જૂનાગઢમાં કેફી પીણું પીતા બે રિક્ષા ચાલકના મોત
જૂનાગઢના ગાંધી ચોકમાં ગતરાતે બે રિક્ષા ચાલકે દારૂ સમજી ઝેર યુક્ત કેફી પીણું પીતા બંનેના મોત નીપજ્યા છે. લઠ્ઠાકાંડની આશંકા સાથે પોલીસમાં દોડધામ મચી ગઇ છે. બંને મૃતકના પોસ્ટમોર્ટમ કરાવી વિસેરાની તપાસ કરાવી છે. તેમજ બંને મૃતકોએ કેફી પીણું કયાંથી લાવ્યા અને ઝેર યુકત પીણું અન્ય કોઇ ન પીવે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. બંનેના મોત લઠ્ઠો પીવાના કારણે ન હોવાની જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
જૂનાગઢમાં ગતરાત્રિના બે યુવાનોના મોત થયા બાદ શહેરમાં લઠ્ઠાકાંડ થયો હોવાની ભારે ચર્ચાઓ વચ્ચે લોકોના ટોળેટોળા જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યારે જુનાગઢના ડીવાયએસપી, એ ડિવિઝન, બી ડિવિઝન, એસઓજી, એલસીબી સહિતના પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તે સાથે જૂનાગઢના સિટિંગ ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશી તથા આપના ઉમેદવાર પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જો કે બાદમાં બંને યુવાનોના પીએમ કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક પૂથકરણમાં કોઈ ઝેરી પદાર્થ ના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે. તે સાથે બંને યુવાનોના વિશેરા લેબમાં મોકલવામાં આવ્યા છે અને જૂનાગઢના પોલીસ વડા દ્વારા જૂનાગઢમાં કોઈ લઠ્ઠા કાંડ ન થયો હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. જૂનાગઢમાં ગત સાંજના રફીક ઉર્ફે બાદલ ઘોઘાણી તથા જોન ઉર્ફે લંગડો નામના બે યુવાનોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને સારવાર દરમિયાન બંને યુવાનોના મોત થતા બંને યુવાનોના દારૂ પીધા બાદ લઠ્ઠા કાંડ સર્જાયો હોવાની વાતો જૂનાગઢ શહેરમાં આગની માફક પ્રસરતા લોકોના ટોળેટોળા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અને તરહ – તરહની વાતો જૂનાગઢ શહેરમાં પ્રસરી હતી. ત્યારે જુનાગઢના સીટીંગ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મરણ પરિવારજનોને સાંત્વના પાઠવી, આ બાબતે યોગ્ય તપાસ થાય તેમ પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું.
બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડતાં, પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. અને આ બાબતની પોલીસને જાણ થતા જુનાગઢના વિભાગીય પોલીસ વડા ધાધાલિયા, જુનાગઢ બી ડિવિઝન પી.આઈ શાહ, એસ.ઓ.જી પીએસઆઇ ગોહિલ સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. અને બંને યુવાનોના મોત અંગે જીણવટભરી તપાસ હાથ ધરી હતી. અને બંને યુવાનોના મૃતદેહનો કબજો લઈને તેમનું પીએમ કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક પુથકરણમાં બંનેનું ઝેરી પ્રવાહીથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. જો કે બંનેના વિશેરા લેવામાં આવ્યા છે, અને વધુ પુથકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન જૂનાગઢના જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમા શેટ્ટી એ જૂનાગઢમાં કોઈ લઠ્ઠા કાંડ ન થયો હોવાની સ્પષ્ટતા કરી છે. અને આ બાબતે મરણ જનાર રફીક ઉર્ફે બાદલ ઘોઘાણી તથા ઝોન ઉર્ફે લંગડોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હોવાનું અને આ પોસ્ટમોટમના પ્રાથમિક રિપોર્ટમાં પોઇજનથી બનોના મોત થયા હોવાનું ખુલ્યું છે. તથા બંનેના વિશેરા પણ લેવામાં આવ્યા છે અને પુથકરણમાં મોકલવામાં આવ્યા હોવાની સાથે પોલીસ દ્વારા પણ આ બાબતે વિવિધ દિશામાં તપાસો ચાલી રહી હોવાનું જિલ્લા પોલીસવડાએ વધુમાં જણાવ્યું છે.