ધો.૧૨ સાયન્સનું ૮૧.૮૯ ટકા પરિણામ: ૫૮૯ વિદ્યાર્થીઓને એ–વન ગ્રેડ
વિદ્યાર્થીઓનું ૮૨.૬૦ ટકા અને વિદ્યાર્થિનીઓનું ૮૧.૬૦ ટકા પરિણામ: સૌથી વધુ ગોંડલ કેન્દ્રનું ૯૮.૭૭ ટકા અને સૌથી ઓછુ સિલવાસા કેન્દ્રનું ૩૯.૦૯ ટકા પરિણામ જાહેર૯૪.૦૨ ટકા સાથે બોટાદ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો, સૌથી ઓછુ છોટા ઉદેપુર જિલ્લાનું ૫૧.૫૪ ટકા પરિણામ: ૧૧૮ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ
વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા તે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ ૮૧.૮૯ ટકા જાહેર થયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૭માં લેવાયેલી સાયન્સની પરીક્ષામાંથી ૧,૧૩,૫૯૮ વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા છે. જેમાં રાજયભરમાંથી ૫૮૯ વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. ધો.૧૨ સાયન્સનું ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૨.૮૬ ટકા વધુ પરીણામ જાહેર થયું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલી ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં કુલ ૧૩૫ કેન્દ્રો ઉપર ૧,૪૧,૯૮૪ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧,૩૮,૭૨૭ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી. જેનું આજે પરીણામ જાહેર થતા ૧,૧૩,૫૯૮ વિદ્યાર્થીઓ સાયન્સની પરીક્ષામાં ઉર્તીણ થતા ૮૧.૮૯ ટકા પરીણામ જાહેર થયું છે. પરીક્ષાર્થીઓમાં ૩૫૨૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવા બદલ પરીણામ અનામત રખાયું છે.
રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સવારે નિર્ધારીત સમય ૧૦ કલાકે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર કર્યું હતું. ગયા વર્ષે ૭૯.૦૩ ટકા પરીણામ જાહેર થયું હતું. જયારે આ વર્ષે ૨.૮૬ ટકાના વધારા સાથે ૮૧.૮૯ ટકા પરીણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓનું ૮૨.૦૬ ટકા જયારે વિદ્યાર્થીનીઓનું ૮૧.૬૦ ટકા પરીણામ જાહેર થયું છે. સૌથી વધુ પરીણામ ધરાવતા કેન્દ્રમાં ગોંડલનો આ વર્ષે પણ દબદબો જોવા મળતા ૯૮.૭૭ ટકા પરીણામ સાથે રાજયભરમાં ટોચ ઉપર રહ્યું છે. જયારે સૌથી ઓછુ પરીણામ ધરાવતું કેન્દ્ર ૩૯.૦૯ ટકા સાથે સિલવાસા રહ્યું છે.
જિલ્લાઓમાં આ વર્ષે રાજયભરમાં બોટાદ જિલ્લાએ ૯૪.૦૨ ટકા સાથે મેદાન માર્યું છે. જયારે સૌથી ઓછુ પરીણામ છોટા ઉદેપુરનું ૫૧.૫૪ ટકા રહ્યું છે. રાજયભરની ૧૧૮ શાળાઓનું ૧૦૦ ટકા પરીણામ જાહેર થયું છે.
રાજયમાં ૧૦ ટકાથી ઓછુ પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ગયા વર્ષે ૨૮ શાળાઓ નોંધાઈ હતી. જયારે આ વર્ષે ૪૪ શાળાઓનું ૧૦ ટકાથી પણ ઓછુ પરીણામ આવ્યું છે.
ગયા વર્ષની સરખામણીમાં એ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે. આ વર્ષે ૫૮૯ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ જયારે ૫૧૭૯ વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ પ્રાપ્ત થયો છે. અંગ્રેજી માધ્યમનું પરીણામ ૮૪.૮૭ ટકા જયારે ગુજરાતી માધ્યમનું પરીણામ ૮૧.૬૧ ટકા જાહેર થયું છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓનું ૮૪.૮૧ ટકા, બી ગ્રુપના વિદ્યાર્થીઓનું ૭૯.૩૫ ટકા અને એ-બી ગ્રુપના વિદ્યાર્થીઓનું ૮૬.૩૬ ટકા પરીણામ જાહેર થયું છે.
ગયા વર્ષની સરખામણીએ શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે વહેલુ પરીણામ જાહેર કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. સવારે બોર્ડનું પરીણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓએ શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર પોતાનું પરીણામ નિહાળ્યું હતું. રાજકોટ શહેર સૌરાષ્ટ્ર ગુજરાતની શાળાઓમાં ટોચનું પરીણામ મેળવવા બદલ ઉત્સવનો માહોલ છવાયો છે. મુખ્ય માર્ગો પર વાજતે-ગાજતે ધો.૧૨ સાયન્સના પરીણામમાં ઉજ્જવળ સફળતા બદલ ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પણ અપેક્ષિત પરીણામ મળતા ખુશીથી ઝુમી ઉઠયા છે.