પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા તબીબો દર્દીઓને જેનરિક દવા સિવાયની મેડિસિન પણ લખી શકશે

નિયમોમાં રાહત મળતા આઇ.એમ.એ.દ્વારા વડાપ્રધાન અને કેન્દ્રીય આરોગ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

રાષ્ટ્રીય ચિકિત્સા આયોગએ હાલમાં જ ડોક્ટરો માટે જેનેરિક દવાઓ લખવાનું ફરજિયાત કર્યું હતું. પરંતુ હવે આયોગે આ નિર્ણય પર તત્કાળ પ્રભાવથી રોક લગાવી દીધી છે. હવે ડોક્ટરો જેનેરિક દવાઓ ઉપરાંત અન્ય દવાઓ પણ પ્રિસ્ક્રાઈબ કરી શકશે. આ મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનએ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે સંપર્ક કર્યો હતો. જેની સકારાત્મક વાતચીત બાદ એનએમસી દ્વારા નિર્ણય પર રોક લગાવવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પ્રાઇવેટ મેડિકલ પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સ નેશનલ મેડિકલ કાઉન્સિલના આરએમપી રેગ્યુલેશન ૨૦૨૩નો વિરોધ કરતા કહ્યું હતું કે ભારતમાં જેનેરિક દવાઓની ગુણવત્તા યોગ્ય નથી અને આ પ્રકારના નિયમોથી દર્દીનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એનએમસીએ નવા નિયમો બહાર પાડ્યા હતા જેમાં તમામ ડોક્ટરો માટે જેનેરિક દવાઓ લખવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ પરંતુ તબીબો એવું નહિ કરે તો તેમનું મેડિકલ લાઈસન્સ રદ કરવાની પણ વાત કરાઈ હતી. આ નવા નિયમોમાં કહેવાયું હતું કે પ્રત્યેક રજિસ્ટર્ડ ચિકિત્સા વ્યવસાયીએ સ્પષ્ટ રીતે લખાયેલી જેનેરિક નામોનો ઉપયો કરીને દવાઓ લખવી જોઈએ. જો નિયમોનો ભંગ થયો તો ડોક્ટરને નિયમો વિશે વધુ સાવધાનવ રહેવાની ચેતવણી આપી શકાય છે કે નૈતિકતા, વ્યક્તિગત અને સામાજિક સંબંધો તથા પ્રોફેશનલ ટ્રેનિંગ પર એક વર્કશોપ કે એકેડેમિક કાર્યક્રમમાં ભાગ લેવાનો નિર્દેશ આપી શકાય છે.

એનએમસીએ જેનેરિક મેડિસિનને એક ડ્રગ પ્રોડક્ટ તરીકે પરિભાષિત કરી છે. બ્રાન્ડેડ જેનેરિક દવાઓ એ છે જે પેટન્ટથી બહાર થઈ ચૂકી છે અને દવા કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. વિભિન્ન કંપનીઓના બ્રાન્ડ નામો હેઠળ વેચવામાં આવે છે. આ દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ એડિશનની સરખામણીમાં ઓછી મોંઘી હોઈ શકે છે. પરંતુ દવાના થોક નિર્મિત જેનેરિક એડિશનની સરખામણીમાં મોંઘી હોઈ શકે છે. બ્રાન્ડેડ જેનેરિક દવાઓની કિંમતો પર નિયામક નિયંત્રણ ઓછુ છે.

જે અંગે ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન દ્વારા દેશભરમાં નિયમ વિરુદ્ધમાં દેખાવો કર્યો હતો અને તાકીદે નિયમ પરત ખેચવા માટે સરકારને રજૂઆત કરી હતી. જે અંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવીયા દ્વારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા તબીબો સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલા પોતાના જ નિર્ણય પર રોક લગાવવા ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.