ગેરકાયદે ખડકાયેલા બાંધકામોને નિયમિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક વર્ષ પૂર્વે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો. કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા સમક્ષ ઇમ્પેક્ટ ફી અન્વયે કુલ 8,270 અરજીઓ પ્રાપ્ત થઇ છે. જે પૈકી માત્ર 2152 અરજીઓને જ મંજૂરી આપવામાં આવી છે. ઇમ્પેક્ટ ફીની અરજી મંજૂર કરવામાં ટીપી શાખા દ્વારા ભેદી ઢીલ દાખવવામાં આવી રહી છે.
8,270 અરજીઓ પૈકી માત્ર 2152 અરજીઓ જ કરાઇ મંજૂર: 6043 અરજીઓની ચકાસણી ચાલુ હોવાનું રટણ
વોર્ડ નં.8ના કોર્પોરેટર અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન અશ્ર્વિનભાઇ પાંભરે જનરલ બોર્ડમાં પૂછેલા સવાલનો જવાબ ટીપી શાખા દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં ઇમ્પેક્ટ ફીની કુલ 8270 અરજીઓ મળી હોવાની કબૂલાત કરવામાં આવી છે. જે પૈકી આજની તારીખ સુધીમાં માત્ર 2152 અરજીઓ મંજૂર કરાઇ છે અને એક યા બીજા કારણોસર 75 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. 6043 અરજીઓની ચકાસણી ચાલી રહી છે.
નગર સેવકે અન્ય એક સવાલ પૂછ્યો હતો કે હાઇરાઇઝ બિલ્ડીંગોમાં નિયમ મુજબ પ્લાન કમ્પ્લીશન આપવામાં આવ્યા હોય તેનો આંકડો અને અરજી નામંજૂર કરવામાં આવી હોય તેના આંકડાઓ માંગવામાં આવ્યા હતા. જેનો ટીપી શાખા દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે. છેલ્લા સાત વર્ષમાં હાઇરાઇઝ બિલ્ડીંગના 256 પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી 198 હાઇરાઇઝ બિલ્ડીંગને ભોગવટા પરવાનગી આપવામાં આવી છે. જ્યારે એકપણ ભોગવટા પરવાનગી નામંજૂર કરવામાં આવી નથી. કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી ટીપી સ્કિમ બનાવવામાં આવી તેના જવાબમાં ટીપી શાખાએ મવડી અને માધાપરમાં ચાર ટીપી બનાવવામાં આવી હોવાનું જણાવ્યું છે. અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા કુલ 56 ટીપી સ્કિમો મંજૂર થયેલ છે. જે પૈકી 33 ટીપી સ્કિમ ફાઇનલ, 6 ટીપી સ્કિમ પ્રિલીમીનરી અને 17 ટીપી સ્કિમ ડ્રાફ્ટ મંજૂર છે. હાલ કોઠારિયા અને વાવડીમાં 6 ટીપી સ્કિમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે સરકારમાં માધાપર, મવડીની 6 ટીપી સ્કિમોની અરજી હાલ પેન્ડિંગ હોવાનું જણાવ્યું છે.