સ્ટ્રેચર કે વહીલચેરમાં દર્દીઓને લાવવા લઈ જવા, દર્દીઓના પરિવારજનોને ધરપત આપવા સહિતની માનવીય ફરજ પાઇલોટ નિભાવે છે
અમે ભલે કોરોનગ્રસ્ત થઈએ, કોરોનની પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર હોઈ, અમારે તો ખુદ કે પરિવારની ચિંતા કર્યા વગર 108 ના પૈડાં સતત દોડતા રાખવા પડે… આ શબ્દો છે 108 ના કોર્ડિનેર અને પાઈલોટના.
જો 108 થંભી જાય તો અનેક દર્દીઓની સારવાર અટકી પડે, એટલે જ 108 ના કર્મીઓ માટે લાગુ પડે છે આ ઉક્તિ “ન ભાગના હૈ ન રૂક્ના હૈ બસ ચલતે રહના હૈ…” હાલ રાજકોટ જિલ્લામાં 25 થી વધુ 108 દિવસ રાત દોડતી રહે છે કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં. જેનો શ્રેય જાય સમગ્ર ટીમ અને પાયલોટને. કોરોનાના દર્દીઓના વહન સાથે પાયલોટ પણ કોરોનગ્રસ્ત થાય છે. પણ હિંમત હારી પાછી પાની કરે તે બીજા. પરિવારની ચિંતા કર્યા વગર 108 ના કર્મીઓ સેવા કરી રહ્યા છે. રાજકોટના 108 ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટ સહીત ત્રણ પાયલોટ સંક્રમિત થયા બાદ પુન: ફરજ પર હાજર થઈ ચુક્યા છે. વિરલભાઈ જણાવે છે કે, મને ગત તા. 18 એપ્રિલના કોરોના થયો. હોમ આઇસોલેશનમાં સારવાર લીધી. આ દરમ્યાન પણ જરૂરી સંકલન તો કરવાનું જ. અમારા ત્રણ પાયલોટ બીમાર પડતા તેમની તબિયત જલ્દી સુધારા પર આવી જાય તે માટે પણ અમે ખાસ કાળજી લીધી હોવનુ વિરલભાઈ જણાવે છે.
108ના એક પાયલોટ પ્રકાશભાઈ ડાંગરને ગત તા. 23ના કોરોના થયો. પરિવારમાં પત્ની અને એક વર્ષનો પુત્ર. તેનાથી સાવધાનીપૂર્વક દૂર રહી કોરોનાને માત આપી ફરીથી 108નું સ્ટિયરિંગ સંભળી લીધું છે. એવા જ અન્ય કર્મી અમિતગીરી ગોસ્વામી પણ ગત તા. 21 ના રોજ સંક્રમિત થતા ઘરે જ સારવાર કરાવી. તેમના પત્ની વંથલી સી.એચ.સી. માં નર્સિંગ તરીકે ફરજ બજાવે છે. ફરજ સાથોસાથ તેમના પતિ અને બાળકો સહીત ઘરપરિવારની જવાબદારી પણ સાંભળી તેમના પતિને મદદરૂપ બન્યા છે.જયારે અન્ય એક ડ્રાયવર ભાવેશભાઈ રાઠોડ ધોરાજીથી જૂનાગઢ દર્દીઓના ફેરા કરે.થોડા દિવસ પહેલા ફરજ બજાવતા બજાવતા તેઓ સંક્રમિત થયા. સાજા થઈ ફરી કોરોનગ્રસ્ત દર્દીઓની સારવાર્થે સેવામાં જોડાઈ ચુક્યા છે.
સૌથી કપરો સમય ઓક્સિજન સાથે ગંભીર દર્દીઓને જ્યાં સુધી બેડ નો મળે ત્યાં સુધી માનસિક ધરપત આપવાનો હોવાનુ તેઓ જણાવે છે. ક્યારેક અન્ય દર્દીઓને પરિવારજનોને પણ તેઓ મદદરૂપ બને. કોઈને ઓક્સિજન માસ્ક લગાડી દેવા, ખાનગી વાહનો કે જેમાં પેસન્ટ આવ્યા હોઈ તેમની ગાડી બગડી હોઈ તો તેમાં પણ હાથ અજમાવી જુએ.