વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનો આક્ષેપ: ભરતીનું પરિણામ તાત્કાલિક જાહેર કરવા માંગ
કોર્પોરેશન દ્વારા સ્નાનાગારમાં સંચાલક કોચની બે જગ્યા, તાલીમ માસ્ટર સ્ત્રીની એક જગ્યા અને તાલીમ માસ્ટર પુરુષની એક જગ્યા સહિત કુલ ૪ જગ્યાઓ ઈનહાઉસથી ભરવા માટે ગત ૧લી સપ્ટેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. સામાન્ય રીતે ઈનહાઉસ ભરતી પ્રક્રિયાનું પરીણામ એકાદ સપ્તાહમાં જાહેર કરી દેવામાં આવતું હોય છે પરંતુ સ્નાનાગારમાં ભરતી પરીણામમાં ભેદી ઢીલ રાખવામાં આવી છે એ પરથી એવું લાગી રહ્યું છે કે, મહાપાલિકાના શાસકોએ સ્નાનાગારમાં મળતીયાને ઘુસાડવાનો કારસો રચ્યો છે તેઓ આક્ષેપ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ કર્યો છે. સાથોસાથ તાત્કાલિક અસરથી ભરતીનું પરીણામ જાહેર કરવાની પણ માંગણી કરી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકા સંચાલિત સ્નાનાગાર શાખામાં અલગ-અલગ ચાર જગ્યાઓ ઈનહાઉસ ભરવા માટે ગત ૧લી સપ્ટેમ્બરના રોજ ડીએમસીની હાજરીમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મોડીરાત સુધી ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.
જયારે ઈનહાઉસ ભરતી કરવાની હોય ત્યારે પરીણામ બે દિવસ કે સપ્તાહની અંદર જાહેર કરી દેવામાં આવતું હોય છે પરંતુ સ્નાનાગારની ભરતી ઈનહાઉસ હોવા છતાં પરીણામ શા માટે ૨૦ દિવસ સુધી જાહેર કરવામાં આવ્યું નથી તે પણ એક મોટો સવાલ છે. વિલંબ કોના કારણે થયો છે ? જવાબદારી ફિકસ કરી કડક પગલા લેવા જોઈએ.
ભાજપના શાસકો સ્નાનાગારમાં મળતીયાઓને ઘુસાડવાની મેલી મુરાદ ધરાવતા હોવાનો આક્ષેપ પણ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને લેખિતમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, સ્નાનાગાર શાખામાં અલગ-અલગ ચાર જગ્યાઓ માટે હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયાના પરીણામ તાત્કાલિક અસરથી જાહેર કરવામાં આવે.