મેળામાં હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, કપડાં, હેન્ડબેગ સહિતની મહિલાઓએ બનાવેલી વસ્તુઓને પ્રદર્શિત કરાઇ
જામનગરમાં રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આ મેળામાં ગ્રામીણ વિસ્તારની મહિલાઓને સ્વ- રોજગારી મેળવવા અને તેમના પ્રોડક્ટ્સનું વેચાણ કરવા માટે એક ઉત્તમ તક પ્રાપ્ત થઈ છે.
જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતા અનીતાબા દિલીપસિંહ ભટ્ટી અને તેમના બહેન કવિતાબા દિલીપસિંહ ભટ્ટીએ સરસ મેળામાં ભાગ લીધો છે. અનિતાબાને ‘મિશન મંગલમ યોજના’ હેઠળ સહાય પ્રાપ્ત થઈ છે. લાભાર્થી અનીતાબા ભટ્ટી જણાવે છે કે, અમે અત્યારે 10 જેટલી મહિલાઓ સાથે મળીને ’રોયલ મહિલા જૂથ’ ચલાવીએ છીએ. અમે ઉન (વુલન) ના હેન્ડીક્રાફ્ટસ અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવીએ છીએ. દીકરીઓના કરિયાવરથી લઈને બર્થ- ડે ગિફ્ટ સેટ્સ બનાવવાના અમને ઓર્ડર મળ્યા છે. રૂ.2,000 થી લઈને રૂ.15,000 સુધીની વસ્તુઓ અમે બનાવીએ છીએ.
અનિતાબા અને કવિતાબા મોતીના તોરણ, ઉનના તોરણ, બતક અને સ્ટ્રોબેરીની પ્રિન્ટવાળા ઉનના રૂમાલ, મોતીના પડદા, મોતીના ભરત વાળા અરીસા, ફ્રૂટના આકારવાળા તોરણ, ઉનના મોરલા, ઉનના હેન્ડબેગ, ઉનના મોબાઈલ કવર અને ઉનના ચાકડા જેવી વિવિધ વસ્તુઓ બનાવે છે. આ તકે, તેણી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, તેમને ઘણી સહાય મળી છે. તેમને વેપારમાં ઘણો ફાયદો થયો છે. આ પૂર્વે પણ તેમણે બીજા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. જ્યાંથી તેણીને સારો સહયોગ પ્રાપ્ત થયો છે.
અન્ય લાભાર્થી સમજુબેન મકવાણા જણાવે છે કે, મેં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેશવર ગામમાંથી ભાગ લીધો છે. અમારા કુળદેવી મહિલા મંડળ દ્વારા વિવિધ ફ્લેવરના ખાખરા, અથાણાં, હેર ઓઇલ, હેર શેમ્પુ, બેકરી આઈટેમ્સ, નાન ખટાઈ, બિસ્કીટ્સ, મસાલા, અગરબત્તી, સુખડી તેમજ ગોબરના રેડી ટુ યુઝ પીસ બનાવવામાં આવે છે. મહુવા તાલુકામાં અત્યારે 700 જેટલા સખી મંડળો અને મહિલા મંડળો કાર્યરત છે. આવા વિવિધ મંડળો થકી 300 જેટલી બહેનોને રોજગારી પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત, અમે લાકડાની વસ્તુઓ અને આયુર્વેદિક પાવડર પણ બનાવીએ છીએ. અમને તાલુકા કક્ષાએથી મેળામાં નોંધણી કરાવવાથી લઈને સ્ટોલ લગાવવા સુધીની પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી પડી નથી.
આ તકે, તેણી રાજ્ય સરકારનો ખુબ- ખુબ આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, આ પ્રકારના મેળાના આયોજનથી તેઓને ખુબ ફાયદો થયો છે. તેમના હર્બલ પ્રોડક્ટસ આજે અનેક લોકો સુધી પહોંચ્યા છે.