મુજબ પૂરા થાય તે દિશામાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોમાં નાબાર્ડનું ઉત્કૃષ્ટ યોગદાન અપેક્ષિત છે.
વિજયભાઇ રૂપાણીએ નાબાર્ડના ચેરમેને ગુજરાતની પ્રખ્યાત કેસર કેરી ખેડૂતો સીધા જ યુરોપના દેશમાં નિકાસ કરી શકે તે દિશામાં બ્લોક ચેઇન ટેકનોલોજી અને યુ.વી. રેડીયેશનની સુવિધા સાથે જિયોમેપિંગ કરવાના સૂઝાવને આવકાર્યો હતો. નાબાર્ડ ચેરમેને જણાવ્યું કે, ગુજરાતમાં આ વર્ષે નાબાર્ડ ૩૯ એફ.પી.ઓ ફાર્મસ પ્રોડયુસ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવાની છે. રાજ્યમાં નર્મદાના જળ સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયોમાં પહોચાડી કૃષિ ક્રાંતિ અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ માટેની સૌની યોજનામાં નાબાર્ડે અત્યાર સુધી ૯ હજાર કરોડનું ફંડીંગ આપેલું છે.
એટલું જ નહિ, વિવિધ સિંચાઇ યોજનાઓ માટે પણ ૧૬ હજાર કરોડ રૂપિયા રાજ્યને નાબાર્ડના સહયોગથી અત્યાર સુધીમાં મળ્યા છે તેની ચર્ચા-વિમર્શ આ બેઠકમાં હાથ ધરવામાં આવ્યા હતા. નાબાર્ડ વોટરશેડ પ્રોજેકટ અંતર્ગત ૮૬ પ્રોજેકટસમાં ૬૧.૯૩ કરોડ રૂપિયાની મદદથી પ૬૪૧૮ હેકટર વિસ્તારના ૩૭ હજાર પરિવારોને લાભ આપવામાં સહાયક બન્યું છે.
નાબાર્ડે ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠામાં વરિયાળીની અને પાટણમાં જીરાની ખેતી માટે ઓર્ગેનીક સ્પાઇસ સીડ પાર્ક ઊભા કરવા માટે બે કિસાનો.ને દરેકને રૂ. રર લાખની સહાયના મંજૂરી પત્રો મુખ્યમંત્રીને અર્પણ કર્યા હતા. પ્રવર્તમાન સ્થિતી સામે સુરક્ષાત્મક જનજાગૃતિ હેતુસર નાબાર્ડે સ્વચ્છતા જાગૃતિ અભિયાન રાજ્યના ૧૦૦ ગામોમાં લોંચ કર્યુ છે તેના પોસ્ટર્સ, બેનર્સ પણ મુખ્યમંત્રીએ આ બેઠકમાં વિમોચીત કર્યા હતા.