પ્રતિમા-પરિસરની સ્વચ્છની જાળવણી કરાશે: મહાત્મા ગાંધીજીને ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એન.તિવારી સહિતના મહાનુભાવોએ પાઠવી આદરાંજલિ
ગુજરાત એન.સી.સી બટાલિયન, રાજકોટ દ્વારા સામાજિક જાગૃતિ, સ્વચ્છતા સહિતની વિવિધ પ્રવૃત્તિના ભાગરૂપે જયુબેલી ગાર્ડન સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને દત્તક લેવામાં આવી છે. જે અન્વયે એન.સી.સી. ગ્રુપ દ્વારા પ્રતિમા તેમજ પરિસરની સ્વચ્છતાની જવાબદારી કેડેટ્સ દ્વારા સંભાળવામાં આવશે, તેમ ટુ ગુજરાત બટાલિયનના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એન. તિવારીએ જણાવ્યું છે.
જયુબેલી સ્થિત પ્રતિમા અને પરિસરની ગઇ કાલે સાફ-સફાઈ કરવામાં આવી છે. તેમજ આજે કાર્યક્રમના ચીફ ગેસ્ટ ગ્રુપ કમાન્ડર એસ.એન.તિવારી તેમજ અન્ય મહાનુભાવો કર્નલ પ્રકાશ વ્યાસ, કર્નલ સુરેશ તેમજ કેપ્ટન જયદેવ જોશીએ ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે ભાવભરી આદરાંજલી પાઠવી સેલ્યુટ આપી હતી.
સાર્જન્ટ જય કારિયા તેમજ અન્ય કેડેટ્સ દ્વારા ભારતની આઝાદીમાં પૂજ્ય બાપુના અમૂલ્ય પ્રદાનનું પઠન કરવામા આવ્યુ હતું. કેડેટ્સ દ્વારા પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કેડેટ્સ દ્વારા વૃક્ષારોપણ, 15 મી ઓગસ્ટના રોજ પરેડ સહિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્નલ મનીષ નાટુના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જી.સી.આઈ. અરુણા, પાયલ, એન.સી.સી.ના જવાનો તેમજ કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતાં.