પેરેમાઉન્ટ પાર્કમાં ગેલેકસી કેટરીંગમાં આરોગ્ય શાખાના દરોડા: ૫૧૧ અખાદ્ય સામગ્રીનો નાશ: નોટિસ ફટકારાઈ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરમાં ૨ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાધિકા પાર્કમાં ટોપરા અને ચણાના લોટનો મૈસુબ બનાવતું યુનિટ બંધ કરાવી દેવામાં આવ્યું હતું. જયારે ગેલેકસી કેટરીંગમાં દરોડા દરમિયાન ૫૧૧ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે.આ અંગે વધુ માહિતી નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે શહેરના રૈયા ચોકડી પાસે મદન મોહનજીની હવેલી પાસે રાધીકા પાર્કમાં કૃણાલભાઈ વિનોદભાઈ ચાવડા નામના શખ્સ દ્વારા ટોપરા અને ચણાના લોટનો મૈસુબ બનાવવાનું કારખાનું ચલાવવામાં આવે છે. પ્રતિદિન ૫૦૦ જેટલા મૈસુબ બનાવવામાં આવે છે. ચેકિંગ દરમિયાન અહીં બિન આરોગ્યપ્રદ સ્થિતિ જણાતા નોટિસ ફટકારવામાં આવી હતી અને અનહાઈઝેનીંક કંડીશન અન્વયે તાત્કાલીક અસરથી ઉત્પાદન કેન્દ્ર બંધ કરાવી દેવામાં આવ્યું છે. ૨ કિલો કલરનો નાશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત પેરેમાઉન્ટ પાર્ક શેરી નં.૪માં કિરણભાઈ વાછાણીના ગેલેકસી કેટરીંગના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ગોડાઉનમાંથી વાસી, જીવાત યુકત મસાલો, મસાલા સહિતની ખાદ્ય સામગ્રી અને એકસપાયરી ડેઈટવાળી સોફટ ડ્રિકસની બોટલોનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. જેમાં લીમકા તથા થમ્સઅપ સોફટ ડ્રિકસની સવા લીટર ૭૫ બોટલ, ફ્રિઝમાં રાખેલી જૂની દૂધની કોથળી, બટર અને ચીઝનો ૯ કિલો જથ્થો, ગાંઠીયાનો વાસી ૨૩ કિલો ભૂક્કો, ૧૦૮ કિલો જુદો જુદો લોટ, ૧૪૮ કિલો દાઝયું તેલ, ૧૯ કિલો ફૂગવાળુ અથાણુ, ૧૭ કિલો જીવાતવાળા મસાલા, ૫ કિલો એકસપાયર કલર એસેન્સ, પાણીની ૧૦૦ એકસપાયર થયેલી બોટલ અને ૭ કિલો મુખવાસ સહિત ૫૧૧ કિલો જથ્થાનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી છે.